મા એ મા
મા એ મા
જય અને મિતેષ બન્ને મિત્રો હોસ્ટેલમાં રહી કોલેજમાં સાથે ભણતાં હતાં. રાત્રે લોજમાં જમી બન્ને બહાર આંટો મારવાં નીકળ્યાં. થોડીવાર પછી જયના ફોનમાં ફોન આવ્યો થોડો સાઈડમાં જઈ એ વાત કરવા લાગ્યો.
ફોન મૂકી મિતેષ પાસે આવીને જય બબડવા લાગ્યો, "આ મમ્મીને થોડીવાર શાંતિ નહીં, સવારે ફોન કરે ઉઠાડવા, બપોરે અને સાંજે પૂછ્યા કરે જમ્યો ? રાતે બહુ બહારના જતો. આપણે નાના છોકરા છીએ કંઈ તો વારંવાર કહ્યા કરે. કેટલીવાર કહ્યું પણ મમ્મી સમજે જ નહીં ને."
"મમ્મીનો ફોન હતો એમને ? એ મા છે ચિંતા તો હોય જ ને પોતાના દીકરાની એટલે ફોન કરે શાંતિથી જવાબ આપી દેવાનો." મિતેષે સમજવતાં કહ્યું.
"અરે યાર, પણ આ રોજનું થયું. ક્યારેક ફોન આવે તો પણ ગુસ્સો આવી જાય કે બસ એક જ વાત હશે મમ્મીની." જય પોતાનો પક્ષ લેતાં બોલ્યો.
"તારે ફોન તો આવે છે ! છેલ્લા બાર વર્ષથી મને ફોન નથી આવ્યો." આટલું બોલી મિતેષ ચૂપ થઇ ગયો. મિતેષની વાત સાંભળી કંઈક સમજાયું હોય તેમ જય કશું બોલ્યા વગર ચાલવા લાગ્યો
