કાચબાને મળી ઢાલ
કાચબાને મળી ઢાલ
પૃથ્વી પર જીવસૃષ્ટિની શરૂઆત થઈ ત્યારે બધાં પ્રાણીઓ શાંતિથી રહેતાં હતાં. કોઈને કોઈ સાથે કોઈ હરીફાઈ નહોતી કે કોઈને કોઈ સાથે દુશ્મનાવટ નહોતી. બધાં પોતાની મસ્તીમાં જીવતાં હતાં. આ જોઈને ભગવાનને વિચાર આવ્યો, ‘‘આવું તે કંઈ ચાલે! હરીફાઈ વગરનું જીવન તો નકામું છે. કોઈને કોઈ સાથે દુશ્મનાવટ જ ન હોય તો કોઈ આનંદ જ ન રહે ! અને મેં રચેલી આ સૃષ્ટિનો ખેલ મને કઈ રીતે જોવા મળે ?’’
ભગવાન તો સતત વિચારવા લાગ્યા. પ્રાણીસૃષ્ટિનો ખેલ કેવી રીતે શરૂ કરવો તે બાબત ખૂબ ગડમથલ કરી. ખૂબ વિચારને અંતે ભગવાને નક્કી કર્યું કે, ‘‘પ્રાણીઓમાં કોઈ બાબત સમાન ન રહેવા દેવી. સ્વભાવ, હાલવા-ચાલવા-દોડવાની ઝડપ વગેરે દરેકમાં અલગ-અલગ કરી નાખવા. જેથી એકબીજા પ્રત્યે ઈર્ષાભાવ જાગે અને દરરોજ નવા ખેલનું સર્જન થાય !’’
એક દિવસ ભગવાને પ્રાણીઓને પોતાની પાસે બોલાવ્યાં. બધાં પ્રાણીઓ તો સાથે મળીને આનંદથી ભગવાનની પાસે આવ્યાં. ભગવાન મનમાં મુશ્કરાતા હતા. ભગવાને વિચાર્યું કે, ‘‘છેલ્લી વખત હું આ પ્રાણીઓનો સંપ જોઈ રહ્યો છું. આજ પછી આ પ્રાણીઓ કદી આ રીતે સંપીને રહેશે નહીં !’’ ભગવાને પ્રાણીઓને પોતાની સામે બેસાડીને વાત કરી, ‘‘મેં તમારાં માટે સ્વભાવ અને ઝડપની રચના કરી છે. દરેકને જુદો જુદો સ્વભાવ અને જુદી જુદી ઝડપ મળશે. તમારાં દરેકની એક અલગ ઓળખ હશે. સામે તમે જે ચળકતી વસ્તુઓ જુઓ છો તેમાં તમને દરેકને મળી રહે તેમ સ્વભાવ અને ઝડપ ગોઠવેલ છે. કોને શું મળશે એ હું નહીં કહું. તમારાં નસીબ પ્રમાણે તમને મળી જશે ! તો જાઓ અને અજમાવો તમારું નસીબ!’’
ભગવાનનો હુકમ મળતાં જ બધાં પ્રાણીઓ તે વસ્તુને લેવા માટે તૂટી પડયાં. આ બધું જોઈને કાચબો તો ડરી ગયો અને એક અર્ધગોળાકાર પથ્થર નીચે સંતાઈને જોવા લાગ્યો. દરેક પ્રાણી પોતાને જે ચીજ મળી તે લઈને ભાગે છે. ચીજનો ચમત્કાર તરત જ દેખાયો. કોઈ મોટી મોટી છલાંગો મારે છે, કોઈ ધીમે ધીમે ચાલે છે, કોઈ કૂદકા મારે છે. કોઈ હવે સંપીને બેઠું નહીં. જાણે એકબીજાંનાં દુશ્મન બની ગયાં ! ભગવાનને ખૂબ આનંદ થયો.
બધાં પ્રાણીઓ ગયાં ત્યારે કાચબો ભગવાન પાસે ગયો, બધી હકીકત કહી અને પોતાને કંઈક આપવા કહ્યું. ત્યારે ભગવાન બોલ્યા, ‘‘તું બીકણ છે ! તારા બચાવ માટે તેં જેનો આશરો લીધો એ પથ્થર જ તારો રક્ષાક એટલે કે તારી ઢાલ બનશે. જેથી કોઈ પ્રાણી તને મારી શકશે નહીં !’’ ભગવાને બોલવાનું પૂરું કર્યું ત્યાં જ પેલો પથ્થર કાચબાના શરીરની આસપાસ ગોઠવાઈ ગયો. જેથી ભયના સમયે કાચબો પોતાનાં પગ-મોઢું વગેરે અંગો શંકોરી શકે.
અને ત્યારથી કાચબો પોતાના રક્ષાણ માટે પથ્થર જેવી ઢાલનો ભાર ઉપાડીને ફર્યા કરે છે. સમયનો જે સાચો ઉપયોગ ન કરે તેના ભાગે પથ્થર જ આવે.
