'જહાં બજતી હૈ શહનાઈ વહાં માતમ ભી હોતે હૈ’
'જહાં બજતી હૈ શહનાઈ વહાં માતમ ભી હોતે હૈ’
તરૂણ જાણીતી ફાર્માસ્યુટિકલ કમ્પનીમાં કામ કરતો હતો અને તમન્ના ગૃહિણી હતી. તેઓ કમ્પનીના ક્વાર્ટરમાં રહેતા. ફાર્માસ્યુટિકલ કમ્પની એટલે દવાઓના પ્રોસેસ સતત ચોવીસ કલાક ચાલુ રહે. તેથી દિવસના ત્રણ ભાગને શીફ્ટમાં વિભાજીત કરવામાં આવે; આમ પહેલી, બીજી અને ત્રીજી પાળીમાં કામ ચાલે. શીફ્ટનું શીડ્યુલ અઠવાડિક રહે. સોમથી શની અને રવિવારે રજા. તરૂણને શીફ્ટની નોકરી. શીફ્ટમાં જતાં તરૂણ સ્કુટર ઉપર બેસી સ્ટાર્ટ કરે અને જતાં જતાં બે હોર્ન મારે એટલે તમન્ના ઘરમાંથી દોડતી બહાર આવે. મધુર અને સૌમ્ય અવાજ સાથે આવજો! કહેવાનું અને તરૂણને પ્રેમભરી નજરે ફરી ફરીને જોઈને સ્નેહ સભર વિદાય આપવાનું તમન્નાનું રોજનું કાર્ય હતું. આ તેમના મધુર દાંપત્યનો એક અણમોલ લ્હાવો હતો. બંન્નેના સ્વભાવ હસમુખા અને માયાળુ અને મળતાવડા હતા. શીફ્ટની ડ્યુટી હોવાથી સામાજીક સંબંધો જાળવવામાં તરૂણને થોડી તકલીફ પડતી, કારણ કે તેને રજા હોય ત્યારે લોકોને રજા ના હોય અને લોકોને રજા હોય ત્યારે તેને રજા ના હોય.આમ છતાં રજાના દિવસોએ ઘેર સગાવ્હાલાને મળી સંપર્ક જાળવતા. તેઓ દરેકના સારા માઠા પ્રસંગે બંન્ને અથવા બેમાંથી એક જણ પણ અચૂક હાજરી પુરાવતા અને સામાજીક સંબંધો તાજા રાખતા.
તમન્ના રક્ષા બંધન સાથે સાથે લોંગ ઓફ આવે છે. શીફ્ટની નોકરીમાં આવા લાભ જવલ્લે જ આવે છે. આવા લાભ લેવા અમે લોકો ઉત્સુક હોઈએ તે સ્વાભાવિક છે. વર્ષની શરૂઆતમાં જ અમે કેલેન્ડર જોઈ લોંગ ઓફ અને રજાનો તહેવાર ક્યારે આવે છે તે જોઈ આખા વર્ષનો રજાનો પ્લાન ઘડી કાઢીએ છીએ. સગા વ્હાલાંને મળવા અને બીજા સામાજીક કાર્યો માટે આનાથી બીજો અનુકુળ સમય ભાગ્યે જ આવે છે. હું વિચારૂં છું કે રક્ષાબંધન ઉપર હું મોટી બહેનને ત્યાં મુંબઈ જઈ આવું. તેઓ ઘણા સમયથી કહ્યા કરે છે કે તું તો મુંબાઈનો રસ્તો જ ભુલી ગયો છે. આ વખતે રક્ષાબંધનનો શુભ સંજોગ અને સાથે લોંગ ઓફ છે તો હું તેમના સ્વહસ્તે રાખડી બંધાવીશ. તેમને કેટલો આનંદ થશે! કેટલા વર્ષે અમે ભાઈ બહેન રક્ષા બંધનને પવિત્ર દિવસે ભેગા થઈશું. તારા રાજુભાઈની પણ ફરિયાદ છે કે જીજાજીએ તારા પગે સાંકળ બાંધી રાખી છે કે તું ઘર છોડી જતી ના રહે! તો આ વર્ષે મોકો મળ્યો છે તો તું વડોદરા જઈ આવ અને હું મુંબઈ જઈ આવું. તને કેમ લાગે છે આ મારો પ્લાન?
લોંગ ઓફ ફાર્માસ્યુટિકલ અને કેમીકલ ફેક્ટરીઓમાં પ્રોસેસ સતત ચાલુ રહેતા હોવાથી ચોવીસ કલાક કામકાજ ચાલુ રહે છે અને તેને આઠ આઠ કલાકની ત્રણ પાળીમાં વિભાજીત કરવામાં આવે છે. સામાન્ય રીતે પહેલી પાળી સવારે સાડાસાત થી બપોરે સાડાત્રણ બીજી બપોરે સાડાત્રણથી રાત્રે સાડાઅગીયાર અને ત્રીજી પાળી રાત્રે સાડાઅગીયારથી બીજે દિવસે સવારના સાડાસાત સુધી હોય છે અને તે શીડ્યુલ દર અઠવાડિયે રોટેશનમાં ચેઈન્જ થાય છે. શનીવારે પહેલી પાળી બપોરે સાડાત્રણ વાગે પુરી થાય અને બીજે દિવસે રવિવારની અઠવાડીક રજા હોય અને સોમવારથી ત્રીજી પાળી રાત્રે સાડાઅગીયાર વાગે શરૂ થાય એટલે શનીવાર બપોરે સાડાત્રણથી સોમવાર રાત્રે સાડાઅગીયાર સુધી નો સમય લોંગ ઓફ ગણાય છે.
તરૂણ તમારો પ્લાન તો અફલાતુન છે. હું પણ આવું જ વિચારતી હતી. તો પછી વાર શા માટે? હું કાલે જ રજાનો રીપોર્ટ મુકી દઉં છું. આજે સાંજે બજારમાં જઈને બહેનને માટે એક સુંદર સાડી અને એક લેડીઝ વોચ લઈ આવીએ.
બરોબર અને તેમની પેલી નાની ટીનકી માટે કંઈ નહિ?
અરે હા હું તો તેને ભૂલી જ ગયો. સારૂં કર્યું કે તેં મને યાદ કરાવ્યું. તે તો ઘરમાં પેસતાં જ મામા મારે માટે શું લાવ્યા છો? કરીને મારી બેગ જ આંચકી લેશે. તેને માટે શું લઈશું ? એ તો હું હવે તારા ઉપર છોડું છું, તું તેને પસંદ પડે તેવી કોઈ ચીજ વસ્તુ લઈ લેજે.
સ્ટાફમાં આનંદનું મોજું છવાઈ ગયું. દરેકના મોં પર આનંદ છલકાતો હતો. જેમની રજા મંજુર થઈ હતી તેઓ પોતાના સ્વજનોને મળવાના આનંદમાં હતા; અને જેમની રજા નામંજુર થઈ હતી તેઓને ઓવરટાઈમનો ડબલ પગારનો લાભ મળવાનો હતો. આમ સૌ સૌના પ્લાનમાં મશગૂલ હતા. તાનમાં ગુલતાન હતા.
જે શુભ રક્ષાબંધનના પવિત્ર દિવસની આતુરતાથી રાહ જોતા હતા તે નજીક આવતો ગયો. જરૂરી ખરીદી થઈ ગઈ. તાર, ટ્પાલ, ટેલીફોનથી અરસપરસ સંદેશા પહોંચી ગયા. ક્યા દિવસે અને કઈ ટ્રેઈન કે બસમાં આવનાર છીએ. ચારેકોર આનંદ આનંદ થઈ રહ્યો. જુદાઈનો દિવસ આવ્યો. સ્ટેશને બે પ્લેટફોર્મ સામ સામે જુદા પડયા. એક ટ્રેઈન મુંબઈ તરફ અને બીજી ટ્રેઈન વડોદરા તરફ..
ટ્રેઈન આવી બધા ઉતરનારા ઉતરી ગયા, બેસનારા ડબ્બામાં બેસી ગયા અને ગાડીએ વ્હીસલ મારી ગાર્ડે લીલી ઝંડી ફરકાવી અને ગાડી ઉપડી. થોડી વારમાં પ્લેટફોર્મ પણ છોડી ગઈ. ભીડ વિખરાઈ, અને ધીરે ધીરે મુંબઈ પ્રતિ પ્રયાણ કર્યું. નિયતિએ તેની નિર્ધારીત મંઝિલ તરફ પ્રયાણ કર્યું. બંન્નેના રાહ અલગ કરી દીધા. 'મુઝે તેરી દુનિયા સે દૂર હૈ જાના, ન જી કો જલાના મુઝે ભૂલ જાના' એકબીજાને મળી અલવિદા કરી છૂટા પડ્યા.
****
મોટી બહેન હું આવી ગયો છું. આ વખતે તો વચન પાળ્યું છે. ક્યાં ગયા જીજુ અને ટીનકી?
તેઓ શીખંડ અને તને ગમતો તારો મોહનલાલનો હલવો લેવા ગ્રાન્ટરોડ ગયા છે. હવે આવતા જ હશે.
બેસ, લે આ પેપર, તારે માટે ચ્હા બનાવી લાવું જરા નાસ્તો પાણી કરી ફ્રેશ થા ત્યાં સુધીમાં તો તેઓ આવી જશે.
મોટી બહેન એમ કરો ચ્હા પાણીનું રહેવા દો હું મામાને ત્યાં જઈ મળી આવું. મામા બહાર નીકળી જશે તો પછી મળાશે નહિં અને ત્યાં પણ મારે ચ્હા તો પીવી જ પડશે ને! નહિં તો પાછું મામીને ખોટું લાગશે અને ત્યાં સુધીમાં જીજુ પણ આવી જશે
સારૂં તો મામાને પણ સાથે તેડતો આવજે .
વારૂ.
****
ગ્રાન્ટરોડથી પેડર રોડ જવા રૂટ એક સો બેતાલીસ બસની રાહ જોઈ. આજે તો તહેવાર અને રજાનો દિવસ. બસ ચીક્કાર ભરીને આવે અને બસસ્ટેન્ડ પર ઉભી જ ના રહે. માંડ માંડ એક બસ મળી.
બસમાંથી ઉતાર્યા અને રોડ ક્રોસ કરતા હતા તેવામાં ટ્ર્ફીક સિગ્નલ ચાલુ થઈ ગયું તેથી કોઈ અજાણ્યો સ્કૂટર ચાલક જે આગળ આવતા ઝડપથી એમને અડફટમાં લઇ લેતા એમને ટક્કર લાગવાથી તેઓ પડી ગયા અને હેમરેજ થઈ ગયું
રોડ ક્રોસ કરતાં તરૂણ સ્કૂટર અડફટમાં આવી ગયો. સ્કૂટરવાળો તો ભારયીય નાગરિક ! એ તો સડસડાટ ભાગી ગયો. ફક્ત જોવા જ લોક ટોળે વળ્યું, મદદ માટે નહિ. લોક ટોળું જોઈ ટ્રાફીક પોલીસ આવી. ખીસા પાકીટ ચેક કરી સગેવગે કરી, કોઈ ઓળખ પત્ર કે નામ ઠામની નીશાની મળી નહી, એમ્બ્યુલન્સને ફોન કરી, કે.ઈ.એમ હૉસ્પીટલ રવાના કર્યા. ટ્રાફીકને વિખેરી તેણે તેની ફરજ પુરી કરી.
****
હૉસ્પીટલમાં પોલીસ કાગળિયાની રાહ જોતા બેઠા. કાગળિયાઆવે પછી ટ્રીટમેન્ટ શરૂ થાય. બીનવારસી ગણી પોસ્ટમોર્ટમ કરી શબઘરમાં રવાના કરી.
મોટી બહેન અને જીજુ હમણાં આવશે હમણા આવશે કરી રાહ જોઈને થાક્યા. ચાલો મામાને ફોન કરી પૂછીતો જોઈએ કે તે ત્યાં રોકાઈ ગયો છે કે શું?
મામા તરૂણ ત્યાં આવ્યો છે? કેટલીવાર? અહિં અમે બધા તેના આવવાની રાહ જોઈએ છીએ. રસોઈ ઠંડી થઈ જાય છે. જલદી તેમને મોકલો.
સામેથી મામા તેમને પૂછે છે, કોણ તરૂણ? ક્યારે આવ્યો? અહિં તો નથી આવ્યો?
હેં! અહિંથી તો તમારે ત્યાં આવવાનું કહીને નીકળી ગયા છે? હશે! ટ્રાફીકને લઈને અટવાઈ ગયો હશે. હશે, વાંધો નહિ, આવે એટલે તરત મોકલશો .
મોટી બહેન અને મામા બંન્ને બાજુ રાહ જોતા બેસી રહ્યા.ઘડીયાળનો કાંટો ફરતો રહ્યો. બપોરના બાર એક દોઢ. હવે રાહ જોવાનું બાજુએ રહ્યું અને ચિંતાએ જોર પકડ્યું. સગાવ્હાલાં મિત્રો સંબંધીઓ વગેરેને ઉપરાઉપરી ફોન કર્યા. કોઈ ઠેકાણેથી આશાસ્પદ સમાચાર ના મળ્યા.
છેવટે સર્વ શંકાને નિર્મૂળ કરવા પોલીસનું શરણું સ્વીકાર્યું. ગ્રાન્ટરોડ પોલીસ સ્ટેશને ગુમ થયાની ફરિયાદ નોંધાવી. એકપછી એક પોલીસ સ્ટેશને ટેલીફોનીક સંપર્કો થવા માડ્યા. પેડર રોડ પોલીસ સ્ટેશનેથી એક્સીડેન્ટના સમાચાર મળ્યા અને ઈજાગ્રસ્તને હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. એટલી ભાળ મળી.
****
હોસ્પીટલનું નામ સરનામું મેળવી હોસ્પીટલે પહોંચ્યાં. તપાસ કરતાં માલુમ પડ્યું કે ઈજાગ્રસ્ત મૃત્યુ પામ્યા છે અને તેમની પહેચાન થઈ શકી ના હોવાથી શબ ઘરમાં તેમની લાશ છે. પેપરમાં જાહેરાત આપી છે. કાલે પેપરમાં આવશે. તમારી પાસે તેનું કોઈ આઈડૅન્ટીફીકેશન છે?
અરે ભાઈ સાબ! આઈડેન્ટીફીકેશન તો કુછ નહિ હૈ, હમ ઉનકે રીસ્તેદાર હૈં અગર આપ હમકો દિખાયેં તો હમ ઉનકો અચ્છી તરહસે પહેચાન સકતે હૈ.
આટલી માથાકૂટ પછી શબઘરમાં નિશ્ચેતન અવસ્થામાં તરૂણને જોઈ મોટી બહેન ભાંગી પડ્યા. મોટાભાઈ અને જીજુએ તેમને સંભાળ્યા. ઓળખવિધિ પતી અને હસતા રમતા તરૂણને હોસ્પીટલમાં મૂકી નશ્વર-પાર્થિવ-તરૂણને લઈને સૌ ઘેર આવ્યા. તમન્નાને સમાચાર આપ્યા. રક્ષાબંધનનો મંગળ દિવસ અમંગળમાં ફેરવાઈ ગયો.
'જહાં બજતી હૈ શહનાઈ વહાં માતમ ભી હોતે હૈ’
મોટી બહેને અને તમન્નાએ રક્ષાબંધનના તહેવારને તિલાંજલી આપી દીધી. જે રક્ષા મારા ભાઈની રક્ષા ન કરી શકે જે મારૂં સૌભાગ્ય જાળવી ના શકે તે તહેવારને ઉજવણી શા માટે?
