Vijay Shah

Others

3  

Vijay Shah

Others

કાયરતાની સજા

કાયરતાની સજા

4 mins
7.1K


“હા, નિશાને હું ગમું છું. તેથી તો તે મને ટગરટગર જોયા કરે છે.” વિવેક બહુ જ વિશ્વાસપૂર્વક બોલ્યો.

ભૂપત કહે, “તને કેવી રીતે ખબર પડી?”

“હું જ્યારે પણ તેની સામે જોઉં છું, ત્યારે તે મને જ જોતી હોય છે.”

”એમ, ત્યારે તું એની સામે જુએ છે ખરો ને? હવે જોવાથી એમ થોડું માની લેવાય કે તને તે એ જ સ્વરૂપે જુએ છે, જે સ્વરૂપે તું એને જોવા માગે છે?” ટીખળ કરતાં ભૂપત બોલ્યો.

”ના, યાર! તું મારી વાત સાચી નથી માનતો ને? તો ચાલ, આજે જોષી સરના ક્લાસમાં મારી સાથે બેસજે અને હું બતાવીશ કે તે મને જ જોયા કરે છે!”

”અરે ગાંડા ભાઈ! એકવીસમી સદીમાં જોયા કરવું એ ગમવાની નિશાની હોય, તો દરેક ફિલ્મની હીરોઇનો અને હીરોને કેટલાં બધાં વચ્ચે વહેંચાવું પડે? લોકો એકની એક ફિલ્મ રેકોર્ડ કરીને પચાસ વખત જોતા હોય છે.”

”યાર, તું તો મારી વાતને સમજતો જ નથી…”

”જો વાતમાં મોણ નાખ ના. હું નિશાને ઓળખું છું. એ કંઈ તને ભાવ આપે તેવી નથી.”

”તો પછી તે મને કેમ જોયા કરે છે ?”

”તું એને જોવાનું બંધ કરી દે, એટલે આ તારો તાવ ઊતરી જશે.”

”યાર ! મારી પ્રેમકથા આગળ વધે, તે પહેલાં તું તો તેમાં પંક્ચર પાડી રહ્યો છે.”

”હા, કૉલેજનું છેલ્લુ વર્ષ છે. ક્લાસમાં ડાફરિયાં મારવાનું બંધ કર અને ભણવામાં ધ્યાન રાખ. આ બધા અભરખા તને ના પોષાય. જરા જો તો ખરો, તું ભણી રહીશ એટલે ઘરની જવાબદારી લેવાની છે; ત્યારે તે તો ઊડીને અમેરિકા પહોંચી જશે. એવાં સ્વપ્નો કદી ન જોવાં કે જેમાં જ્યારે વાસ્તવિકતા આવે ત્યારે માર પડે. તે તો ગર્ભશ્રીમંત બાપની છોરી છે, ભણે છે તે તો ખાલી શોખ ખાતર; જ્યારે તું મધ્યમવર્ગી, તારો અને તેનો કોઈ મેળ જ નહીં.”

ભૂપત બોલ્યો તો સાચું જ હતો, પણ વિવેકને જાણે એમ હતું કે એને જે સુંવાળી લાગણીઓ જન્મી હતી; તે કારણ વગરની નહોતી જ. નિશાને પણ તેના માટે ભરપૂર પ્રેમ છે.

તેમનો એક જ વર્ગ હતો અને તે દિવસે વિવેકે તેના બીજા મિત્ર નીતિનને સમજાવી સમજાવીને નિશાને પોતાનો હાલ કહી સંભળાવવા તાકીદ કરી. નીતિને નિશાને શુક્રવારે વાત તો કરી.

સોમવારે વિવેકને નિશાનો પત્ર અને રાખડી મળ્યાં. વિગતવાર પત્ર હતો. નવનિર્માણમાં પોલીસફાયરિંગમાં મૃત્યુ પામેલા તેના ભાઈ જેવો જ વિવેક તેને દેખાતો હતો અને તેથી તે વિવેકને ભાઈની રીતે જોતી હતી.

વિવેકે આક્રોશમાં માથું ધુણાવતાં કહ્યું, “બીકણ છે નિશા. મને ખબર છે તેનામાં હિંમત નથી. તેની આંખોમાં મેં કદી ભાઈનું વહાલ નથી જોયું.”

* * * * *

સમયે કરવટ બદલી. પંદરપંદર વર્ષનાં વહાણાં વાઈ ચૂક્યાં હતાં. એક દિવસે વિવેકને ટ્રેઇનમાં નિશાનો ભેટો થઈ ગયો. નિશા સામેથી મળવા આવી. ચાલુ ટ્રેઇનમાં તેની નજીક આવીને તે બોલી, ” વિવેક મને માફ કરી શકીશ, મારા જૂઠાણા માટે?”

”અરે નિશા, તું? વૉટ એ સરપ્રાઇઝ? કેમ છે? બેસ, બેસ…”. ફર્સ્ટ ક્લાસના કમ્પાર્ટમેન્ટમાં ભીડ તો હતી જ નહીં.

”હા બેસીશ, મલાડ આવે ત્યાં સુધી… નીતિન પાસેથી તારા પ્રણયના એકરારની વાત સાંભળીને હું ખચકાઈ ગઈ હતી. મને થયું હતું કે તું જાતે આવીને મારી સાથે વાત ના કરી શકે કે તારે વચેટિયાની મદદ લેવી પડે?”

”હા, પણ તે વાત તું મને બીજા દિવસે કહી શકતી હતી ને?”

”મને ગુસ્સો આવ્યો અને મેં તને પત્ર લખ્યો… જૂઠો પત્ર.”

”મને સમજાયું નહીં... જૂઠો પત્ર?”

“હા. પત્ર પોસ્ટ કર્યા પછી પસ્તાઈ હતી… પ્રથમ પ્રેમનો એકરાર ગમતા સાથી તરફથી સામેથી આવે તે તો મારા માટે આનંદની વાત હતી… પણ, એ મારી નાસમજ હતી… મેં તને ખોટો જ અવગણ્યો… અને હું પણ તને મારાં દિલની વાત કહેવાની હિંમત ન કરી શકી.”

ટ્રેઇન મલાડની નજીક પહોંચી રહી હતી... વિવેકે નિશાને કહ્યું, “જો તારી જિંદગી અને મારી જિંદગી પોતપોતાનાં નસીબ પ્રમાણે ગોઠવાઈ ગઈ છે… મિત્ર તરીકે તેં મને ગેરસમજમાંથી બહાર કાઢ્યો. તારા આજના એકરારથી તું એક સારી મિત્ર મને પાછી મળી.”

સરનામાં, ઈ-મેઈલ એડ્રેસ અને ટેલિફોન નંબરોની આપ-લે થઈ. નિશાએ પૂછ્યું, ”વિવેક, તું તો સિડનીમાં સ્થાયી થઈ ગયો છે. ભારત આવવું ગમે છે?”

“હા, હવે જરૂર ગમશે!”

” કેમ, હવે?”

“પહેલાં આવવા માટે બહાનું શોધતો હતો. હવે બહાનું મળી ગયુ છે ને?”

“એટલે?”

”એટલે હવે આવીશ, ત્યારે પાછલાં પંદર વર્ષોની વાતો લઈને આવીશ.”

”ભલે આવજે, ચાલ બાય.”

મલાડ આવી ગયું હતું… ’આવજો’, ‘આવજે’ બોલાતું રહ્યું. ટ્રેઇન ઊપડી અને બંને છૂટાં પડતાં ગયાં.

વિવેકને પહેલી વખત લાગ્યું કે તેના હૃદયમાં દબાઈને બેઠેલી નિશા પરત્વેની નકારાત્મકતા એકદમ ઓગળી ગઈ હતી... તેનો ચૅકમાં મૂકાયેલો ચેસનો રાજા જીતી ગયો હતો. એક સમયનો નિશા માટેનો તેનો વિશ્વાસ ફરી કોળી ઊઠ્યો હતો. તેને સંતોષ થઈ ગયો હતો. તેને થયું કે સાચે જ તે વખતે પણ નિશા તેને ચાહતી જ હતી.

“પણ, હવે તેનું શું ?’ વિવેકના હૃદયે પોતાનાં જ મનને પ્રશ્ન પૂછ્યો.

નિશાનાં નામ, સરનામાં અને ઈ મેઈલ એડ્રેસવાળી ચિઠ્ઠીને વિવેકે ચર્ચગેટ તરફ આગળ વધતી જતી ટ્રેઇનની બારીમાંથી કટકા કરીને ઉડાડી દીધી… મનમાં એમ બબડતાં કે, ‘નિશા, તને તારી કાયરતાની આથી વધુ સજા શું હોઈ શકે?’

પેલી તરફ નિશા પણ વ્યથિત હતી. તેણે તેની અંદરના જે પસ્તાવાના ભારેલા અગ્નિને ફૂંકો મારીમારીને હાલ સુધી પ્રજ્વલિત રાખેલો હતો, તેને આજે વિવેકની સાથે એકરાર કરીને શમાવી દીધો હતો. તે આજે બહાદુર તો બની હતી, પણ જાતને પૂછવા માંડી, ‘હવે પણ આગળ શું?’ તેના પ્રશ્નનો જવાબ તેની પાસે પણ ન હતો. તેણે મલાડ સ્ટેશને રેલ્વે ટિકિટની સાથે જ વિવેકે આપેલું કાર્ડ પણ કચરાપેટીમાં નાખી દીધું, જાણે કે તે તેની કાયરતાની સજા ભોગવવા ન માગતી હોય!

પાછળ ગીત વાગતું હતું...

ચલો એક બાર ફિર સે, અજનબી બન જાએ હમ દોનો...

 


Rate this content
Log in