STORYMIRROR

Dr. Pushpak Goswami

Children Stories Children

4  

Dr. Pushpak Goswami

Children Stories Children

દિવાસ્વપ્ન

દિવાસ્વપ્ન

3 mins
269

ટિકુને નાનપણથી જ આકાશ અને તેમાં રહેલા રહસ્યો જાણવાની ઉત્સુકતા હતી. તેનું કારણ હતું પપ્પા જોડેથી સાંભળેલી અવકાશના રહસ્યોને ઉજાગર કરતી વાર્તાઓ. ટિકુના પપ્પાને પણ આકાશી રહસ્યોમાં ખૂબ જ રસ હતો, તેના કારણે ટિકુને પણ તેમાં રસ જાગ્યો હતો. તેને જેવો નવરાશનો સમય મળે, કે તરત જ તે પપ્પાએ લાવી આપેલી "અવકાશના રહસ્યો" નામની વાર્તાની ચોપડી લઈને બેસી જતો. કલાકો સુધી અવનવી વાર્તાઓ વાંચ્યા કરતો. વાર્તાઓ વાંચવામાં ટિકુ ક્યારેક તો એટલો મશગુલ થઈ જતો, કે તે પોતે અવકાશયાનમાં બેસી આકાશની સફરે જઈ આવ્યો હોય તેવી અનુભૂતિ તેને થતી. 

નાનપણથી જ ટિકુની આકાશ પ્રત્યેની રુચિ જોઈ, તેના પપ્પાએ તેને મોટો થઈને એક સારો અવકાશયાત્રી બનાવવાનું નક્કી કર્યું. પછી તો શરૂ થઈ અવકાશયાત્રી બનવાની સફર. ટિકુનો આ વિષયમાં રસ જળવાઈ રહે તે માટે ટિકુના પપ્પા અવાર નવાર અવકાશને લગતી કોઈને કોઈ વસ્તુ, રમકડાં અથવા પુસ્તક લાવવા લાગ્યા. ટિકુની ૧૦મી વર્ષગાંઠ પર તેના પપ્પાએ તેને નાનું ટેલિસ્કોપ લાવી આપ્યું. ટિકુ તો રાજીનો રેડ થઈ ગયો. તેની ખુશીનો કોઈ પાર ન રહ્યો. આખી સોસાયટીના બધા જ બાળકોને ટિકુએ ટેલિસ્કોપ બતાવ્યું. આખો દિવસ ટિકુ ટેલિસ્કોપ સાથે જ રમ્યો. જમવા બેઠો તો પણ ટેલિસ્કોપ પોતાના ખોળામાં રાખીને. રોજ બપોરે મમ્મી બળજબરીથી ટિકુને સુવાડી દેતી, પરંતુ આજે તે સુવે ખરો ?

આખો દિવસ ટેલિસ્કોપ સાથે રમવાના કારણે, અને સતત અવકાશ વિશે વાંચવાના કારણે ટિકુના મગજમાં અવકાશયાન જ ફરતું હતું. આખા દિવસનો થાકેલો ટિકુ રાત્રે પણ ટેલિસ્કોપ લઈને તારા જોવા લાગ્યો અને સપ્તર્ષિ તેમજ બીજા નક્ષત્રો જે પપ્પાએ આજ સુધી વાર્તામાં જ કહ્યા હતા, તેને પ્રત્યક્ષ નિહાળવાનો પ્રયત્ન કરવા લાગ્યો. તેવામાં તેની નજર અચાનક જ બાજુના મેદાન પર પડી. તેણે જોયું તો ત્યાં આકાશમાંથી કોઈ બત્તી કરીને પ્રકાશ પાડતું હોય, તેવો પ્રકાશ આવી રહ્યો હતો. ટિકુ ફટાફટ ઊભો થયો અને તે દિશામાં આગળ વધ્યો. જેમ જેમ ટિકુ આગળ વધતો ગયો, તેમ તેમ આકાશમાંથી આવતો પ્રકાશ વધતો ગયો. ટિકુ જેવો પેલા પ્રકાશના કુંડાળાની અંદર પ્રવેશ્યો, કે તરત જ તે ઉપર રહેલા અવકાશયાનમાં ખેંચાઈ ગયો. એક મિનિટમાં તો તે યાન આકાશમાં ક્યાંય દૂર જતું રહ્યું. થોડી વાર ચાલ્યા પછી અવકાશયાન એક જગ્યાએ કોઈ અજાણ્યા ગ્રહ પર આવીને રોકાઈ ગયું અને ટિકુને ત્યાં ઉતારી દીધો. ટિકુ કંઈ સમજે તે પહેલા તો અવકાશયાન ટિકુને ઉતારીને જતું પણ રહ્યું. ટિકુએ બહાર આવીને જોયું તો તે એવા ગ્રહ પર હતો, જ્યાં બધા જ વિચિત્ર હતા. તેના જેવું કોઈ નહોતું. તેણે પોતાની સામે જોયું ત્યારે તેને ખબર પડી કે પોતે પણ અવકાશયાત્રીના પોશાકમાં હતો. તેની ખુશીનો કોઈ પાર ન રહ્યો. તે આમ તેમ ફરવા લાગ્યો અને ખુશ થતો થતો કૂદકા મારવા લાગ્યો. તેટલામાં જ તેની નજર પાછળથી આવતા બીજા નાના અવકાશયાન પર પડી. તેમાં પણ કોઈ પરગ્રહવાસી બેઠેલો હતો. તેને જોતાં જ, ટિકુ સમજી ગયો કે પોતે આ ગ્રહ પર આવ્યો છે તે પેલા પરગ્રહવાસીને ગમ્યું નથી. ટિકુ કંઈ સમજી શકે તે પહેલાં તો પેલા પરગ્રહવાસી એ ટિકુ પર એટેક કરી દીધો. ટિકુ ત્યાંથી ભાગવા માટે જેવો દોડ્યો, કે તરત જ ખાટલામાંથી નીચે પડી ગયો અને સ્વપનમાંથી જાગી ગયો. ટિકુના પડવાના અવાજથી તેના મમ્મી-પપ્પા બંને જાગી ગયા, અને ટિકુ ને પૂછવા લાગ્યા, "શું થયું ? કેમ કરતાં પડી ગયો ?" ટિકુ માથું ખંજવાળતા મનમાં ને મનમાં મલક્યો ને, "કંઈ નહીં, એ તો એમ જ" કહીને પાછો સૂઈ ગયો.


Rate this content
Log in