'Sagar' Ramolia

Children Stories Classics

4.9  

'Sagar' Ramolia

Children Stories Classics

કાબેલ કાબર

કાબેલ કાબર

2 mins
476


પેલી વાર્તા યાદ છે ને ! કાગડો પૂરી લાવ્યો. એક શિયાળ તે જોઈ ગયું. શિયાળે પૂરી પડાવવા માટે કાગડાનાં વખાણ કર્યાં. વખાણથી કાગડો ફુલાઈ ગયો અને બોલવા માટે ચાંચ ખોલી. ત્યાં પૂરી નીચે પડી ગઈ અને શિયાળ પૂરી લઈને ચાલતું થયું.

પૂરી ખાઈને શિયાળને ખૂબ મજા આવી. ‘‘ખોટાં વખાણ કરીને પણ આવી રીતે મજા મળતી હોય તો ખોટાં વખાણ કરવા એ કંઈ ખોટું નથી !’’ એમ વિચારીને શિયાળે તો ખોટાં વખાણની પ્રયુકિત અપનાવી લીધી. ‘કાગડા બધે કાળા’ હોય એ વાત તો સાચી, પણ બધા કાગડા સરખા ન હોય ! વળી બધાં પક્ષીઓ કાગડા જેવાં પણ ન હોય ! પૂરી ખાઈને ત્યારે તો શિયાળનું કામ ચાલ્યું. પણ પૂરી પેટમાં ટકે કેટલીવાર ? પૂરી પચી ગઈ એટલે વળી શિયાળને ભૂખ લાગી. શિયાળ વળી ખોરાકની શોધમાં નીકળી પડયું.

ખોરાકની શોધમાં શિયાળ ખૂબ દૂર નીકળી ગયું. ત્યાં જ પોતાની મહેનત ફળી હોય એવું તેને લાગ્યું. એક કાબર ચાંચમાં રોટલીનો કકડો પકડીને ઊડતી આવી અને ઝાડની ડાળી ઉપર બેઠી. શિયાળ ઝાડ નીચે પહોંચી ગયું અને કાબરનાં વખાણ કરવા લાગ્યું, ‘‘અરે, કાબરબેન! તમે અહીં! સારું થયું તમે મળી ગયાં! તમને મળવાની ઈચ્છા ઘણા સમયથી હતી. તમારો મધુર અવાજ સાંભળવા મન આતુર હતું. આજે એ ઈચ્છા પૂરી થશે. આજે હું નીકળ્યું ત્યારથી જ મનમાં કંઈક શુકન જેવું લાગતું હતું. એ શુકનરૂપે તમે મળી જશો એતો મનમાં આવ્યું જ નહોતું ! આજે પ્રભુએ મારી ઈચ્છા પૂરી કરી!’’ કાબર શિયાળની વાત સાંભળીને વિચારવા લાગી, ‘‘આ લુચ્ચું શિયાળ ‘લાભ વગર લાલો ન લોટે’ જેવું છે. એની દાનત મારી રોટલી પડાવવાની છે. હવે તેને પાઠ ભણાવવો પડશે.’’ આવું વિચારીને કાબરે રોટલી ઝાડની ડાળી ઉપર મૂકી. પછી શિયાળને કહ્યું, ‘‘તમે અહીં જ બેસજો ! હું બીજી રોટલી લઈ આવું. પછી બંને રોટલી ખાશું અને હું સરસ વાર્તા સંભળાવીશ!’’

શિયાળને તો મોંમાં પાણી વછૂટયું. થોડીવારે કાબર ચાંચમાં ફાફડાથોરનો કકડો લઈ આવી. કકડો ડાળી ઉપર મૂકયો. પછી શિયાળને કહ્યું, ‘‘તમારું મોં ખોલો એટલે હું રોટલી નાખું !’’ પછી કાબરે ચાંચમાં રોટલી લીધી એટલે શિયાળે કાબર સામે મોં ખોલ્યું. કાબરે ધીમેથી પગ અડાડીને પેલો ફાફડાથોરનો કકડો નીચે સરકાવી દીધો. એ સીધો શિયાળના મોંમાં પડયો. ફાફડાથોરના કાંટા શિયાળના મોંમાં ચૂભવા લાગ્યા. શિયાળ તો બૂમાબૂમ કરવા લાગ્યું. તેને ખૂબ પીડા થવા લાગી. ત્યારે તેને સમજાયું કે, ‘સેરના માથે સવા સેર પણ હોય છે.’


Rate this content
Log in