મા ! મારે ઊડવું છે ! ભાગ-૨૮
મા ! મારે ઊડવું છે ! ભાગ-૨૮
હવે કાલુ પાસે ઘણો પૈસો ભેગો થઈ ગયો છે. પોતાનું સ્વપ્ન સાકાર કરવા માટે આ પૈસો તેને ખૂબ ઉપયોગી બને એમ છે. કાલુ આ કંપનીમાં પણ કામ કરે છે અને પોતાનું સ્વપ્ન સાકાર કરવા તરફ આગળ પણ વધતો જાય છે. કાલુ માટે તો ‘આરામ હરામ’ જ છે. કંપનીના કામમાંથી નવરો થાય છે તો પોતાના સ્વપ્નના કામમાં લાગી પડે છે. પોતાનો ‘પ્રોજેક્ટ’ આગળ વધારતો જાય છે. પૈસો કમાય છે અને એ પૈસાથી પોતાના સ્વપ્નને સજાવે છે. કંપનીના માલિક કાલુને ઘણીવાર પોતાના અનુભવની વાતો પણ કરે છે અને કાલુ પણ સાહેબના અનુભવ ઉપરથી કંઈક શીખતો જાય છે.
કાલુને હવે પોતાનું સ્વપ્ન પૂરું કરવા માટેનું પૂરેપૂરું પ્લેટફોર્મ મળી ગયું છે. પોતાની મંજિલ તરફ ઝડપથી આગળ વધતો જાય છે. આજે તે ઘણો આગળ વધી ગયો છે. તેમનો આનંદ ચરમસીમાએ છે. કંઈક કરવાનો આજે તેને આનંદ છે. પોતાનું સ્વપ્ન સાકાર થયાનો સંતોષ છે, પણ તેમની કામ કરવાની ધગશ તો એવી ને એવી છે.
અને છેલ્લે...
એક સજાવેલા સભામંડપમાં મેદની જામી છે. જ્યાં જુઓ ત્યાં માનવ- મહેરામણ હિલ્લોળે ચડયો છે. મંડપમાં વાતાવરણ પણ જાણે આહ્લાદક છે. દરેકના ચહેરા ઉપર ઉલ્લાસ અને આનંદ છે. પોતે આજે એક મહાન ઘડીના સાક્ષી બનવા આવ્યાનો અહેસાસ કરે છે. અહીં હાજર મોટાભાગના ખૂબ પૈસાદાર હોય એવું લાગે છે. છતાં આ ઘડીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ત્યારે એક કર્મચારી એક યુવાન પાસે આવે છે અને કહે છે, ‘‘સાહેબ! હવે સમય થઈ ગયો છે, આપ તથા મહેમાનો સ્ટેજ ઉપર પધારો !’’
હવે સ્ટેજ ઉપર ઘણા મહાનુભાવો છે. તેમાં તરવરાટથી ભરપૂર આ યુવાન પણ છે અને તેની બાજુમાં એક આધેડ મહિલા પણ છે. કાર્યક્રમ શરૂ થાય છે. એક પછી એક મહાનુભાવો બોલવા માટે ઊભા થાય છે અને આ યુવાનનાં વખાણ કરતાં જાય છે. યુવાનના મુખ ઉપર એક ‘સ્માઈલ’ પ્રસરી રહ્યું છે. છેલ્લે આ યુવાન આ સૌનો તેમજ પોતાના જીવનમાં જેમના વિચારોથી પરિવર્તન આવ્યું એ સાહસિકો અને અહીં હાજર રહેનાર સૌનો આભાર માને છે.
આ યુવાન એટલે બીજો કોઈ નહિ, પણ આપણો કાલુ જ છે. હવે કાલુ આજના મુખ્ય મહેમાનો અને પેલી આધેડ મહિલા એટલે કે પોતાની માને લઈને આગળ વધે છે. આજે એક કંપનીનું ઉદ્ઘાટન કરવાનું છે. જ્યાં ઉદ્ઘાટન માટેની રીબન બાંધેલ છે ત્યાં સૌ જાય છે. કાલુ ઉદ્ઘાટન માટે પોતાની માને વિનંતી કરે છે. મા પહેલા તો સંકોચ અનુભવે છે, પણ મહેમાનો અને કાલુના આગ્રહથી મા રીબન કાપીને કંપનીનું ઉદ્ઘાટન કરે છે. કાલુ સૌને લઈને અંદર જાય છે. અંદર એક વિમાન છે. કાલુ મહેમાનો તથા માને આ વિમાનમાં બેસાડે છે. પોતે વિમાન ચલાવવા માટે તૈયાર થાય છે. વિમાનને ઉડાડે છે.
વિમાન જ્યારે ઊંચું ઊડે છે ત્યારે કાલુની મા અહોભાવથી બધું જોયા કરે છે. ઘડીક કાલુ તરફ જુએ છે, તો ઘડીક કાચમાંથી બહાર જુએ છે. વિમાનમાંથી બહારની દુનિયા અદ્ભુત લાગે છે. માને આજે સ્વર્ગનો આનંદ મળ્યો હોય તેવું લાગે છે. થોડીવાર પછી કાલુ ઊભો થાય છે અને કહે છે, ‘‘મા! આ કંપની આપણી છે, આ ‘કાલુ એરલાઈન્સ’ આપણી છે. આ કંપનીનો માલિક તારો કાલુ છે. મા! આ નામ જોઈને અન્ય યુવાનોને પણ આગળ વધવાની પ્રેરણા મળે એટલે તેનું નામ મારા નામથી જ રાખ્યું છે. એ નામ જોઈને યુવાનો જાણે, કે આગળ વધવા માટે પૈસા જ જોઈએ એવું નથી. આગળ વધવા માટે જરૂર છે ખંત, ધગશ, ઉત્સાહ અને મહેનતની. જો મા! મેં નાનપણમાં જોયેલ ઊડવાનું સ્વપ્ન આજે પૂરું થઈ ગયું છે. જો મા! આજે હું પણ ઊડું છું અને બીજાને પણ ઉડાડું છું.’’
(સંપૂર્ણ)
