હેસિયત
હેસિયત
આશ્ચર્યજનક ઘટના બની હતી. બધાં જ... હા... ઘરનાં બધાંજ ચિંતામાં હતાં કે પૈસા ક્યાંથી આવશે? નાનકડી નીલુનું શું થશે? તેના હ્રદયનો ઇલાજ થશે કે નહીં? અને અચાનક રાતે જ આ ઘટના બની ગઈ...! જમિયતભાઈ તો ઊંઘી શક્યા નહોતા, એ ચિંતામાં જ…! નીલુનાં ઇલાજ માટેના પૈસા ક્યાંથી લાવીશું? ઘરની આર્થિક હાલત તો દિન પ્રતિદિન બગડતી જતી હતી અને નવ લાખ રૂપિયા કાંઈ નાનીસૂની રકમ નહોતી. એવામાં સવારમાં પંકજને નોકરી જવાનું એટલે પંકજ અને પ્રજ્ઞા વહેલાં ઊઠ્યાં હતાં. દૂધવાળો દૂધની કોથળીઓ મૂકી શકે એટલે બેઠક રૂમમાં એક બારી ખાલી જ વાસેલી રાખતા હતા...! દૂધવાળો બારી ખોલી દૂધની કોથળીઓ મૂકી દેતો હતો, દૂધની કોથળીઓની સાથેજ એક પેકેટ હતું, પ્રજ્ઞાએ એ પેકેટ ખોલીને જોયું’તો. બબ્બે હજારની નોટો. તે ચીસ પાડી ઊઠી – "પપ્પાજી..." જમિયતભાઈ તો પહેલા માળે ઉંઘતા હતા. રિટાયર્ડ થઈ ગયા હતા અને કોઈ કામ ધંધો હતો નહીં એટલે મોડા જ ઊઠતા. હાંફળા ફાફળા પ્રજ્ઞાની ચીસ સાંભળી બેઠા થઈ ગયા અને દોડતા જ નીચે આવી ગયા. "શું થયું બેટા...?" પ્રજ્ઞાને પૂછ્યું પણ કોણજાણે કેમ આનંદની મારી જ તેની જીભ ચોંટી ગઈ. બોલાયું નહીં માત્ર હાથમાંનું પેકેટ જ બતાવ્યું. જમિયતભાઈએ પેકેટ હાથમાં લીધું. અંદરથી પૈસા કાઢ્યા, ગણ્યા. પૂરા દસ લાખ રૂપિયા હતા. પછી પ્રજ્ઞા તરફ ફરી બોલ્યા, "ક્યાંથી આવ્યા આ પૈસા?" "મને ખબર નથી." પ્રજ્ઞાએ કહ્યું, "સવારમાં દૂધની કોથળીઓ સાથે હતા એટલે તો મેં તમને બૂમ પાડી."
પ્રશ્ન મોટો હતો. રકમ મોટી હતી અને કોઈ આ રીતે કોઈને પણ કશું કહ્યા વિના મૂકી જાય એટલે વિસ્મય તો થાય જ ને...! અને આ તો જમિયત દવેનું ઘર. જુઠ્ઠું તો શું પણ હરામનું પણ ના ખપે...! જ્યારે આ તો હરામની જ રકમ હતી. ઉપયોગ કરતાં પહેલાં જાણવું જરૂરી હતું કે આ પૈસા આવ્યા ક્યાંથી?
નાની રકમ હોય તો પણ તેને હાથ ના લગાડે એવા જમિયત દવે, આટલી મોટી રકમ કેમ વાપરે? હા... અત્યારે તેમને પૈસાની સખત જરૂર હતી એ વાત સાચી. નાનકડી ફુલ પરી જેવી નીલુનો જીવ જોખમમાં હતો. અને ડોક્ટરે સ્પષ્ટ કહ્યું હતું કે વધુમાં વધુ દસ દિવસ સુધીમાં નીલુનું ઓપરેશન કરી હ્રદયનો વાલ્વ બદલી નાખવો જરૂરી છે નહીંતર છોકરીનો જીવ જોખમમાં હતો – કશું કહી શકાય નહીં. નીલુ મરવા પડી હતી, દવાખાનામાં જ હતી, ટ્રીટમેન્ટ ચાલુ હતી. રાતે તેનાં બા રંજનબા તેની પાસે રહેતાં હતાં – એ બધીય વાત સાચી પણ આવી રીતે જોયા જાણ્યા વિના તો કોઈના પૈસા વાપરી ના કઢાયને? કેમ જાણ્યું આ પૈસા આ માટે જ હશે? જો કે પંકજે તો કહ્યું પણ ખરું કે પપ્પા પૈસા જેના હશે તેના... પણ તે નીલુનાં ઓપરેશન માટે આપણને મદદ કરવા માગે છે એટલે જ આ પૈસા અહીં મૂકી ગયેલ છે. પણ જમિયતભાઈ જેનું નામ.
"જો એ નીલુના ઓપરેશન માટે મદદ કરવા માગતો હોય તો આમ ચોરી છૂપીથી મદદ કરવાની શી જરૂર છે? સામે આવવું જોઈએને !"
"કદાચ તે સામે આવવા માગતો ના હોય એવું પણ બને ને?"
"તો એવી મદદ આપણાથી સ્વીકારાય પણ નહીં."
આમ તો વાત ત્યાં જ પૂરી થતી હતી. જમિયતભાઈની આ વાત સાથે જ કે તેઓ આ પૈસાનો ઉપયોગ નીલુ માટે કરવા માગતા નહોતા. તો પણ પ્રજ્ઞાને તો દીકરીના જીવન મરણનો સવાલ હતો, તે બોલી, "પપ્પાજી, એવું હોય તો આપણે આ પૈસા જેના હોય તેને તપાસ કરીને પાછા આપી દઈશું. દૂધે ધોઈને આપી દઈશું. પણ હાલ પૂરતા તો નીલુના ઓપરેશનની તૈયારી કરીએ."
"ના બેટા, ના... જ્યાં સુધી આ પૈસા કોના છે તેનો ખુલાસો ના થાય ત્યાં સુધી આપણે એ વિશે વિચારવાનું પણ નથી. પૈસા લાવવાના ઘણા રસ્તા છે, આપણે બધી દિશામાં પ્રયત્ન કરી જોઈએ. પંકજને કંપનીમાંથી જો લોન મળે તેમ હોય તો આજે જ તે માટે અરજી આપી દે. હું પણ આજે બે-ત્રણ બેંકોમાં તપાસ કરું છું જો મારા પેન્શન પર લોન મળે તો...! તમે પણ પર્સનલ લોન માટે એપ્લાય કરી દો... કહીને જમિયતભાઈએ વાત ઉપર પૂર્ણ વિરામ તો મૂકી દીધું પણ તેમનું મગજ ક્યાં પૂર્ણાવિરામ મૂકવા દે તેમ હતું...! મગજમાં તો અફડાતફડી મચી હતી. મોટું વાવાઝોડું આવ્યું હતું...!
એ વખતના સણોર સ્ટેટમાં જમિયત દવેનું, કારભારી જમિયત દવેનું એક નામ હતું. એક આદર હતો, જ્યાં જાય ત્યાં તેમની ખુરસી આગળ મૂકાતી હતી. જમિયત દવેનો રોફ પણ એવો જ હતો - ઠાકોરના કારભારી હતા. ગામના આગેવાન હતા અને પાછા અનાવિલ બ્રાહ્મણ... આથી તે જ્યાંથી પસાર થાય ત્યાંના લોકો તેમને માન આપવા ઊભા થઈ જતા. કેટલાક તો આવીને પગે પણ લાગતા. જમિયત દવે સામે જોવાની, આંખ મેળવીને વાત કરવાની તો કોઈની હેસિયત જ નહોતી. એક બે પ્રસંગો ગામમાં એવા બની ગયા હતા કે જમિયત દવેએ પોતે સામા માણસને તેની હેસિયત બતાવી હોય...!
નાનો પંકજ ભણતો હતો, તેને ભણાવવા માસ્તર ઘેર આવતા હતા પણ પરીક્ષા આપવા તેને સ્કુલમાં જવું પડતું...! સ્કુલમાં તેની તહેનાતમાં આખો સ્ટાફ રહેતો... તે પાણી માગે તો તરત જ હાજર થઈ જતું. તેની પેન્સીલો પણ શિક્ષકો છોલી આપતા. એક વખત પેપર લખતાં લખતાં તેણે પાણી માગ્યું, પટાવાળો પાણીનો ગ્લાસ ભરી લાવ્યો.
હવે, બન્યું એવું કે પટાવાળો પાણી લઈને આવે તે દરમ્યાન પંકજ પેશાબ કરવા ગયો હતો. પટાવાળાએ પાણીનો ગ્લાસ બેન્ચ ઉપર મૂક્યો એટલે તેની જોડેનો છોકરો એ પાણી ગટગટાવી ગયો...! સાંજે જમિયત દવેને આ વાતની ખબર પડી એટલે એ છોકરાના બાપને ચોરામાં બોલાવ્યો અને દંડ કર્યો...! આ જમિયત દવે...
તે વખતે તો પંકજ મોટો થઈ ગયો હતો. શહેરમાં કોલેજમાં ભણતો હતો અને વેકેશનમાં સણોર આવ્યો હતો. તે ક્યાંક સીમમાં ફરવા ગયો હતો અને ત્યાં તેણે એક કુવા ઉપર એક ઓરતને પાણી ભરતી જોઈ, જેની પાસે ત્રણ ત્રણ બેઢાં હતાં. બે બેઢાં તો તેણે પોતાના માથે ચઢાવી દીધાં પણ ત્રીજું બેઢું કેમે કરીને ચઢતું નહોતું. પાસેનું ગામ જે ચમારોનું ગામ હતું ત્યાંથી તે પાણી ભરવા આવી હતી અને અખા ચમારની દીકરી હતી. ત્યાંથી પસાર થતા પંકજે આ દશ્ય જોયું. પેલી સ્ત્રીએ તો બેઢું ચઢાવવાનું કહ્યું નહોતું પણ પંકજને તેની દયા આવી એટલે તેણે સામે ચાલીને બેઢૂં ચઢાવી દીધું. ઘેર જમિયત દવેને આ ખબર પડી એટલે તેણે અખા ચમારને પોતાના ઘેર બોલાવ્યો... હવે તો રાજાનાં રાજ જતાં રહ્યાં હતાં એટલે બહુ દાદાગીરી તો ચાલે એમ નહોતી તો પણ અખા ચમારને – "તારી એટલી હેસિયત ક્યાંથી આવી કે તારી દીકરી મારા દીકરા પાસે માથે બેઢૂં ચઢાડાવે...?"થી શરૂ કરી ગાળોનો વરસાદ તો વરસાવ્યો જ...!
એવા આ જમિયત દવે. હવે તો રાજાઓનાં રાજ ગયાં, ઠાકોરોની ઠકરાત ગઈ એટલે જમિયત દવે પણ મીંદડી થઈ ગયા પણ લોહી હજુ પણ ક્યારેક ક્યારેક ઉછાળા મારતું હતું...! ખાનદાનીનો વારસામાં મળેલો ગુણ થોડો જ બદલાઈ જાય...? હા... ઠાકોરની ઠકરાત ગઈ ત્યારે જમિયત દવેનું ખોરડું સાધન સંપન્ન જ હતું. અને આઝાદી પછીની સરકારે તેમને બે વિકલ્પો આપ્યા હતા. કારભારીપણું ગયું તેના બદલામાં જીવનભર પેન્શન અથવા ખેતી કરવા માટે થોડીક જમીન. પણ બ્રાહ્મણનો અવતાર – જિંદગીમાં ક્યારેય ખેતરનો શેઢો તો જોયો નહોતો એટલે ખેતી કરવાની. મજૂરી કરવાની માથાકૂટ કોણ કરે એવું વિચારી પેન્શનનો વિકલ્પ સ્વીકારી લીધો હતો. અને શહેરમાં રહેવા આવી ગયા હતા. સણોર ગામની હવેલી વેચવા કાઢી પણ ત્યાં કોણ એવડું મોટું મકાન ખરીદે? એટલે ઘરાક મળ્યા નહીં અને પડ્યું પડ્યું જ એ ઘર ખંડેર બની ગયું. અધૂરું હતું તે વળી ભૂકંપ આવ્યો એટલે એ તોતીંગ હવેલી જમીનદોસ્ત થઈ ગઈ. જમિયત દવે બદલાઈ ગયા – હવે તો કોઈ કહી જ ના શકે કે આ જમિયત દવે કોઈક સમયે સ્ટેટના કારભારી રહ્યા હશે.
સમય બદલાઈ ગયો. પંકજને ભણાવવાના ઘણા ઉધામા માર્યા પણ વિધા તેને ગળે ના જ ચઢી...! માંડ માંડ એસ.એસ.સી. થયો અને જમિયતભાઈની ઓળખાણથી જ વળી કંપનીમાં નોકરી મળી ગઈ.
જમિયતભાઈનું પેન્શન અને તેનો પગાર તેમાં ઘરનું ગાડું ગબડતું હતું. ઘરની આર્થિક સ્થિતિ હવે વખાણવા લાયક રહી નહોતી. એકલા પડે ત્યારે જમિયત દવે ભૂતકાળને વાગોળતા, જાહોજલાલીને યાદ કરી આંસું સારતા. તે વખતે જો અગમચેતી વાપરી થોડીઘણી મિલ્કત, રોકડ અને સ્થાવર જંગમ મિલ્કત વસાવી લીધી હોત તો અત્યારે કામમાં આવત. પણ ના જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે? સિધ્ધાંતોનું પૂછડું પકડી રહ્યા અને ભવિષ્યનો વિચાર ના કર્યો...! નહીંતર બીજા કારભારીઓએ તો સાત પેઢી ખાય તોય ખૂંટે ના એટલી મિલ્કતો વસાવી લીધી હતી...! પણ આ તો હરામનું ન ખપે... મારો બ્રાહ્મણનો આત્મા લાજે. – કરીને હાથ ઘસતા રહી ગયા.
આમને આમ સાત દિવસ પણ વીતી ગયા. પણ નીલુના ઓપરેશન માટે પૈસાની કોઈ વ્યવસ્થા થઈ શકી નહીં. પંકજને કંપનીમાંથી વધુમાં વધુ બે લાખ રૂપિયાની લોન મળી શકે તેમા હતી. જેનો કોઈ અર્થ જ નહોતો. જમિયત દવેને પેન્શન ઉપર લોન આપવાની બેંકે ઘસીને ના પાડી દીધી હતી. તો પ્રજ્ઞાને કઈ આવક ઉપર પર્સનલ લોન મળે? તેણે ત્રણ – ચાર કંપનીઓમાં તપાસ કરાવી પણ દરેક જ્ગ્યાએથી બસ આજ જવાબ મળતો હતો...! દીકરી નીલુનું દર્દ દિન-પ્રતિદિન વધતું જતું હતું. તો ડોક્ટર પણ ઉતાવળ કરતા હતા. રંજનબા દવાખાને રહેતાં હતાં તેમનાથી નીલુનો વલવલાટ જોવાતો નહોતો એટલે તે પણ ઉતાવળ કરતાં હતાં.
સગાં-વહાલે પણ તપાસ કરાવી જોઈ. પ્રજ્ઞાના ભાઈને પણ પૂછ્યું, "પણ કોઈ વીસહજાર આપી શકે તેમાં હતું તો કોઈ વળી વધુમાં વધુ બે લાખ...! આવામાં જમિયત દવેની મતિ પણ મારી ગઈ હતી. મગજ કામ કરતું નહોતું. શું કરવું – તે સમજાતું નહોતું. કારભારીના વહીવટમાં આવી પેચીદી પરિસ્થિતિનો તો સામનો કરવો પડ્યો નહોતો.
શું કરવું – તે ન તો જમિયતભાઈને સમજાતું હતું. ન પંકજને કે ન પ્રજ્ઞાને...! છતાંય બધાંના જીવ અદ્ધર થઈ ગયા હતા પણ...!
આઠમા દિવસની રાતે નવ વાગ્યે ઘરના ડબલા ઉપર ફોન આવ્યો, રીંગ વાગી એટલે પ્રજ્ઞાએ ફોન ઉપાડ્યો -"હલ્લો, હલ્લો, જમિયતભાઈસાહેબ છે?"
"હા... આપું." કહી પ્રજ્ઞાએ સસરાને રિસીવર આપ્યું.
"નમસ્કાર સાહેબ. મારી ઓળખાણ આપવાની કે આપ સાથે વાત કરવાની મારી તો કોઈ હેસિયત નથી પણ એક વિનંતી છે સામાની હેસિયત કરતાં આપણા સ્વજનનો જીવ વધારે કિંમતી હોય છે..." કહી ફોન મૂકી દીધો. જમિયત દવે ઘડીભર રિસીવર સામે તાકી રહ્યા અને પછી ધ્રૂસ્કેધ્ર્ર્સ્કે રડી પડ્યા.
