Heena Modi

Others

3  

Heena Modi

Others

ડિજીટલ પ્રેમ

ડિજીટલ પ્રેમ

4 mins
13.5K


યુનિવર્સીટી પ્રથમ ક્રમે M.B.B.S. ઉતિર્ણ કરેલ ડૉ.કાંચી ઈન્ટરનેશનલ ટુર પરથી આજે જ પરત થયા. લગભગ પંદર દિવસથી સ્ટડી બિલકુલ છૂટી ગઈ હતી. આથી, ડૉ.કાંચીને થોડું ટેન્શન આવી ગયું. ડૉ.કાંચીએ એમનાં મમ્મી-ડેડીને જણાવ્યું “હવે હું આજથી મારું વોટ્સએપ, ફેઈસબુક વગેરે બંધ કરી દઈશ. હવે, મારે પી.જી. પ્રિપેરેશન માટે મંડી પડવું છે.” ડૉ.કાંચી આવું કહી પોતાના રૂમમાં ગયા. એક પછી એક ફ્રેન્ડ્સને ત્રણ મહિના માટે ‘ગુડબાય’ કહી રહ્યા હતા. અને, ત્યાં જ એમનાં સેલફોનમાં ખણણણ... કરતો એક અવાજ આવ્યો. ડૉ.કાંચીનું ધ્યાન એ તરફ ખેંચાયું એમણે જોયું કે એક FB ફ્રેન્ડ કે જેની સાથે  વધારે કોઈ ટચ નથી એવાં ડૉ. કેલ્વિને ‘હાય’ વેવ કર્યું. FB માં આવેલ આ નવા ફિચર્સને જોવા ડૉ.કાંચીને જરા ઉત્સુકતા થઇ અને અનાયાસે જ ‘વેવ બેક’ થઇ ગયું. બંને વચ્ચે હાય-હલોથી લઈ મેડીકલફિલ્ડની ઔપચારિક વાતો શરૂ થઈ. બંનેને ખ્યાલ સુધ્ધા ન રહ્યો એમની વચ્ચે વાતનો દૌર લંબાયે જતો હતો. બંને મેચ્યોર્ડ હોવા છતાં ‘આઈ લાઈક યુ’ નો મેસેજ એક-મેકને આપી દીધો. અને છેવટે બંને વચ્ચે ‘ડિલ’ થઈ. ‘આજે ૧૨ એપ્રિલ છે આપણે ૧૨ જુન સુધી ફોનિક કોન્ટેક્માં રહીશું પછી જોઈએ આગળ શું થાય....? એ વિચારીશું.’ એમ કહી ગુડ બાય કર્યું.

        ૬૦ દિવસનાં આ ફોનિક સંપર્કમાં બંને વચ્ચે અનેક વખત અપ-ડાઉન્સ આવ્યા. પસંદ-નાપસંદથી લઈ વિચારોનું મતમતાંતર. આમ છતાં લાગણીનાં કોઈક અગમ્ય તંતુથી બંને એકમેક સાથે જોડાતા ગયા. કુદરતે બીજા અગિયાર દિવસનું એક્સટેશન આપ્યું. બંનેની લાગણીઓ તીવ્રતમ ઉંચાઈને સ્પર્શી રહી હતી. આખરે ઈકોતેરમાં દિવસની શુભસવારે ડૉ. કેલ્વિન રેલ્વેમાં પસાર થઈ રહ્યા હતા ત્યારે ડૉ. કાંચીને રેલ્વે સ્ટેશન પર ટ્રેઈનમાં હોલ્ડટાઈમમાં મળવા માટે ઈજન આવ્યું.

        રેલ્વેસ્ટેશનની ભીડભાડ વચ્ચે બંને એકમેકને સેકન્ડની સોમી પળમાં ઓળખી ગયા. અને બંને વચ્ચે લાગણીનું ધસમસતું પૂર ઉમટ્યું. પાંચ મિનિટની અંદર જાણે જીવન આખાનું હેત માણી લીધું અને ફરી ટ્રેઈનની સિગ્નલ મળતાં ડો. કેલ્વિન એમની આગળની મુસાફરીએ નીકળી ગયા. બંને એ પોત-પોતાનાં પેરેન્ટસ આગળ પોતાનાં અનુરાગની વાત કરી.

        ‘FB પર પ્રેમ!? FB પર પ્રેમ!?’ બસ દરેકને આ પ્રશ્ન અકળાવી રહ્યો હતો.  બંને કુટુંબો વચ્ચે ધર્મથી લઈ, રહેણી-કરણી સુધીનાં અનેક મહાકાય ખીણો ભાસતી હતી. આમ છતાં ડૉ. કાંચી અને ડૉ. કેલ્વિન વચ્ચે લાગણીઓની હેલીઓ ધોધમાર વહી રહી હતી. થોડાં-ઘણા મતમતાંતર પછી બંનેનાં પેરેન્ટસ પણ  રાજી થઈ ગયા. ગામ આખું વિચારે ચડતું રહ્યું છેવટે આ બંને વચ્ચેનાં અનુરાગને સૌ કોઈએ કુદરતની કોઈ ‘અલૌકિક ઘટના’ તરીકે સ્વીકારી લીધી.

        ડૉ. કાંચી અને ડૉ. કેલ્વિન બંને પોત-પોતાનાં વધુ અભ્યાસ અર્થે એક-મેકને લાંબા ગાળા સુધી રૂબરૂ મળી શકે એમ નથી. ક્યાંય પણ કોઈ ફિઝિકલ એક્ટ્રેક્શન નથી. છતાં પણ દિન-પ્રતિદિન બંને વચ્ચે અનુરાગ ગાઢ બનતો જાય છે. ‘ગાંડાનાં ગામ અલગ ન હોય’ એવું બોલનારાંઓનાં મોં પણ સિવાય રહ્યા છે. પ્રેમને ભાષા નથી. પ્રેમને સ્થળ નથી. પ્રેમને કોઈ રંગ નથી. પ્રેમને કોઈ આકાર નથી. પ્રેમ એ તો ફક્ત નિરાકાર, નિરંજન સુંદર અનુભૂતિ છે એવું સૌ કોઈ જોનારાઓએ ખુલ્લેઆમ સ્વીકારી લીધું છે. બંનેનાં પ્રેમ પર તમામ સ્નેહીઓ તરફથી શુભેચ્છાઓની વર્ષા વરસી રહી છે.

        ડૉ. કાંચી અને ડૉ. કેલ્વિન જોજનો દૂર રહી ને પણ બંને એકબીજા માટે પોત-પોતાનાં ઈષ્ટને સવાર-સાંજ પ્રાર્થી રહ્યા છે. જોજનો દૂર રહીને એકબીજાની તકલીફો સમજે છે. એક-મેકને ટેકો આપે છે. હિંમતની સાથે સાથે સૂઝ અને સમજણ પણ આપી રહ્યા છે. બંને એક-બીજાની મુશ્કેલીઓનો માર્ગ કાઢે છે. બંને બેખબર છે ક્યારે ભેળાશો? છતાં પણ સવારે ઉઠાડવાથી લઈ રાતે સૂતા સુધીનાં દરેક તબક્કાઓ બંને ફોન પર સાથે જીવે છે, સાથે માણે છે, સાથે પ્રમાણે છે.

        કોણે કહ્યું ફક્ત રાધા-ક્રિષ્નાનો પ્રેમ જ અમર પ્રેમ છે! ફક્ત ક્રિષ્ના-મીરાંનો પ્રેમ જ અદભૂત પ્રેમ છે. ફક્ત હીર-રાંઝા જ  એકમેક માટે સર્જાયા હતા! કાંચી અને કેલ્વિનનાં પ્રેમ એ પણ સાબિત કરી દીધું કે પ્રેમ એ માત્ર આકર્ષણ નથી, પ્રેમ એ માત્ર એટેચમેન્ટ નથી. પણ પ્રેમ એ સાવ નોખી-અનોખી અનુભૂતિ છે. પ્રેમ એ માત્ર શારીરિક કે માનસિક જ ન હોય. પ્રેમ એ હ્રદયથી હ્રદયનું મિલન છે. પ્રેમ એ અનરાધાર વહેતી લાગણીઓની અનંત યાત્રા છે. પ્રેમ એ બ્રહ્માંડથી પણ પર... ભાવવિશ્વનું ઝુમખું છે, પ્રેમ એ શ્વાસ અને ઉચ્છવાસનો સમન્વય છે. આત્મા અને પરમાત્મા વચ્ચેનો લય-તાલ છે.

        આ અદભુત જોડી ડૉ. કાંચી અને ડૉ. કેલ્વિને એક-મેકથી દૂર, એક-મેકમાં શ્રદ્ધા અને વિશ્વાસનાં ટેકે-ટેકે- વિના કોઈ આયાસે-પ્રયાસે, બંને એ એકબીજા સાથે જીવ્યા, માણ્યા, પ્રમાણ્યા વિના જ એક્મેકને ‘સપ્તમેવ સખાવત્’ નો કોલ આપી દીધો- કોઈપણ દસ્તાવેજ વિના....

        ફોનનાં દસનંબર થકી પાંગરેલ અને ટકેલ આ પ્રેમ- લાગણીઓનાં તંતુઓ દ્વારા કેવો અજોડ બંધાયેલ છે, ચણાયેલ છે અને નિભાવી રહેલ છે. જોનારાઓ સૌ કોઈ મૂકપ્રેક્ષક બની વિચારી રહ્યા છે- “આ અલૌકિક પ્રેમનું શું નામ હોઈ શકે- ડિજીટલ પ્રેમ!!”


Rate this content
Log in