'Sagar' Ramolia

Children Stories Classics

4.9  

'Sagar' Ramolia

Children Stories Classics

જગુ જાદુગર

જગુ જાદુગર

2 mins
595


નામ એનું જગુ. નાનપણમાં જ તેનાં માતા-પિતાનું અવસાન થયેલ. એક દયાળુ ડોસીમાએ જગુનો ઉછેર કર્યો. જગુને નાનપણથી જ જાદુના ખેલ શીખવાનો શોખ. તે કોઈના કરેલા ખેલ ન શીખે ! પરંતુ નવા જ ખેલ પોતાની રીતે ગોઠવતો રહે. પોતાની આવડતથી તે ઘણા ખેલ શીખી ગયો. એક દિવસ તેણે પોતાના ખેલ પોતાની શાળામાં બતાવવાનું નક્કી કર્યું. તેના ખેલ જોઈને તે શાળાના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો ખૂબ ખુશ થયા અને શાળા તરફથી જગુને ઈનામ પણ મળ્યું.

હવે તો જગુ ઉંમર અને આવડત બંનેમાં મોટો થઈ ગયો. તેણે જાદુના ખેલ કરવાનું શરૂ કરી દીધું. તેના ખેલ બધાને ગમતા. કોઈ જાદુગર પાસે ન જોવા મળે એવા ખેલ જગુ પાસે જોવા મળે, એટલે જોનારને ખૂબ આનંદ આવતો. જ્યાં જગુનો ખેલ હોય ત્યાં દૂર દૂરથી લોકો પહોંચી જતા. જગુની ગણના મહાન જાદુગરમાં થવા લાગી.

એક દિવસ જગુના જાદુનો ખેલ હતો. બધી ટિકિટો વેંચાઈ ગઈ. ખેલ શરૂ થવાનો હતો. એવા સમયે એક ડોસીમા આવે છે. એકદમ કંગાળ પરિસ્થિતિ! દરવાજે ઊભેલા જગુના માણસોને કહ્યું, ‘‘મારે જાદુના ખેલ જોવા છે, મને અંદર જવા દો!’’ એક માણસ બોલ્યો, ‘‘માજી! બધી ટિકિટો વેંચાઈ ગઈ છે. અંદર એકેય જગ્યા બાકી નથી, એટલે તમે અંદર નહીં જઈ શકો!’’ ડોસીમા કહે, ‘‘ટિકિટના તો મારી પાસે પૈસા પણ નથી. ટિકિટ હોય કે ન હોય. મારે ખેલ જોવા છે. જઈને જાદુગરને વાત કરો! હું અહીંથી જવાની નથી!’’

ડોસીમાની જીદ જોઈને એક માણસે જગુને વાત કરી. જગુ દરવાજા પાસે આવ્યો. ડોસીમાને જોઈને જગુ તો તંદ્રામાં ખોવાઈ ગયો. ડોસીમાના રૂપમાં પોતાની ‘મા’ દેખાવા લાગી. ઘડીક ડોસીમા તો ઘડીક પોતાની ‘મા’. જાણે ડોસીમા પોતાની ‘મા’નું રૂપ ધરીને આવ્યાં ન હોય ! કુદરતે આ કેવા જાદુનું સર્જન કર્યું ? એ આ મહાન જાદુગર જાણી ન શકયો. તેને પોતાના બાળપણથી અત્યાર સુધીની જિંદગી દેખાવા લાગી. તે તંદ્રામાંથી જાગ્યો ત્યારે ડોસીમાનો હાથ પકડીને અંદર લઈ ગયો. સૌથી આગળ જગ્યાની વ્યવસ્થા કરી દીધી અને પોતાના ખેલ બતાવવા લાગ્યો. ખેલ જોઈને લોકો તાળીઓથી વાતાવરણ ગજવી દેતા હતા, જ્યારે ડોસીમા હાથ ઊંચો કરીને આશીર્વાદ આપ્યાં કરતાં હતાં. ખેલ પૂરો થયો ત્યારે જગુએ જાહેરાત કરી કે, ‘‘હવેથી જ્યાં મારા ખેલ હશે, ત્યાં અઠવાડિયામાં એક દિવસ વૃદ્ઘોને મફતમાં ખેલ બતાવીશ !’’

અને પછી તો જગુ પોતાના નિયમને વળગી રહ્યો. દર અઠવાડિયે એક દિવસ વૃદ્ઘો માટે રાખે. બાકીના દિવસોની જે આવક થાય તેમાંથી ગરીબોને દાન આપવા લાગ્યો. એક વખતનો મહાન જાદુગર હવે ‘ગરીબોનો તારણહાર’ જાદુગર બની ગયો.


Rate this content
Log in