Falguni Parikh

Others

2  

Falguni Parikh

Others

એક સાંજનો ઓછાયો (૩)

એક સાંજનો ઓછાયો (૩)

4 mins
7.2K


પ્રકરણ- 3

 

     જયા આ ઘટનાથી દિગ્મૂઢ બની ગઈ હતી. રૂપા રડતા રડતા નિદ્રાધીન થઈ ગઈ, પરંતુ જયાના મનમાં અનેક વિચારોની હારમાળા ચાલતી રહી. પ્રથમ વિચાર આવ્યો પોલિસ સ્ટેશન જાય અને તે લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવે. પણ તેના મને વિરોધ કરતા કહ્યુઃ આવી બાબતોમાં પોલિસ પૈસાવાળાઓનો સાથ આપશે, અમારા જેવા ગરીબોનું કોઈ સાંભળશે નહીં. નાહકની દોડા-દોડી અને ન્યાય તો મળશે નહીં... વધારામાં આ ચકકરથી જે લોકો નથી જાણતાં તે બધાને આ ઘટનાની જાણ થઈ જશે. શું કરવું એ વિચારી ના શકી. લાચાર નજરે એક મા પોતાની દીકરીને નરાધમોના જુલ્મનો શિકાર બનેલી જોઈને તડપતી રહી. પોતાની મજબૂરી સામે લાચારીનાં આંસુ વહાવતી રહી.

     તે દિવસે તેમની ઝૂંપડીમાં ચૂલો ના સળગ્યો! કયાંથી સળગે? બંનેની જિંદગી જો સળગી ગઈ હતી. મોડી સાંજે રૂપા ઊઠી, પણ તેના અંગોમાં ખૂબ કળતર થતી હતી. જયાએ દવાખાને લઈ જવા માટે કહયું ત્યારે એ લાચાર નજરે મા સામે જોઈ રહી. રૂપાએ નોકરી છોડી દીધી. પરંતુ એની ખૂબ મોટી કિંમત એને ચૂકવવી પડી. એ ઘટના બાદ કેતન કદી દેખાયો નહીં. રૂપાએ મોબાઈલ પર કોન્ટેક્ટ કર્યો પણ, કોઈ જવાબ મળતો નહોતો. તેથી એ ખૂબ હતાશ થઈ. દિવસો ગુજરતા જતા હતા, રૂપા વિચારોના વમળમાં ચડી જતી ત્યારે આ જિંદગી ટૂંકાવી કાઢવાનો વિચાર આવતો. તેનું મન તે માટે બંડ પોકારતું અને તેને કહેતું એમ બુઝદિલ ના બન, હિંમતથી તેનો સામનો કર. ચાલ ઊભી થા, આગળ વધ, એ પાપીઓને તેમના ગુનાની સજા આપ. પોતે આ માટે લાચાર હતી એ ખ્યાલ આવતાં તે પોતાના નિર્ણયમાં પાછી પડતી હતી. દિવસો પસાર થતા હતા. તેમની ઝૂંપડીમાં વાતચીતની જગ્યાએ મૌનની ખામોશ દીવાલ ઊભી થઈ ગઈ હતી. શબ્દો કયાંક વિખેરાઈ ગયા હતા. સમય જાણે નિ:શબ્દ બની વહેતો હતો. જયા સવારે મજૂરીએ જતી તે સાંજે પાછી આવતી ત્યાં સુધી રૂપા સૂનમૂન બેસી રહેતી, તેની વાચા હણાઇ ગઈ હતી. જયા એને સમજાવતી, ‘બેટા મને ખબર છે આ ભૂલવું સહેલું નથી, તે છતાં એ ભૂલવું પડશે, નહિ તો આ પહાડ જેવી જિંદગી કેવી રીતે જીવાશે? હૈયે હિંમત રાખી સામનો કર આ મુશ્કેલીનો. બેટા, કપડાં પર પડેલા ડાઘ તો ધોવાથી જતા રહે છે, મન પર પડેલા આ ડાઘ કોઇ સાબુ કે પાવડરથી ધોવાવાના નથી. માટે હિંમત રાખી મન મજબૂત કર. દીકરા ખુદને મજબૂર નહીં મજબૂત બનાવ.’

     આ દુનિયા ખૂબ જાલિમ છે. મજબૂરીનો ખૂબ ફાયદો ઉઠાવે છે, માટે મજબૂત બન. પોતાની મા અભણ છે છતાં, દુનિયાની સચ્ચાઇની વાત કેટલી સરળતાથી અને આસાનીથી સાદી ભાષામાં સમજાવી દીધી. રૂપાને પોતાની મા માટે ગર્વ થયો. સંજોગો માણસોને કેવાં ઘડી દે છે! માની સલાહ સાચી લાગી. નિરાશા મનમાંથી ખંખેરી કાઢી આગળની જિંદગી સ્વમાનથી જીવવાનું નક્કી કર્યું. રૂપાને ધારાવીની નજદીક એક શાળામાં નોકરી મળી ગઈ. જિંદગી થાળે પડી હતી કે એક દિવસ રૂપાને પેટમાં ખૂબ દુઃખાવો ઉપડયો, બે-ચાર ઉલ્ટીઓ થઇ. સાંજે જયા મજૂરીએથી આવી ત્યારે રૂપાને ઘરમાં આરામ કરતાં જોઈ નવાઈ લાગી. કારણ પૂછતાં રૂપાએ જે જણાવ્યું ત્યારે જયાને આંખે અંધારા આવી ગયા. તેને સમજતા વાર ના લાગી કે એ નરાધમોના અત્યાચારની નિશાની તેની દીકરીના ગર્ભમાં આકાર લઇ રહી છે. તેના પગ નીચેથી જાણે ધરતી સરકવા લાગી. હે ભગવાન! મારી દીકરીનાં જીવનમાં પહેલાં ઓછી મુસીબત હતી કે એક નવી મુસીબત આવી? શા માટે અમ ગરીબોને શાંતિથી જીવવા દેતો નથી તું? એમ મનોમન ફરિયાદ કરી જયા રડતી રહી.

     રૂપા આ વાતથી અજાણી હતી.

     બીજે દિવસે જયા મજૂરીએ ના જતાં એક દાયણને જાણતી હતી એની પાસે ગઈ. આ ગર્ભને પડાવા માટેની દવાની પડીકી લેવા. તે લાવી રૂપાને આપવા લાગી. એને આાશા હતી કે આ દવાથી રૂપાને છૂટકારો મળી જશે. પરંતુ ગરીબનું કિસ્મત પણ ગરીબ જેવું જ રાંક હોય છે. એ દવાની કોઈ અસર ના થઈ. એ ગર્ભ ગર્ભાશયમાં વિકાસ પામવા લાગ્યો. છેવટે જયાએ વાતની સચ્ચાઇ રૂપાને કહી. રૂપાની નજર સમક્ષ એ ઘટના ઝડપથી પસાર થઈ. હવે? હવે શું કરવું એ મા-દીકરીને સમજ ના પડી.

     રૂપા નોકરીએ જતી હતી, હવે તેને ઘરે રહેતાં જોઈ અડોશ-પડોશમાં પણ કાનાફૂસી થવા લાગી કે ચોકકસ કોઈ વાત છે, જેથી રૂપા નોકરીએ નથી જતી. એ વાત શું છે એ જાણવાની ખૂબ કોશિશ કરી પરંતુ ખ્યાલ ના આવ્યો. જયાની ચિંતા વધી ગઈ. આ વાતની ખબર બહાર પડી તો આ લોકો મારી દીકરીનું જીવન જીવવું મુશ્કેલ કરી દેશે. શું કરવું? કયાં જવું એ તેને સૂઝતું નહતું. રૂપાએ નક્કી કર્યુ આ ગર્ભને દવાખાને જઈ પડાવી દેશે. આ પાપની નિશાની આંખ સમક્ષ ના રહે. ત્યારે મનમાંથી જવાબ આવ્યોઃ તેમાં આ નિર્દોષ નો શું ગુનો છે? તેને કેમ આ દુનિયામાં આવવાનો હક્ક નથી? ભૂલ બીજાની અને સજા આ નિર્દોષને કેમ? રૂપા તું કેવી રીતે રાજી થઈ આનો નિકાલ કરાવવા? ભલે એ પાપીઓની પાપની નિશાની છે, એનું સિંચન તો તારી કૂખમાં થશે, એ લોહી, માંસનું પિંડ તો તારા ગર્ભમાં ઊછરશેને! એ પાપીઓની નહીં, તારી નિશાની બનશે. આ મથામણ રૂપાનાં દિલ અને મનમાં ચાલતી રહી. છેવટે આ અણગમતા બોજથી છૂટકારો મેળવવા માટે મા-દીકરી દવાખાને ગયાં. ડોકટરે તપાસીને કહ્યું, ‘ખૂબ સમય વહી ગયો છે. હવે કશું થાય એમ નથી. હવે જો ગર્ભપાત કરાવવા જઈશું તો તમારી દીકરીની જિંદગી જોખમમાં મૂકાઇ જશે, સોરી.’

     ડોકટરનો જવાબ સાંભળીને જયાની હાલત ગંભીર બની. હવે શું થશે મારી દીકરીનું?

(ક્રમશઃ)


Rate this content
Log in