જે ન કરે મહાવરો, તે બને બાવરો
જે ન કરે મહાવરો, તે બને બાવરો
ચીન્ટુ આમ સાહસ તો મોટું કરે, પણ તેને તેમાં સફળતા મળે ઓછી. ચીન્ટુ ગમે તે કામ કરવા તૈયાર થઈ જાય. પણ તે કામ કેમ સરળતાથી કરવું એનો વિચાર જ ન કરે. તેને લીધે ઘણી વખત તેને ખૂબ હેરાન થવું પડે, ઘણી વખત નિષ્ફળતા મળે, ઘણી વખત હતાશા પણ મળે. તેની મા તેને ખૂબ સમજાવે. પણ સમજે તો ચીન્ટુ શાનો! જાણે પથ્થર ઉપર પાણી રેડાયું.
શાળામાં પરીક્ષાઓ નજીક આવી. ચીન્ટુની મા ચીન્ટુને કહેવા લાગી, ‘‘દીકરા, પરીક્ષા આવે છે ને તું રખડયા કરે છે ! વાંચવા બેસ, નહિતર પરીક્ષામાં કંઈ નહિ આવડે !’’ ચીન્ટુ કહેતો, ‘‘મા, તું પણ શું પાછળ પડી ગઈ છો ! મને બધું યાદ છે. જોજે તો ખરી, મારો પહેલો નંબર જ આવશે!’’
ને ચીન્ટુ માની વાતને ગણકાર્યા વગર પોતાની મસ્તીમાં રખડયા કરે છે. પરીક્ષાને હવે માત્ર અઠવાડિયું જ બાકી રહ્યું. ફરીથી મા ચીન્ટુને સમજાવે છે, ‘‘દીકરા, થોડું વાંચી લે ! એક વખતમાં કંઈ બધું યાદ ન રહે. યાદ રહ્યા પછી પણ જો તેને તાજું ન કરીએ તો તે ભુલાય જાય. એટલે હવે એક વખત બધા વિષય તાજા કરી લે!’’ ચીન્ટુ તો તરત જ માની વાતનો જવાબ વાળી દેતો, ‘‘મા, હું હોશિયાર છું, ‘ઢ’ નથી. મને એક વખત યાદ રહી જાય પછી ભુલાતું જ નથી. તું જોજે, જો હું પહેલો નંબર ન લાવું તો ?’’ ચીન્ટુ તો માની વાતને ઉડાવીને નદી કિનારે જાય, વૃક્ષો ઉપર ચડે ને ધમાચકડી કર્યા કરે. કદી કૂતરાં-બિલાડાં જેવાં પ્રાણીઓને હેરાન કરે, તો કદી પક્ષીઓને શાંતિથી બેસવા ન દે. આવી રીતે રઝળપાટમાં તેનો સમય પસાર થયા કરે. જાણે કોઈ જાતની ચિંતા હોય જ નહિ!
હવે તેની માની ચિંતા વધવા લાગી. ફરી એક દિવસ તેની માએ કહ્યું, ‘‘દીકરા ! હવે તો પરીક્ષાને બે દિવસ જ બાકી રહ્યા છે. તારું આ રખડવાનું છોડીને વાંચવા બેસ ! થોડો મહાવરો કરી લે ! મહાવરો કરવાથી શીખેલું વધારે પાકું થાય છે!’’ ચીન્ટુ તો માને ખરો ? પોતાના અંધવિશ્વાસમાં જ રચ્યો-પચ્યો રહે.
અને હવે આવી પરીક્ષા. પરીક્ષા આપવા જવાનો સમય થયો. ચીન્ટુની કોઈ ચીજ ઠેકાણે નહોતી. જલદી જલદી બધું ભેગું કર્યું. પરીક્ષામાં પહોંચ્યો, લખવા બેઠો, પણ કોઈ જવાબ યાદ આવે જ નહિ ને ! પછી તો નિરીક્ષાકનું ધ્યાન ચૂકવીને ચોપડી કાઢી. પણ કયો પ્રશ્ન કયાં છે એ ખબર જ નહોતી પડતી. જવાબ શોધતો હતો ત્યાં જ નિરીક્ષાકનું ધ્યાન ચોપડી ઉપર પડી ગયું અને ચીન્ટુને બહાર કાઢી મૂકયો. ચીન્ટુ તો રડતો રડતો ઘરે ગયો. માને બધી વાત કરી અને કહ્યું, ‘‘મા ! તારી વાત સાચી હતી. મહાવરો કર્યા વિના બધું જ ભુલાય જાય છે. જે મહાવરો ન કરે તે મારી જેમ બાવરો બને અને પછી પસ્તાવાનો વારો આવે !’’
