ખડતલ મન, તો ખડતલ શરીર
ખડતલ મન, તો ખડતલ શરીર
ઈ.સ. ૧૯૧૮માં ખેડા જિલ્લામાં અતિવૃષ્ટિ થયેલ. લોકોનો પાક ધોવાઈ ગયો. બીજીવાર વાવી શકે એવીયે શકયતા નહોતી. ઢોરનો ઘાસચારોય કોહવાઈ ગયો હતો. લોકોને એમ હતું કે, વરસાદ સારો થયો છે તો શિયાળુ પાક લઈ શકાશે. પણ શિયાળામાં આ પાકો ઉપર રોગચાળો આવી ગયો અને ઉંદરોનો ઉહાપોહ થયો. એટલે આ પાકેય નિષ્ફળ ગયો.
આવી પરિસ્થિતિ હતી ત્યાં જ સરકારી મહેસૂલની ઉઘરાણી આવી. બેમાંથી એકેય પાક જ ન થયો, તો મહેસૂલ શેનું ભરવું ? બિયારણ પણ ઉછીના પૈસાથી લીધું હતું ! ખેડૂતોએ સરકારને મહેસૂલ માફ કરવાનું કહ્યું. સરકારે એ બાબત દાદ પણ ન દીધી. એને બદલે મહેસૂલ ઉઘરાણી માટેનું દબાણ વધારી દીધું. મોહન પંડયા નામના કાર્યકરે સરકાર સામે લડત કરવાનું નક્કી કર્યું. તેને સાથ આપવા એક ભડવીર આવ્યા. બંનેએ સાથે મળીને લોકોને સમજાવ્યા. તો સરકાર એને 'ચળવળિયા' કહેવા લાગી. સરકાર તો બૈરી-છોકરાં વેંચીને પણ મહેસૂલ ભરવાનું કહ્યું.
હવે આ બંને વીરોએ ખેડૂતોને મહેસૂલ ન ભરવા સમજાવ્યા. લોકોને હિંમત આપી. સરકાર ગમે તેવો જુલમ ગુજારે તોયે મહેસૂલ ન ભરવાનું કહ્યું. પેલા ભડવીરે લોકોના મનમાં સ્વમાનનાં બીજ રોપ્યાં. પછી આ લોકોએ પણ સત્ય માટે લડી લેવાની પ્રતિજ્ઞા કરી. તેમાં સ્ત્રીઓએ પણ સાથ આપ્યો. સરકારે લોકોની વસ્તુઓ જપ્તમાં લીધી. ભેંસો, જમીન, દાગીના જપ્તીમા લીધાં. પણ લોકો અડગ રહ્યા. આ રીતે સરકારે ચોરીનું કામ કર્યું. લોકોએ પોતાનાં મન મજબૂત બનાવી લીધાં હતાં. સરકારનો જુલમ તેમના શરીર ખમી લેતાં હતાં. પણ આ અંગ્રેજ સરકાર સામે કોઈએ પોતાની પ્રતિજ્ઞા તોડી નહિ. આ ખેડૂતોનાં શરીર કદાચ નબળાં હશે! પણ તેઓનાં મન મજબૂત હતાં અને મજબૂત મનને લીધે એનાં શરીર પણ ખડતલ બની ગયાં હતાં.
લોકોની આવી દૃઢતા જોઈને સરકારને પણ મૂંઝવણ થઈ અને સુખી લોકો મહેસૂલ ભરે અને ગરીબ લોકોનું મહેસૂલ માફ કરીને આ લડતનો અંત આણ્યો. અહીં લોકોનાં અડગ મનનો વિજય થયો અને આ અડગ મન બનાવનાર સાવ સાચૂકલા લોકસેવક હતા સરદાર વલ્લભભાઈ પટેલ.
આવી રીતે ગમે તેવું અઘરું કામ હોય, પણ મનમાં એ કામ કરવા માટેની ધગશ-આતશ હશે, મન મજબૂત હોય, તો તેમાં સફળતા મળે જ છે. કયાંય હિંમત હારવાની નથી. બસ હિંમત રાખી મન મજબૂત રાખી કામ કરો. સફળતા તમારી વાટ જુએ છે.
