Falguni Parikh

Others

2  

Falguni Parikh

Others

એક સાંજનો ઓછાયો પ્રકરણ- (૪)

એક સાંજનો ઓછાયો પ્રકરણ- (૪)

4 mins
7.1K


પ્રકરણ- ૪

 

બંને દવાખાનેથી ઘરે આવ્યાં. બંને વિચારતા હતાં અને બંનેને એક જ સવાલ મૂંઝવતો હતો, કે હવે શું? આ બાળકને જન્મ કેવી રીતે અને ક્યાં આપવો? અહીં તો જન્મ અપાય નહીં; લોકોના સવાલોનાં જવાબ કયાંથી આપવાનાં? રૂપાએ શાળાની નોકરી છોડી દીધી. દિવસ -રાત જયાને આ ચિંતા કોરી ખાતી હતી. મજૂરી કામમાં તેનું ધ્યાન ના રહેતું. એક વખત તો બેધ્યાનપણામાં તેનો અકસ્માત થતાં રહી ગયો.

તેની સાથે કામ કરતી સવિતા તેની આ દશાથી ચિંતિત હતી. જયાને કારણ પૂછયું. જયા રડી પડી. સવિસ્તાર બધી ઘટના જણાવી. સવિતાએ સધિયારો આપતાં કહ્યું, “જયા તું ચિંતા ના કર. એક કામ કર; હું તો એકલી જ રહું છું, તમે મા-દીકરી મારે ત્યાં આવી જાઓ. રૂપાની સુવાવડ સુધી મારે ઘરે રહેજો. એ સુખરૂપે થઈ જાય પછી તમારે ઘરે પાછા જતાં રહેજો.”

સવિતાની વાત તો જયાને યોગ્ય લાગી પણ એક પ્રશ્ન તો માથા પર ઝળૂંબતો જ રહ્યો કે આવનાર બાળકનું શું? એને લઈને તો ધારાવી જવાય નહીં? ખૂબ મથામણને અંતે એવું નકકી કર્યું કે એ બાળકને કોઈ અનાથ આશ્રમમાં મૂકી આવવું.

સવિતાનો ઉપકાર માનતાં જયા બોલી, “બહેન તારો ઉપકાર જિંદગીભર નહીં ભૂલાય.”

“અરે જયા, એમાં ઉપકાર શેનો મારી બહેન? એક ગરીબ એક ગરીબને કામ નહીં આવે તો કોણ આવશે? કાલથી જ તમે લોકો મારા ઘરે આવતા રહો.”

જયા-રૂપાએ થોડો જરૂરિયાત પૂરતો સામાન સાથે લીધો. ઝૂંપડીને તાળું મારતા હતા ત્યાં જ પડોશની બાઈએ પૂછ્યું,

“જયા ક્યાં જાય છે?”

“મીના, મને બીજી જગ્યાએ ખૂબ સારું મજૂરીનું કામ મળ્યું છે, તે અહીંથી ખૂબ દૂર છે એથી મારી સહેલીના ઘરે રહીશું અને કામ સમાપ્ત થઈ જતાં પાછાં આવીશું.” જવાબ આપી જયા, રૂપાને લઈ

ત્યાંથી નીકળી ગઈ. સવિતાને ત્યાં આવી ગઈ. સમય પસાર થતો રહ્યો. સવિતાએ દાયણની મદદથી ઝૂંપડીમાં જ રૂપાની સુવાવડ કરાવી.

રૂપાએ એક દીકરાને જન્મ આપ્યો! બીજો કોઈ સમય હોત તો આ દીકરાની ખુશીમાં ઘેલી જયાએ બધાને પેંડા વહેંચ્યા હોત, પણ અહીં તો પરિસ્થિતિ જુદી હતી. જયાને આ બાળકને જોતાં જ તિરસ્કાર આવતો હતો! એને વહેલી તકે તે રૂપાથી દૂર કરવા માગતી હતી.

રૂપા થાકને કારણે નિદ્રાધીન થતાં, જયા અને સવિતાએ નકકી કર્યું એ મુજબ બાળકને અનાથ આશ્રમ મૂકી આવવાની તૈયારી કરી. જયા અંધારામાં તેને ચૂપચાપ લઈને ઘરની બહાર નીકળી. અનાથ આશ્રમ જતાં રસ્તામાં એક કચરાપેટી જોતાં વિચાર બદલીને બાળકને ત્યાં એવી રીતે મૂક્યો જાણે કોઈ કચરો નાખતું હોય!

જોકે, ત્યાં મૂકતાં બે ઘડી તેનાં દિલમાં એ બાળક માટે અનુકંપા જાગી. પણ પછી પોતાની દીકરીના ભવિષ્ય માટે આ એક આફત સાબિત થશે એવું વિચારીને ત્યાં જ બાળકને મૂકી એ ખુશ થતી સવિતાના ઘરે આવવા પાછી ફરી રહી હતી. પોતાની ખુશીમાં એટલી તલ્લીન બની હતી કે સામેથી આવતી ટ્રકને એ જોઈ ના

શકી. ટ્રકવાળો બ્રેક લગાવે એ પહેલાં તેની ટકકરથી તે હવામાં ફંગોળાઈ અને રોડ પર પટકાઈ. માથામાં ડિવાઇડર વાગતાં લોહીનો ફુવારો છૂટી ગયો. એક જ ક્ષણમાં એની આંખ સદાને માટે બંધ થઈ ગઈ.

સવારે સવિતાએ જાગીને જોયું કે બાળક અને જયા બંને ઘરમાં નહોતાં. તે સમજી ગઈ જયા ક્યાં ગઈ હશે? તેને અત્યંત દુ:ખ થયું કે તેઓ એક નિર્દોષ બાળકને વગર વાંકે સજા આપી રહ્યા હતાં, તેને અનાથ બનાવીને!

એટલાંમાં ઘરની બહાર ખૂબ કોલાહલ સાંભળતા તે બહાર આવી. લોકોની વાતો સાંભળી -રોડ પર કોઈ સ્ત્રીને ટ્રકવાળાએ અડફેટે લઈ લીધી અને અકસ્માત થતાં એ સ્ત્રી ઓન ધ સ્પોટ મરી ગઈ છે. સવિતાને શંકા ગઈ કે તે જયા તો નથી ને? એ જોવા ગઈ, અને જયાની લાશ જોઈને સ્તબ્ધ થઈ ગઈ. શું બોલવું, શું કરવું એ વિચારી ના શકી.

આખરે ચૂપચાપ ત્યાંથી ખસીને તે ઘરે આવી ગઈ. રૂપા જાગી અને બાળક તેમ જ માને ના જોયા એટલે એમના વિષે સવિતાને પૂછ્યું. સવિતાએ તેને બાળક બાબતે સાચી હકીકત જણાવી. તે ખૂબ રડી. માના આવા નિર્ણય પર ગુસ્સો આવ્યો. મા ઘરે આવે એની રાહ જોવા લાગી. જોકે, સવિતાએ તેને માત્ર અડધી જ હકીકત જણાવી હતી. તેને એ નહોતું જણાવ્યું કે તેની મા અકસ્માતમાં મૃત્યુ પામી છે. ઘણો સમય વીતી ગયા છતાં મા પાછી ના આવી એટલે રૂપાને હવે ચિંતા થવા લાગી. પણ સવિતા એને સચ્ચાઈ બતાવી ના શકી.

સવાર થતાં કચરાપેટીમાં પડેલું બાળક રડી ઊઠ્યું અને પોતાની હાજરીની જાણ કરાવવા લાગ્યું. રસ્તે ચાલતા આવતાં- જતાં બધાની નજર એ બાળક પર પડે, પણ સહેજ અટકીને જોઈને વિચારે આપણે શું? હશે કોઈના પાપની નિશાની, એમ વિચારીને આગળ વધી જતા! કેવી છે આ પાષણ દુનિયા? જ્યાં એક

 

મનુષ્યને એક મનુષ્યનાં જીવતા પિંડ માટે દિલમાં દયા નથી ઊપજતી!

પણ કહે છે ને કે દરેક પોતાની કિસ્મત ઉપરથી લખાવીને આવે છે. બસ, એમ જ... મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચરા ગાડી કચરો ઉપાડવા આવી.

ત્યારે આ રડતા બાળકને તરત ઉઠાવ્યો. આજુબાજુ બૂમો પાડી કે કોનું છે આ બાળક? પણ એમ જવાબ ક્યાંથી મળે? જીવણ કચરો ખાલી કરતાં બોલ્યો, “ભાઉ કોઈ બોલશે નહીં. આમાંથી કોઈનું હોય તો અહીં શા માટે મૂકી જાય? કચરાપેટીમાં મળ્યું એનો અર્થ એવો થાય એ નક્કી કોઈના પાપની નિશાની છે, જેનો નાશ કરવા તેઓ અહીં નાંખી ગયા છે.”

“પણ જીવણ, હવે આ બાળકનું શું કરીશું?”

“ભાઉ, લાવ એ બાળક મને આપી દે! હું એને ઊછેરીને મોટો કરીશ યાર.”

“જીવણ શા માટે નકામી આફત માથે લે છે? ના જાણે કોનું હશે?”

(ક્રમશઃ)


Rate this content
Log in