મા ! મારે ઊડવું છે ! ભાગ-૧૧
મા ! મારે ઊડવું છે ! ભાગ-૧૧
કાલુએ ધીરૂભાઈના આ દીકરાની વાતો તો જાણી જ હતી. એટલે તે ધીરૂભાઈના બીજા દીકરાની વાતો જાણવા પણ ઉત્સુક હતો. ધીરૂભાઈના આ દીકરા અનિલ અંબાણીએ મોટાભાઈની જેમ પોતાના પિતાનાં સપનાં આગળ વધારેલ છે. અનિલ અંબાણીનું કહેવું છે કે, ‘‘શિસ્ત અને સંયમથી એકાગ્રતા કેળવી શકાય છે. શરીર-મનને તાલીમ આપવાથી તે શકય બને છે. લોકોને સાથે રાખી કામ કરવાથી સફળતા મળે છે, સંબંધો કેળવાય છે. સાચા સંબંધોમાં વિશ્વાસ રાખવો જોઈએ. સ્વપ્ન ખુલ્લી આંખે જોનાર મોટો ભડ માણસ છે. તે કદી’ કયાંય પાછળ પડતો નથી. તેની હિમંત પણ ઓછી થતી નથી. જે હિંમત ન હારે, તે આગળ વધે.’’
આવા આગળ વધેલ માણસોની વાતો અને વિચારો જાણીને કાલુની હિંમત પણ દિવસે-દિવસે બમણી થાય છે. તેના વિચારોની ઊડવાની શકિત વધતી જાય છે. જેમ ગાડીની એવરેજ વધતી જાય, તેમ કાલુના વિચારોની એવરેજ પણ વધતી જાય છે. પોતે ગરીબ કુટુંબનો છે એ તો કયારેય વિચારતો જ નથી. મન મક્કમ હશે તો કોઈ તો રસ્તો મળી જ આવશે! કામ કરવા માટેનાં ચારમાંથી ત્રણ અંગો નથી તો શું થયું? એક હાથ તો સલામત છેને? એક હાથે પણ દુનિયાને સર કરી લેશું. આવા દૃઢ સંકલ્પ સાથે તે આગળ વધતો જાય છે.
કાલુને ‘કોશિશ કરનેવાલોં કી હાર નહીં હોતી’ કવિતા પણ ખૂબ ગમે છે. વારંવાર તેને ગણગણ્યા કરે છે અને એનો ભાવ મનમાં ઘૂંટયા કરે છે. સમુદ્રના મોજાંથી ડરી જનાર પોતાની હોડીને પાર ઉતારી શકતો નથી. હોડીને પાર ઉતારવા માટે મોજાં સાથે બાથ ભીડવી પડે છે. કીડી દાણો લઈને દીવાલ ઉપર ચડે ત્યારે ઘણીવાર પડે પણ છે, પણ તે ઉપર ચડવાનું છોડતી નથી અને છેલ્લે તે ઉપર ચડી જ જાય છે. કરોળિયો પણ જાળું બનાવતા ઘણી વખત ટીંગાઈ જતો હોય છે, પણ તે જાળું બનાવવાનું બંધ કરતો નથી. મરજીવા હિંમત કરીને દરિયામાં ડૂબકી ન મારત તો સાચાં મોતી કેવી રીતે મળત! કંઈક મેળવવા માટે મહેનત તો કરવી જ પડે છે. જે મહેનત કરે છે તે કદી’ હારતા નથી. દુનિયામાં તેની નામના વધે છે.
(ક્રમશ)
