Dr. Haresh Varma

Others

2  

Dr. Haresh Varma

Others

જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ

જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ

2 mins
306


આ સુંદર સૃષ્ટિ અને એનું નયનરમ્ય અને આહલાદક ચિત્ર તથા પ્રકૃતિના અનેક રંગો એ ભગવાનની માનવજાત અને પ્રાણીઓને એક મોટી દેન છે. પરંતુ આ દુનિયા અને પ્રકૃતિ કેટલી સુંદર છે એ જોનારની આંખો પર આધારિત છે, એટલે કે જોનારના ઈરાદા અને એના મન પર આધારિત હોય છે. મનુષ્યનું શરીર અને એનું મન હંમેશા જોડાયેલું રહે છે. મનની શરીર પર અને શરીરની મન પર સતત અસર થતી રહે છે. જેવું આપણું મન એવું જ આપણું શરીર. વેદો અને શાસ્ત્રોમાં એ સ્પષ્ટ અને સિદ્ધ કરવામાં આવ્યું છે કે આખા સંસારની ગતિવિધિનું નિર્માણ મન દ્વારા જ થાય છે. એટલે એવું કહી શકાય કે શરીર અને મન એ એક સિક્કાની બે બાજુ જેવા છે.

અભિગમ:જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ, એટલે કે આપણે જેવા હોઈએ તેવી જ આ દુનિયા આપણને લાગે છે. જો આપણો અભિગમ કે દ્રષ્ટિકોણ સકારાત્મક હોય તો આપણને બધું જ સકારાત્મક દેખાશે અને જો આપણો અભિગમ કે દ્રષ્ટિકોણ નકારાત્મક હશે તો આપણને આ દુનિયામાં કશું જ સારું કે સકારાત્મક નહી જ દેખાય. સામાન્ય રીતે એવું કહેવાય છે કે જેવો આપણો અભિગમ કે દ્રષ્ટિકોણ હોય તેવું આપણે જોઈ, સાંભળી કે સમજી શકીએ છીએ. જેવી આપણી ભાવના, ઈચ્છા, વાસના અથવા કલ્પના હોય તે જ પ્રમાણે આપણને શરીર મળે છે. આપણી બહારની દુનિયા એ આપણો પડછાયો માત્ર છે.

જો આપણી આંખોના ચશ્મા પર ધૂળ જામેલી હોય તો આપણને આખી દુનિયા ધૂંધળી જ દેખાય. જો આંખો પર કોઈ રંગના ચશ્મા પહેર્યા હોય તો આ દુનિયા એ જ રંગની દેખાય. પોતાની દ્રષ્ટિ અનૂરૂપ જ આ દુનિયા આપણને દેખાય છે. એક જ પ્રસંગ કે કોઈ બાબતને કોઈ વ્યક્તિ નકારાત્મક રીતે જોશે તો કોઈ એને હકારાત્મક રીતે. કોઈને પ્યાલો અર્ધો ભરેલો દેખાશે તો એ જ પ્યાલો કોઈને અર્ધો ખાલી.


Rate this content
Log in