'કલાકાર'
'કલાકાર'
હરિદ્વારમાં એક હોલમાં મહાન સંગીતકારો એકઠા થયા છે. સામે મા ગંગાના નીરનો સંગીતમય સ્વર સંભળાઈ રહ્યો છે. દેશભરમાંથી સૌ કલાકારો પોતાની કલા રજૂ કરવા થનગની રહ્યા છે. એકપછી એક સંગીત કલકાર પોતાની પારંગતતા પુરવાર કરી રહ્યા છે. ઉત્તમકોટિનું સંગીત પીરસાઈ રહ્યું છે. સૌ સંગીતમય બની ઝૂમી રહ્યા છે. વાહ! વાહના પોકાર ચાલુ છે.
એવામાં એક સાવ સામાન્ય પહેરવેશ અને વધી ગયેલી દાઢીવાળો એક પ્રૌઢ ઉંમરનો પુરુષ હોલમાં પ્રવેશે છે. બધાનું ધ્યાન ત્યાં ખેંચાય છે. અને તેને જોઈને બધા વ્યંગમાં હસે છે. અને વિચારે છે આ મુફલીસનું વળી અહીં શું કામ?
બધા સંગીતકારો ખૂબ સરસ સંગીતના સૂર છેડે છે. છેલ્લે પાછળથી આવેલ એ પ્રોઢ ઊભા થાય છે. સભામાં હાસ્યનું મોજું ફરી વળે છે. પણ જેવો એણે મલ્હાર રાગ છેડ્યો કે, સભામાં સ્તબ્ધતા છવાઈ ગઈ, ધીમે ધીમે તેણે ગૌડ મલ્હાર રાગ છેડ્યો અને આકાશમાં તેના આંદોલનોથી વાદળ કાજળઘેરા થવા લાગ્યા ! અને જાણે વરુણ દેવ રીઝવા લાગ્યા.
જેમ જેમ રાગ ગવાતો ગયો તેમ મુશળધાર વરસાદ વરસવા લાગ્યો ! સતત બે કલાક તેણે આ રાગ આલાપ્યો. સભા આફરીન પોકારી ઊઠી. સૌ આ મહાન કલાકારને વંદન કરવા લાગ્યા અને નામ પૂછવા લાગ્યા તેમજ તેમની કલાનું સન્માન થવુંજ જોઈએ એવા સૂર ઉઠવા લાગ્યા. ત્યારે મંદ મંદ હાસ્ય વેરતો એ કલાકાર એટલુંજ બોલ્યો,
"મારી કલાનો કદરદાન તો ખુદ ઈશ્વર છે. હુંતો નિજાનંદ માટે સૂર રેલાવું છું અને કલા કોઈની મોહતાજ નથી હોતી". સૌને નમસ્કાર કરી એ નીકળી જાય છે. અને આખી સભાના મોં માંથી શબ્દો નીકળી જાય છે, ખરો કલાકાર!!