મા! મારે ઊડવું છે! ભાગ-૨૬
મા! મારે ઊડવું છે! ભાગ-૨૬
એક દિવસ કંપનીના માલિકે કાલુને પૂછયું, ‘‘બેટા ! તું સતત કામ કર્યા કરે છે, તને કંટાળો નથી આવતો ? તને થાક નથી લાગતો ?’’ કાલુ તો તરત બોલી ઊઠયો, ‘‘અરે, સાહેબ ! કામ કરવામાં તો મને આનંદ આવે છે. જે વસ્તુમાં આનંદ આવતો હોય, એમાં થાક કે કંટાળો હોય ખરા ! સાહેબ ! હેલન કેલર અંધ હતી અને સાંભળી શકતી પણ નહોતી, છતાં તેણે સ્પર્શથી પણ કેટલું શીખી લીધું હતું ! સાહેબ ! કામ કરવામાં થાક-કંટાળો દૂર રાખે તેનું કામ જ સુંદર થાય !’’ સાહેબ તો કાલુની સામે અહોભાવથી જોઈ રહ્યા.
એક વખત વાતવાતમાં કાલુએ કંપનીના માલિકને વિલિયમ બોઈંગ વિશે વાત કરી. કાલુ બોલવા લાગ્યો કે, ‘‘સાહેબ ! તમે જે વ્યવસાય અપનાવ્યો છે, એ વ્યવસાયના જનકને તો જાણતા જ હશો. આ ઉડ્ડયન ઉદ્યોગના જનક એટલે વિલિયમ બોઈંગ. તેમણે બોઈંગ કંપનીની સ્થાપના કરી અને વિમાન બનાવવા લાગ્યા. તેઓ એક નવી ક્રાંતિ લાવ્યા. તેમનું કહેવું છે કે, આપણે નવો ચીલો ચાતરવાનો છે. તેમાં ન જોયેલા, ન જાણેલા પ્રશ્નોનો સામનો કરવો પડે. ‘આ શકય નથી’ એવો વિચાર કદી’ કરવો જોઈએ નહિ. સાહેબ ! તમને ખબર છે ! આ વિલિયમ બોઈંગનું એ પણ કહેવું છે કે, પ્રયોગો અને સંશોધનો ચાલુ રાખનાર જ નવું બનાવી શકે છે. જે નવું બનાવે છે એ જ લોકોમાં માન પામે છે. કોઈપણ ધંધામાં નવા વિચારને હંસી કાઢવાનો ન હોય. નવા વિચારમાંથી જ નવું ઊપજે છે. તો સાહેબ ! આપણે શા માટે નવું નવું ન બનાવીએ ?’’ સાહેબ તો બસ, કાલુની વાતો સાંભળ્યા જ કરે. હા, કાલુ ખાલી વાતો જ નથી કરતો, એ કામ કરી દેખાડે છે. કાલુને તો ઊડવું છે. પછી ખાલી વાતો ચાલે ખરી !
કાલુ કંપનીમાં ખૂબ મહેનત કરતો ગયો અને કામને સારું બનાવતો ગયો. કંપનીની નામના વધવા લાગી, કંપનીના કામની માગ વધવા લાગી. કાલુ તો વધારાના સમયમાં પણ કામ કરતો. માલિક તેના બદલામાં વધુ રકમ પણ આપતા. કાલુના કામથી ખુશ થઈને કયારેક તેને મોટી રકમનું ઈનામ પણ આપી દેતા. આવું તો એક-બે વાર નહિ, પણ વારંવાર બનતું. કાલુની સંપત્તિમાં વધારો થવા લાગ્યો છે. કાલુ હવે માત્ર કાલુ નથી, ‘કાલુ સાહેબ’ છે. કાલુના કામથી કાલુની નામના ખૂબ વધી ગઈ છે. કાલુ દરેક કામ ‘પરફેક્ટ’ કરે છે. કાલુના કામની કોઈ ફરિયાદ આવતી નથી. કામ એ જ કાલુનો જીવનમંત્ર બની ગયો છે.
(ક્રમશ:)
