ખીચડી
ખીચડી
એક સુંદર મઝાનું જંગલ હતું. નાની-નાની ટેકરીઓ ઝરણાને લીલોતરી પ્રવાસીઓનું મન જીતી લેતા હતાં. એક દિવસ ત્યાં ખૂબ ધોધમાર વરસાદ પડ્યો. સહુ પંખીઓ પોતાનાં માળામાં સંતાઈ ગયા હતા.
પ્રાણીઓ પોતપોતાની ગુફામાં બેસી ગયા હતા. ધોધમાર વરસાદ સાથે વીજળીના કડાકાનો અવાજ આવતો હતો. આ જોઈ જંગલમાં રહેતા સૌ પશુપંખીઓ ગભરાઈ ગયા. દરેકના માળામાં-ગુફામાં ખાવાનો સામાન પણ પૂરતો ન હતો. વરસાદી માહોલથી બપોરનો સમય હોવા છતાં વાદળોને કારણે અંધારું લાગતું હતું.
બધાં પંખીઓનાં બચ્ચાં ગભરાઈને રોતાં હતાં. પવનથી બધાં ઝાડની ડાળીઓ જોર-જોરથી હાલતી હતી. ત્યાં થોડા સમય પછી વરસાદનું જોર ઓછું થયું.
કાલુ કાગડો, ટીટી ખિસકોલી, મટ્ટુ સસલું પોતપોતાનાં ઘરની બહાર આવ્યાં. તો બીજી તરફ મોન્ટુ વાંદરો, ટીટુ રીંછ, ચુટ્ટ પોપટ સૌ જંગલના મોટા લીમડાની નીચે આવ્યાં. સૌના મોં પર ચિંતા દેખાતી હતી.
મટ્ટ સસલાએ કહ્યું, "મારા દરમાં પાણી ભરાઈ ગયું તો બધું ખાવાનું ખરાબ થઈ ગયું હવે મારી પાસે થોડાં ગાજર જ છે પણ મને ખૂબ ભૂખ લાગી છે." ટીટી ખિસકોલી કહે, "મારા બચ્ચાંઓ ખૂબ જોરથી રડે છે. એ બધા ભૂખ્યાં થયાં છે અને મારી પાસે સુકોમેવો અને વટાણા છે. તો વળી કાલુકાગડાએ કહ્યું, "હું ગઈકાલે જ શહેરમાંથી મોટોથેલો ભરી દાળ-ચોખા લાવ્યો છું." રીંછભાઈ કહે, "હું ગઈકાલે ખૂબ બધું મધ અને બટાકા લાવ્યો છું." ચટ્ટુ પોપટ કહે, "મારી પાસે લાલ મરચા ખૂબ પડ્યાં છે." મોન્ટુ વાંદરાએ કહ્યું, "મિત્રો તમને વાંધો ન હોય તો પોત-પોતાના ઘરેથી જે કંઈ સારું રહ્યું હોય તે લેતાં આવો. અને આપણે સૌ ભેગાં મળી ખીચડી બનાવી એ તો કેવું? હવે વરસાદ પણ પડે એમ લાગતું નથી જુઓ અંધારું ગાયબ થઈ ગયું છે. સૂરજદાદા પણ બહાર દેખાય છે અને સપ્તરંગી મેઘધનુષ તો જુઓ પેલી ટેકરીને પાર."
બધાં ચિંતિત પ્રાણીઓ-પંખીઓનું ધ્યાન મેઘધનુષ પર પડ્યું અને વાંદરાભાઈની વાતમાં સૂર પુરવતા સૌ કહેવા લાગ્યા, "હમણાં જ અમે લાવીએ છીએ."
વાંદરાભાઈએ પોતાનાં ઘરમાંથી મોટું તપેલું અને સુકાં લાકડાનો ચુલો બનાવ્યો. સૌ પંખીઓ એ પોતાના માળા માંથી લાવેલી વસ્તુઓ તપેલામાં નાખી.
રીંછભાઈએ આપેલા દાળ-ચોખા સસલાભાઈએ ધોઈ તપેલામાં ઉમેર્યા. સૌએ હળી મળી ખીચડી બનાવી અને વહેંચીને ખાધી.
આમ, સૌ પંખી-પ્રાણીઓની હોશિયારીથી વરસાદથી થયેલુ નુકસાનનું દુ:ખ સૌ ભૂલી ગયા. અને મઝાની ખીચડી ખાઈ પોતપોતાના ઘેર જઈ સૌ સૂઈ ગયા.
