ઝગડા પછીનું સોરી
ઝગડા પછીનું સોરી
મારી ભીતર તું શ્વસે છે, સંસાર મારો આમ જ નભે છે.
'આજે ફરી તમારી બંને વચ્ચે ઝઘડો થયો?' મિતાક્ષીએ પ્રવાલના ખભે હાથ મૂકતા પૂછ્યું. મિતાક્ષીના હાથનો સ્પર્શ થતાં પ્રવાલ જાણે ઊંડા વિચારમાંથી બહાર આવ્યો હોય તે રીતે એક ક્ષણ પૂરતું તેણે મિતાક્ષી તરફ જોયા કર્યું અને બોલ્યો,'હં, સૉરી તેં કંઈ કહ્યું મિતા?' 'તને શું થઈ ગયું છે પ્રવાલ, કયા વિચારોમાં ખોવાયો છે તું?' મિતાક્ષીએ સામે પડેલી ખુરશી નજીક ખેંચી અને તેના પર બેસતા તેણે પ્રવાલનો હાથ પોતાની હથેળી પર ગોઠવ્યો. 'ના ના કંઈ જ નહીં, તું બોલને, શું પૂછતી હતી તું?' પ્રવાલે જાણે આંખમાં આવેલી ભીનાશ ફરી પોતાની અંદર સમાવી લીધી. 'આજે ફરી સાર્થકી કંઈક બોલી, તમારી વચ્ચે આજે ફરી કોઈક બાબતે ઝઘડો થયો?' મિતાક્ષીએ ફરી પૂછ્યું. 'ના ના, એવું કંઈ જ નથી. તને કેમ એમ લાગે છે?' પ્રવાલ બોલ્યો. મિતાક્ષી એકીટસે તેને જોઈ રહી હતી, જાણે તેની અંદર ચાલી રહેલા યુધ્ધને પામવાની કોશિશ કરતી હોય. 'હું તને આજ-કાલથી નથી ઓળખતી પ્રવાલ, તને ખબર છે કે મારી સામે તારું કોઈ જુઠ્ઠાણું ચાલવાનું નથી. બોલી નાખને, જે કંઈ દિમાગમાં ચાલતું હોય એ બોલી નાખ, પ્લીઝ. તને પણ થોડી હળવાશ લાગશે.' મિતાક્ષીએ પ્રેમથી તેના હાથને સહેલાવ્યો. મિતાક્ષીએ જાણે અજાણતા જ પ્રવાલની દુખતી નસ પર હાથ રાખી દીધો હતો, અથવા કદાચ તે એવું જ કરવા માગતી હતી, જેથી પ્રવાલ તેના દિલમાં ચાલતા ઘમાસાણને પોતાની સામે ખાલી કરી નાખે.
'સત્તર વર્ષ થયા, સત્તર વર્ષ પ્રવાલ. તેં મને પ્રપોઝ કર્યું ત્યારે જો મેં હા કહી દીધી હોત ને તો આજે કદાચ પંદર-સોળ વર્ષનો આપણો દીકરો હોત. તું તને પોતાને જેટલો નહીં ઓળખતો હોય એથી વધુ હું તને ઓળખું છું. સો ડોન્ટ બી સો ફોર્મલ. બોલી નાખ પ્લીઝ, નહીં તો આમને આમ તો તું ગૂંગળાઈ મરીશ. મને ખબર છે, તારા દિમાગમાં કોઈ વાત ચાલતી હશે તો તું દિવસો સુધી એમાંથી બહાર નહીં આવી શકે. અને મને એ પણ ખબર છે કે, તું આમને આમ જ અંદરને અંદર ઘૂંટાયા કરશે પણ કોઈને કહેશે નહીં.' મિતાક્ષી એક સાચા મિત્રની ભાવનાથી પ્રવાલને પૂછી રહી હતી. 'ગઈકાલે સાંજે ઓફિસથી ઘરે જતી વખતે હું સાર્થકીના રિપોર્ટ્સ લેવા મહેતા ક્લીનિક પર ગયો હતો.' પ્રવાલને જાણે કંઈક કહેવું હતું પણ તેને શબ્દો નહોતા મળી રહ્યા. 'હા, તો. રિપોર્ટ્સ આવી ગયા ને? શું આવ્યું રિપોર્ટ્સમાં?' મિતાક્ષીએ તુરંત પૂછ્યું. 'રિપોર્ટ્સનું કવર મારા હાથમાં મૂકતા પહેલાં રિસેપ્શનિસ્ટ તે કાગળો લઈને ડૉ. મહેતાની કેબિનમાં ગઈ અને પાંચ-દસ મિનિટ જેટલા સમય બાદ તેણે આવીને કહ્યું કે, ડૉક્ટર વોન્ટ્સ ટુ સી યુ મિસ્ટર પ્રવાલ. પ્લીઝ મીટ હીમ.' પ્રવાલ હજીય જાણે એક એક શબ્દ જોખી જોખીને બોલી રહ્યો હતો. 'હા તો, તું મળ્યોને એમને? શું કહ્યું એમણે?' મિતાક્ષીએ પૂછ્યું. 'તેમણે રિપોર્ટ્સ પર એક અછડતી નજર નાખી અને બોલ્યા કે...' પ્રવાલ બોલતા બોલતા અટકી ગયો. 'બોલ પ્રવાલ, શું કહ્યું એમણે?'
સાત મહિના પહેલાંના આ સંવાદો હમણાં પ્રવાલની આંખ સામે એ રીતે ભજવાઈ રહ્યા હતા જાણે, મિતાક્ષી હમણાં તેની સામે જ બેઠી હોય અને તે તેની સાથે વાતો કરી રહ્યો હોય. આખીય ઓફિસનો સ્ટાફ પોત-પોતાનું કામ આટોપી ઘર તરફ રવાના થઈ ચૂક્યો હતો. મિતાક્ષીએ પણ પોતાનું કામ કે'વારનું આટોપી લીધું હતું પરંતુ તે દિવસે સવારથી જ તેણે જોયું હતું કે, પ્રવાલના દિમાગમાં કોઈક વાત છે જે તેને અકળાવી રહી છે અને તેથી જ તે દિવસે તે રોકાઈ ગઈ હતી. તેને ભલીભાંતી ખબર હતી કે, બધાની સામે તે પ્રવાલને પૂછશે તો તે ક્યારેય નહીં કહે તેથી જ તેણે આખો દિવસ સાંજ પડવાની વાટ જોવામાં વિતાવી નાખ્યો હતો અને જ્યારે આખીય ઓફિસ ખાલી થઈ ગઈ ત્યારે તેણે પ્રવાલની ડેસ્ક પર જઈ શાંતિથી તેના ખભે હાથ મૂકતા પૂછ્યું હતું, 'આજે ફરી તમારી બંને વચ્ચે ઝઘડો થયો?' 'ઝઘડો તો ક્યારેય કોઈ વાતે અમારી વચ્ચે હતો જ નહીં મિતાક્ષી!' પ્રવાલ જાણે મિતાક્ષીના સાત મહિના પહેલાંના પ્રશ્નનો જવાબ હમણાં આપી રહ્યો હતો. 'અણસમજ, બસ અણસમજ હતી અમારી બંનેની, યા કદાચ ગેરસમજ હશે.' તે મનોમન બોલ્યો. હાથમાં પકડેલો બ્લેક લેબલ વ્હિસ્કીનો ગ્લાસ ક્યારનો ખાલી થઈ ચૂક્યો હતો, બસ હવે તો માત્ર બાકી બચેલા બરફના ટૂકડા ઓગળી રહ્યા હતા અને તેનું પાણી રહી ગયું હતું. પણ પ્રવાલનું હમણાં વ્હિસ્કીના ગ્લાસ કે તેની અંદર ઓગળી રહેલા બરફ તરફ ધ્યાન જ ક્યાં હતું કે તેને ખબર પડે. તેના અને સાર્થકીના સહજીવનની પણ આ જ પરિસ્થિતિ હતી કદાચ. સાત સાત વર્ષના લગ્ન જીવનમાંથી વ્હિસ્કીના ગહેરા કથૈઈ રંગ જેવો પ્રેમનો રંગ ક્યાંક ઊડી ગયો હતો, તેની માદકતા, સુવાસ કે નશો ક્યારનાય ઓગળી ચૂક્યા હતા. જેની બંનેમાંથી કદાચ એકેય ને ખબર નહોતી અને હતી તો બંને તેને સ્વીકારવા તૈયાર નહોતા.
લગ્ન પછી દરેક યુગલનો સંસાર આ જ રીતે ચાલતો હશે! એવી બંનેની માન્યતા હતી. પણ કંઈક તો હતું જે ખૂટતુ હતુ અને જે કંઈ ખૂટતુ હતું તેથીય વધુ ભયાનક હતો તે ખૂટતુ હોવાનો અહેસાસ. એક ખોટ જે બંનેને અંદરો અંદરથી કોરી ખાતી હતી અને તેને કારણે બંને વચ્ચે આવી રહેલો શૂન્યાવકાશ તેમને અકળાવતો હતો. આમ દેખીતી રીતે જૂઓ તો કોઈ જ વાતની ખોટ નહોતી. પ્રવાલ સારું કમાતો હતો, સાર્થકી ઘરની જવાબદારીઓ સારી રીતે નિભાવી લેતી હતી. શહેરના પોશ વિસ્તારમાં બે માળનું ઘર હતું, દરવાજા સામે ઘરની જાહોજલાલીને શોભાવે તેવી કાર પણ ઊભી હતી. પરંતુ આ બધાની વચ્ચે પણ એક મોટી ખોટ હતી. બસ મુશ્કેલી માત્ર એટલી જ હતી કે ખરેખર આ કઈ વાતની ખોટ છે કે શું છે એટલું જ બંનેને સમજાતું નહોતું.
'તને નહીં ખબર પડે પ્રવાલ, એક સ્ત્રીના મનની વેદના તને ક્યારેય નહીં સમજાય!' ચાર દિવસથી ચાલતા બંને વચ્ચેના અબોલા પછી તે દિવસે સાર્થકી આખરે અકળાઈ ગઈ હતી. 'શું નહીં સમજાય? તને શું કાયમ એવું જ લાગે છે સાર્થકી કે હું તને સમજવાનો પ્રયત્ન જ નથી કરતો! તને શું મનમાં એમ છે કે હું તારી અવગણના કરું છું?' પ્રવાલને તે દિવસે સાર્થકીના શબ્દો સાંભળી ખૂબ દુઃખ થયું હતું. 'હા, કદાચ.' સાર્થકીના અવાજમાં તે સમયે જે મક્કમતા મહેસૂસ થઈ હતી તે અનુભવી પ્રવાલ જાણે થીજી ગયો હતો. પરંતુ જેમ તેમ તેણે સ્વસ્થતા જાળવી રાખી હતી. 'ફાઈન, તો પછી હવે આગળ કંઈ બોલવાનું રહેતું જ નથી. તેં જે પ્રમાણે કરવા ધાર્યું હોય તે પ્રમાણે તું કરી શકે છે. હું તને હવે નહીં રોકું સાર્થકી. પણ મારી એક વાત યાદ રાખજે, લાગણીના આવેગમાં લેવાયેલા નેવું ટકાથીય વધુ નિર્ણયોમાં, માણસ પાછળથી પસ્તાતો હોય છે.' 'હા સાચી વાત છે, જેમ હમણાં હું પસ્તાઈ રહી છું. તે જ રીતે!' સાર્થકી આ શબ્દો એકીશ્વાસે જે રીતે બોલી ગઈ હતી તે સાંભળી પ્રવાલનો પણ અવાજ મોટો થઈ ગયો હતો. 'એટલે, એટલે તું કહેવા શું માંગે છે? મને પ્રેમ કરવાનો, મારી સાથે લગ્ન કરવાનો, મારી સાથે જિંદગીભર રહેવાનો તેં જે નિર્ણય કર્યો હતો એ લાગણીના આવેગમાં આવીને કર્યો હતો અને હવે તું તે માટે પસ્તાઈ રહી છે એમ?' પ્રવાલની આંખો લાલ થઈ ગઈ હતી, તેના ગળાની નસો એ રીતે ફૂલી ગઈ હતી જાણે લોહીનો પ્રવાહ બહાર આવી જવાનો હોય. 'મેં એવું કંઈ જ નથી કહ્યું, પ્રવાલ.' તે સમયે પ્રવાલના બરાડાની સામે સાર્થકીએ એટલી જ શાંતિથી જવાબ આપ્યો હતો. બસ, તેમની વચ્ચે થયેલો આ છેલ્લો સંવાદ. તે પછી પ્રવાલ કંઈ બોલ્યો નહીં કારણ કે તેને લાગ્યું હતું કે વાત વધુ વણસી જશે. અને સાર્થકી પાસે જાણે તે દિવસે આક્ષેપો કરવા માટે આયુધોની કોઈ કમી નહોતી. પરંતુ તે બંનેને એ નહોતી ખબર કે વાત તો કેટલાંય સમય પહેલાંથી વણસી જ ચૂકી હતી તે દિવસે તો માત્ર તે સપાટી પર આવી ગઈ હતી.
સાત વર્ષ પહેલાં જ્યારે સાર્થકી અને પ્રવાલ એક જ ઓફિસમાં બાજુ-બાજુના ટેબલ પર નોકરી કરતા હતા ત્યારે તેમને નહોતી ખબર કે બાજુના ટેબલ પર બેઠેલી વ્યક્તિ સાથે ઓફિસના કામ અંગેની જરૂરી વાતો કરતા કરતા બંનેને જે એક મેક માટે લાગણી થઈ ગઈ છે તે લાગણી પ્રેમમાં પરિણમી જશે. અને જ્યારે બંનેનો પ્રેમ લગ્ન નામના લેબલના વાઘા પહેરી એક છત નીચે રહેવા આવી ગયો ત્યારે પણ તેમને ક્યાં ખબર હતી કે જે લાગણીથી બંને એ પરણી જવાનો નિર્ણય લીધો છે એ જ પ્રેમ નામની લાગણી સાથે જીવતા જીવતા એક સાંજ એવી પણ આવશે કે જ્યારે દલીલો ઝઘડાનું સ્વરૂપ લઈ લેશે.
'શું આવ્યું રિપોર્ટ્સમાં પ્રવાલ, શું કહ્યું ડૉ. મહેતાએ?' મિતાક્ષી સાથે સાત મહિના પહેલા થયેલા એ સંવાદના શબ્દો પ્રવાલના કાનોમાં હમણાં એ રીતે પડઘાઈ રહ્યા હતા જાણે તેણે હમણાં જ જવાબ આપવો પડશે તેમ તેને લાગવા માંડ્યુ. 'રિપોર્ટ્સ લઈ સાંજે હું ઘરે ગયો ત્યારે સાર્થકી મારા પર ખૂબ ગુસ્સે થઈ ગઈ હતી મિતા. મારી તરફ આંગળી ચીંધવા માટે, મારી ફરિયાદો કરવા માટે તેની પાસે અનેક કારણો હતા. અને કેમ નહીં હોય? સાત-સાત વર્ષના લગ્નજીવન બાદ પણ જ્યારે તે મા નહોતી બની શકી ત્યારે અમે બંને જ હારી ગયા હતા. અમે પ્રયત્નો નહોતા કર્યા એવું નહોતું પણ શું કરીએ, કોઈ અકળ કારણથી સાર્થકીને ગર્ભ રહેતો નહોતો. ડૉક્ટર્સ બદલ્યા, દવાઓ બદલી. બધું જ કર્યું, આખરે થોડા મહિના પહેલાં જ્યારે તેના ગર્ભમાં અંકુર ફૂટ્યાની ખબર પડી ત્યારે અમને બંનેને એ રિપોર્ટ્સના કાગળ કંકોત્રી કરતાય વધુ પવિત્ર લાગ્યા હતા. પરંતુ ના મરજી એ પણ અમારે તે ગર્ભ પડાવી નાખવો પોડ્યો, સાર્થકીને તો હજીય એવો જ ભ્રમ છે કે તેના ગર્ભમાં કોઈ ઈન્ફેક્શન લાગી ગયું હતું જેને કારણે બાળક પડાવી નાખવું પડ્યું. પરંતુ તે દિવસથી તેનો સ્વભાવ એટલો બધો બદલાઈ ગયો કે, હવે દરેક વાતમાં તે મારી સાથે દલીલો કરવા માંડી હતી, દરેક વાતમાં તેને મારો વાંક દેખાતો હતો. આખરે મેં નિર્ણય કર્યો કે, સાર્થકીને આ માહોલમાંથી દૂર કરવા માટે મારે તેને ફરી જોબ જોઈન્ટ કરવાનું સજેસ્ટ કરવું જોઈએ. મેં તે પણ કર્યું.' પ્રવાલ એક ધારું બોલ્યે જતો હતો. જાણે તે સમયે તે એ પણ ભૂલી ગયો હતો કે તે ઓફિસમાં બેઠો છે અને મિતાક્ષી તેની સામે બેઠી છે. એટલું જ નહીં મિતાક્ષીએ તેને શું સવાલ પૂછ્યો હતો અને તે શું જવાબ આપી રહ્યો હતો તેમી પણ કદાચ તેને ખબર નહોતી.
'એ બધી જ વાત મને ખબર છે પ્રવાલ. હું તને એ પૂછું છું કે ડોક્ટરે શું કહ્યું?' મિતાક્ષીએ તે દિવસે ફરી પ્રવાલને ત્રીજી વખત એકનો એક પ્રશ્ન પૂછ્યો હતો. 'ડોક્ટર, ડોક્ટર શું કહેવાનો મિતા. એમને શું લાગે છે, મને નથી ખબર? મને તો ખબર જ હતી, તેમનો રિપોર્ટ્સ વળી એમાં નવું શું કહેવાનો હતો! પરંતુ આટલી જરા જેટલી વાતમાં સાર્થકીએ મારી જોડે આ રીતે ઝઘડો કરવાનો હોય? તેને એટલું નથી સમજાતું કે પ્રવાલને તેના પૈસાની કે નોકરીની જરૂર ક્યારેય નહોતી જ. તેણે તો તેને માત્ર એટલા માતે નોકરી કરવા કહ્યું હતું કે જેથી તેનું મન બીજે પરોવાય. અને હવે જ્યારે મેં કહ્યું કે, સાર્થકી તું આ નોકરી હવે છોડી દે, આવતી કાલથી તારે નથી જવાનું તો... તો મારા પર આ રીતે... આ રીતે ગુસ્સો...' પ્રવાલ બોલતા બોલતા તે દિવસે મિતાક્ષી સામે એ રીતે રડી પડ્યો હતો જાણે એક બાળક તેની મા ની સામે ફરિયાદ કરી રડી રહ્યો હોય. મિતાક્ષીને હજીય તેના સવાલનો જવાબ તો નહોતો જ મળ્યો પણ છતાં તેને એ પણ સમજાતું હતું કે હમણાં તેના સવાલના જવાબ કરતા પ્રવાલનું રડી લેવું, બોલી લેવું વધારે જરૂરી છે. તેણે પ્રવાલને સમય આપ્યો, રડવાનો પણ અને સ્વસ્થ થવાનો પણ. 'ડૉ. મહેતાના શબ્દો સાંભળ્યા પછી હું એક ક્ષણ માટે પણ નહોતો ચાહતો મિતા કે સાર્થકી નોકરી કરે, એટલું જ નહીં મેં આવતી વખતે રસ્તે એ પણ બધું જ વિચારી લીધું હતું કે, હવે પછી મારી સાર્થકી મારી પાસે બાળકની માગણી કરે તો તેને કઈ રીતે હું સમજાવી લઈશ. ગઈ કાલે પણ મેં તે જ કર્યું હતું મિતા, તેને માત્ર એટલું જ કહ્યું, સાર્થકી, તું મારો અને તારી નોકરીનો સમય સાચવવા માટે આટ-આટલી દોડધામ કરે છે એ મને નથી ગમતું, તું નોકરી છોડી દે. આજથી જ, આવતી કાલે તારે ઓફિસ જવાની કોઈ જરૂર નથી. હું લેટર મોકલાવી દઈશ. તો મેં શું ખોટું કહ્યું મિતા? હં, મેં શું ખોટું કહ્યું. અને આટલી અમથી વાતમાં તેણે કેટલી આસાનીથી કહી દીધું મિતા કે, તું મને સમજતો નથી, સ્ત્રીની લાગણી મને સમજાતી નથી. અરે હું એને કઈ રીતે સમજાવું કે, હમણાં મને મારી પોતાની જ પરિસ્થિતિ નથી સમજાઈ રહી. હમણાં મને પોતાને જ એ ખબર નથી પડી રહી કે હું તને સમજું, તારી લાગણીઓને સમજું, આપણા સંબંધને સમજાવું કે મારી પોતાની જાતને... હું... હું...' મિતાક્ષીએ પ્રવાલ સામે પાણીનો ગ્લાસ ધર્યો, પ્રવાલે તેમાંથી એક ઘૂંટ પાણી પીધું. 'આજે તેને મારી સાથે લગ્ન કર્યા તે અંગે પસ્તાવો થાય છે મિતા... પસ્તાવો, મારી સાર્થકીને મારી સાથે પરણ્યાનો પસ્તાવો?' પ્રવાલથી આવેગમાં અવાજ મોટો થઈ ગયો.
'ડોક્ટરે શું કહ્યું પ્રવાલ?' સામે મિતાક્ષીએ પણ જાણે બરાડો પાડ્યો. કારણ કે, તે જાણતી હતી કે પ્રવાલ જે આવેગના પ્રવાહમાં વહી રહ્યો છે તેમાંથી તેને તુરંત બહાર કાઢવામાં નહીં આવે તો તે તૂટી પડશે, તેને એટલું સમજાતું હતું કે, કોઈ મોટો ચકરાવો તેના હ્રદયમાં એ રીતે વમળ સર્જી રહ્યો છે કે જેમાંથી બહાર આવવા માટે પ્રવાલ અંદરો-અંદર પોતાની જ જાત સાથે લડી રહ્યો છે પરંતુ કેમેય કરી તે નીકળી શકતો નથી, નહીં તો ટૂ ધ પોઈન્ટ વાત કરવાવાળો પ્રવાલ આ રીતે ડોક્ટરની અને રિપોર્ટ્સની વાતોમાં વારંવાર તેના અને સાર્થકીના ઝઘડાની વાતો નહીં જ લાવે. અટવાઈ પડેલા પ્રવાલને જાણે બહાર ખેંચી લાવવાનો પ્રયત્ન કરતી હોય તેમ તેણે હજી એકવાર તેનો પ્રશ્ન દોહરાવ્યો,'ફોર સેઈક ટેલ મી ડોક્ટરે શું કહ્યું?' 'મારી સાર્થકીના હ્રદયમાં પડેલું કાણું પહોળું થતું જાય છે મિતા... પહોળું થતું જાય છે. આટલી ગંભીર વાત તે કેમ સમજતી નથી?' પ્રવાલ મોટા અવાજ સાથે ફરી રડી પડ્યો. મિતાક્ષીને પ્રવાલના શબ્દો સાંભળી જાણે આંચકો લાગ્યો. 'શું? સાર્થકીના હ્રદયમાં કાણું છે? યુ મીન ટુ સે સેપ્ટલ ડિફેક્ટ ઈન સાર્થકીસ હાર્ટ?' મિતાક્ષીએ પ્રવાલના ખભે હાથ મૂકતા તેને હચમચાવી નાખ્યો. 'હા મિતા, મારી સાર્થકીને વેન્ટ્રીક્યુલર સેપ્ટલ ડિફેક્ટ છે. મતલબ કે તેના હ્રદયની નીચેની ચેમ્બરમાં કાણું છે. આ વાતની મને પણ ત્યારે જ ખબર પડી જ્યારે તેની પ્રેગન્નસી વખતે અમે ટેસ્ટ્સ કરાવ્યા હતા, અને ડોક્ટરે કહ્યું હતું કે સાર્થકી બેબી કેરી નહીં કરી શકે અને લેબર પેઈનનું જોખમ લઈ શકાય તેમ નથી. આથી જ તો મેં તેનો ગર્ભ પડાવી નાખવાનો નિર્ણય કર્યો હતો. હું બાળક વિના રહી શકું મિતા પણ મારી સાર્થકી વિના નહીં. અને આજે હવે એ કહે છે કે, હું તેને કે તેની પરિસ્થિતિને સમજતો નથી. એક સ્ત્રીની લાગણીઓને હું ક્યારેય સમજી નહીં શકું? અરે હું તેને જ નહીં તેની પરિસ્થિતિને પણ ભલીભાંતી સમજુ છું મિતા. એટલે જ કાલે ડોક્ટરે જ્યારે કહ્યું કે, હવે ઓફિસની દોડ-ધામ અને ટેન્શન તેને નહીં આપો ત્યાંસુધી સારું, પણ એ... એ ક્યાં સમજે છે કે હું શા માટે તેને આમ કહી રહ્યો હોઈશ.'
'પ્રવાલ, પ્રવાલ...' પાછળથી મિતાક્ષીનો અવાજ સંભાળાયો અને પ્રવાલ સાત મહિના પહેલાના સંવાદની યાદોની અધવચ્ચેથી જ પાછો ફર્યો. 'પ્રવાલ, સાર્થકી જાગી ગઈ છે, તને બોલાવે છે. જા...' મિતાક્ષીએ ચહેરા પર ખુશી સાથે સંદેશો આપ્યો અને પ્રવાલ દોડ્યો, હમણાં તેના પગમાં એ ગતિ આવી ગઈ હતી જાણે ડ્રોઈંગ રૂમથી બેડરૂમ સુધીનું અંતર તેણે એક જ ડગમાં પૂર્ણ કરી લેવું હતું. 'સાર્થકી... સાર્થકી, તેં બોલાવ્યો મને? સૉરી હં, મિતાક્ષી તારી પાસે બેઠી હતી એટલે હું જરા...' સાર્થકીએ પ્રવાલના હોંઠ પર આંગળી મૂકી અને ધીમા અવાજે બોલી, આઈ એમ સૉરી પ્રવાલ.' અને તે આગળ કંઈ બોલે તે પહેલાં જ જબરદસ્ત આવેગ સાથે પ્રવાલ તેને ભેટી પડ્યો.
