ગરીબની ઈજ્જત
ગરીબની ઈજ્જત


ઘણી વાર મોટા મોટા મહેલમાં લોકો ખુશ નથી હોતા. એમને ઊંઘવા માટે સ્લીપિંગ પીલ્સની જરૂર પડે છે. જ્યારે રામુ અને એની મા ફૂટપાથ પર પણ ખુશ હતાં. એમને ઘરમાં હિટિંગ સિસ્ટમની જરૂર નથી, પણ નાના તાપણાથી પોતાની ઠંડી ઊડાડી શકે છે. આમ તો મા દીકરો બંને એક નાના ગામડાથી આવેલા. વિધવા માને લોકો જીવવા દેતા ના હતા. ગામનો સરપંચ રોજ મા સાથે જબરદસ્તી કરવા પ્રયત્ન કરતો. વિધવાનાં સો ધણી બની જતા હોય છે.
એક દિવસ રાતે રામુ ઊંઘમાંથી જાગી પડ્યો. મા રડતી રડતી કોઈ સાથે ઝગડો કરતી હતી. રામુએ ઝુંપડીની બહાર જોયું તો ગામનો શેઠિયો માના કપડાં ખેંચી રહ્યો હતો. બાર વરસનો રામુ બહાર ધસી આવ્યો અને શેઠને ધક્કો માર્યો. શેઠ એક પથ્થર સાથે ટકરાયો અને એના માથામાંથી લોહીની ધાર છૂટી. મા ગભરાઈ ગઈ. બે ચાર કપડાં બેગમાં ભરી રામુનો હાથ પકડી રેલવે સ્ટેશન તરફ દોડી અને જે ટ્રેન ઊભી હતી એમાં ચડી ગઈ. એ ટ્રેન એને મુંબઈ લઇ આવી. મા દીકરો બને મુંબઈ આવી ગયા. એક પુલની નીચે ફૂટપાથ ઉપર રહેવા લાગ્યાં.
હવે એમને કોઈ સરપંચની કે કોઈ શેઠિયાઓની બીક નથી. કચરામાંથી ખાવાનું મળી રહે અથવા કોઈ દયા ખાઈને પૈસા ફેંકી જાય છે. ખુલ્લા આકાશ નીચેમા ની ઈજ્જત સલામત છે. રામુ ખુશ છે. એ મોટો થઈને મા માટે જરૂર કંઇક કરશે એવી દ્રઢતા એના ચહેરા પર દેખાય આવે છે. એના હાસ્યની પાછળ ભવિષ્યના સપનાં છે અને મા મુગ્ધતાથી દીકરાને તાકી રહી છે. એને રામુની આંખમાં સપનાં જોવા ગમે છે.