મા! મારે ઊડવું છે! ભાગ-૨૦
મા! મારે ઊડવું છે! ભાગ-૨૦
કાલુનો આવો ઉત્સાહ જોઈને પહેલો વિદ્યાર્થી તો આભો જ બની ગયો. તે કાલુના શરીર તરફ જુએ છે. તેને થાય છે કે અંગોની ખામીવાળો આ કાલુ કઈ માટીમાંથી પાકયો છે ! આટલી હિંમત એનામાં કયાંથી આવી છે? કયાંય અટકવા તૈયાર જ નથીને ! મારામાં કેમ આવું નથી ! હું કેમ ઘણીવાર હિંમત હારી જાવ છું ! કાલુ શા કારણે આટલો આત્મવિશ્વાસ કેળવી શકયો છે ! આવું તો ઘણું તોફાન તેનામાં ચકરાવા લેવા લાગ્યું. ઘણીવાર કાલુની મશ્કરી કરવામાં તે પણ ભાગીદાર બનેલ. આજે તેને પસ્તાવો થાય છે કે, પોતે એક સાચા અને સ્વપ્નના ચાહકની મશ્કરી કરી હતી. તેને મનમાં થયું કે મારે પણ આવા વ્યવસાયના સાહિસકો વિશે વાંચીને તેમાંથી પ્રેરણા મેળવવી જોઈએ. હું કાલુ જેટલું ન કરી શકું તો કંઈ નહિ, પણ કંઈક તો હિંમત આવશે ને? આમ વિચારીને એ પુસ્તકાલયમાં ગયો.
હવે તે એક પુસ્તક લઈને વાંચવા બેઠો. તેમાં એક જાહેરાત ઉપર નજર ગઈ. તે વોલ્માર્ટની જાહેરાત હતી. તેના મનમાં થયું કે આ વોલ્માર્ટ શરૂ કરનાર વિશે જાણું તો ! અને તેણે વોલ્માર્ટના સ્થાપક સેમ વોલ્ટન વિશેનું પુસ્તક શોધીને વાંચ્યું. આ સેમ વોલ્ટને વોલ્માર્ટની સ્થાપના કરીને અમેરિકાના સામાન્ય માણસની જીવનશૈલીમાં જ પરિવર્તન લાવી દીધું. સેમ વોલ્ટન વિશે વાંચીને તે કાલુ પાસે ગયો અને તેને તે કહેવા લાગ્યો. કાલુએ પણ વોલ્ટન વિશે થોડી જાણકારી તો મેળવેલી જ હતી. સેમ વોલ્ટનનું કહેવું છે કે, ‘‘આપણે સંઘભાવનાથી કામ કરીએ તો સફળતા જલદી મળે છે. તેમાં કંઈ છુપાવવા જેવું નથી હોતું. દરેક ગ્રાહકની ગરિમા જળવાઈ રહેવી જોઈએ. જીવનમાં આગળ વધવું હોય તો અપેક્ષા સદા ઊંચી રાખવી જોઈએ. બિઝનેસમાં નવી-નવી યુક્તિ-પ્રયુક્તિ અજમાવનાર સફળ થાય છે. ગ્રાહક દરેક વેપારીનો બોસ ગણાય છે. ગ્રાહકના સંતોષથી જ ધંધો ચાલી શકે. નહિતર ઘરે બેસવાનો વારો આવે. આપણો હરીફ પણ મોંમાં આગળાં નાખે એવું કરવું જોઈએ. જે માણસ કામમાં કાળજી રાખતો થાય તેને કોઈ રોકી શકતું નથી. ગ્રાહકને વસ્તુની ગેરેંટી આપવાના બદલે સંતોષની ખાતરી આપવી જોઈએ. ઊંચું ધ્યેય રાખીને હરિફાઈમાં ટકવાની શક્તિ કેળવવી જોઈએ.’’ આમ, બંને મિત્રોએ ખૂબ વાતો કરી. કાલુને આજે પહેલીવાર જાણે કોઈ સાચો મિત્ર મળ્યો છે. અત્યાર સુધી તો બધા તેનાથી દૂર જ રહેતા હતા. એક મિત્ર મળવાથી અને પોતાની વાત માનવાથી આજે તો કાલુ જાણે ખરેખર ઊંચે ઊડે છે.
(ક્રમશ:)
