Nayanaben Shah

Others

4  

Nayanaben Shah

Others

ડાંગે માર્યા

ડાંગે માર્યા

6 mins
30


"કૂતરૂ બચકુ ભરે તો સામે બચકુ ના ભરાય" શેષા એકીશ્વાસે બોલી ઊઠી.

"શેષા જો, મનુષ્ય કૂતરાને બચકુ ભરે તો એ સમાચાર હું છાપામાં પહેલાં પાને છાપીશ. એ તો બહુ મોટા સમાચાર કહેવાય એવું મારો પત્રકારક જીવ માને છે. "કહેતાં શિવાંગ હસી પડ્યો.

"જો શિવાંગ તું દરેક વાત હસવામાં કાઢે છે એ મને નથી ગમતું. "

"એ કહેવત બહુ જુની છે. જો કે અહીં અમેરિકામાં બધાને એ કહેવત ખબર નહીં હોય. તું તો ભાઈભાઈ વચ્ચે જે પ્રેમની વાતો કરે છે તો તને "લેડી મુરારિબાપુ" કહેવાનું મન થાય છે."

શ્રી મુરારિબાપુ જેવા પવિત્ર માણસની સરખામણી મારા જેવી તુચ્છ વ્યક્તિ સાથે ના કરો. તમે એકવાર એમને સાંભળો તમારા હૃદયનું પરિવર્તન થઈ જશે. તમે પણ રામ,લક્ષમણ 

ભરત અને શત્રુઘ્ન વચ્ચે જેવો પ્રેમ છે એવા તમારા વિચારો થશે એ બધુ સાંભળીને તમે અભિભૂત થઈ જશો. "

"તું સાંભળ, હું મારા કામે જઉં છું. મારી પાસે આવુ બધુ ફાલતુ વિચારવાનો સમય નથી. તું કહેતી હોય તો બીજી બે ચાર ધાર્મિક ચેનલો લઈ આપુ. તું રાતદિવસ જોયા કરજે મને કંઈ જ વાંધો નથી. "

"મને ખબર છે કે આપણા દીકરા વિનીતને તેં તારા રંગમાં રંગ્યો છે. ઠીક છે દરેકની પોતાની માન્યતા. તમે બંને ખુશ તો હું પણ ખુશ.

આપણુ કુટુંબ હંમેશા ખુશ રહે એથી વધારે મારે શું જોઈએ ?"

શેષા ભૂતકાળમાં ખોવાઈ ગઈ. એ વિચારતી હતી કે કુટુંબ એટલે માત્ર પતિ,પત્ની ને બાળકો જ. શું એમાં ભાઈઓ બહેનોનો સમાવેશ ના થાય ! એ લગ્ન કરીને આવી ત્યારે પતિનો ટૂંકો પગાર. બચતના નામે મીંડુ. બંને નણંદો નોકરી કરતી હતી. પણ પૈસાનો મોહ ભલભલાને ચલિત કરી દે. બંને નણંદોને દુબઈથી આવતો ભાઈ તથા ભાભી પુષ્કળ ભેટો આપે ત્યારે એ તેની ભેટોથી સંતુષ્ટ થઈ જતી. જો કે સાથેસાથે મોટાભાઈને વહાલા થવા માટે નાનાભાઈ ભાભી વિરૂધ્ધ ઢગલો ફરિયાદો કરતી. પરિણામ સ્વરૂપ બંને ભાઈઓ વચ્ચે અંતર વધતું જ ગયું.

એક દિવસ શિવાંગને રજા મળે એવું ન હતું અને એની મમ્મીને દવાખાને લઈ જવાની હતી. તેથી દીકરી નોકરીમાંથી રજા લઈ મમ્મીને દવાખાને લઈ ગઈ. બીજા જ દિવસે મોટાભાઈનું દુબઈથી આગમન થતાં જ બહેને કહ્યું,"શિવાંગને મમ્મીની દવાના પૈસા આપવા ના પડે એટલે બહાનું કાઢે છે કે રજા નથી. એની પત્ની બિમારીના બહાના હેઠળ એના મોસાળ જતી રહી છે. મમ્મીને ઘણો ત્રાસ આપે છે. એ સૂઈ રહે છે અને મમ્મી જ બધુ કામ કરે છે. "

"સારૂ આ બાબતે હું શિંવાગ જોડે વાત કરીને એને સીધો કરી દઈશ. "

જ્યારે મોટાભાઈએ શિવાંગ જોડે વાત કરી ત્યારે શિવાંગે કહ્યું,"મોટાભાઈ,આ બંને મોટી બહેનોને નણંદગીરી કરવાની ટેવ પડી ગઈ છે. રાતદિવસ બંને જણાં મમ્મીને ચડાવે રાખે છે. બંને જણાં નોકરી કરે છે. હજુ સુધી એમના લગ્નનો મેળ પડતો નથી એટલે અમને સતત હેરાન કર્યા કરે છે. "

"શિવાંગ,તારી જીભ ઘણી લાંબી થઈ ગઈ છે. તું તારી જાતને શું સમજે છે. ? તું દસ વર્ષ નો જ હતો ને પપ્પાનું અવસાન થતા મેં તને ભણાવ્યો. નોકરીએ લગાડ્યો. મારી ઈચ્છા તમને બધાને છોડીને દુબઈ જવાની ન હતી. પરંતુ તમારી બધાની જવાબદારીને કારણે મારે જવું પડ્યું."

"મોટાભાઈ,તમે જાતે જ જવાબદારી ઉઠાવી હતી. આજે એ બધા ઉપકારો યાદ કરાવીને તમે મને ખોટી રીતે દબાવવા કોશિષ ના કરો. તમે બંને પક્ષને સાંભળો પછી બોલો. તમે બાપની જગ્યાએ છો તો બંને બહેનોને પણ સલાહ આપો. "

"શું બોલ્યો ? મારી સામે બોલે છે ?"કહેતાં જ બાજુમાં પડેલી લાકડી લઈ શિવાંગને મારવા માંડ્યો.

શિવાંગ ત્યારબાદ ઘર છોડીને જતો રહ્યો. આમ પણ એના સાસરીપક્ષના બધા અમેરિકા હતાં અને શેષા તથા શિવાંગની ફાઈલ મૂકી જ હતી. બીજા મહિને જ શિવાંગ તથા શેષાને અમેરિકાના વિઝા મળી ગયા અને બંને જણાં અમેરિકા જતા રહ્યાં.

અમેરિકા ગયા પછી વિનીતનો જન્મ થયો.

બંને બહુ જ ખુશ હતાં. શેષાના પિયરિયાં તો ખુશ હતાં પણ શેષાના મનમાં સતત એવું રહ્યા કરતું કે સાસરીમાં બધા જોડે સંબંધ તૂટી ગયો છે. મારા દીકરાને બા, કાકા, કાકી. ફોઈ કે કાકાની દીકરીઓનો પ્રેમ તો નહીં જ મળે. ગમે તેમ તો પણ પોતાના એ પોતાના.

પણ શિવાંગ કહેતો,"હું તારી બધી ઈચ્છા પુરી કરીશ. પણ એ લોકોનું નામ ના લઈશ. જો તું મને ખુશ જોવા માંગતી હોય તો."

પરંતુ શેષા શિવાંગના માસીના દીકરા મારફતે મોટાભાઈની બધી ખબર રાખતી. એક વાર એને સમાચાર મળ્યા કે મોટાભાઈની દીકરી ભણવા માટે અમેરિકા આવી છે. ત્યારે શેષાએ કહ્યું,"તમે મોટાભાઈનેે સંદેશો આપો કે એમની દીકરીને કંઈ પણ કામ હોય તો મારે ત્યાં આવે. મારે આમ પણ દીકરી નથી જો એ મારે ત્યાં આવશે તો મને દીકરી મળ્યાનો આનંદ થશે અને મારા દીકરાને મોટીબહેન મળશે."

શેષાએ જો કે સાચા દિલથી પ્રાર્થના કરી હશે કે એક દિવસ એમને ખબર પડી કે એમની દીકરી ડોલી બહુ જ બિમાર છે. અમેરિકામાં એ એકલી જ હતી. એ જ્યાં રહેતાં હતાં ત્યાંથી પ્લેનમાં બે કલાકનો જ રસ્તો હતો. શેષા અમેરિકામાં નોકરી કરતી હતી. એ રજા લઈ વિનીતને લઈને મોટાભાઈની દીકરીને લઈને પાછી આવી. ડોલી પણ આનાકાની કર્યા વગર કાકી જોડે જવા તૈયાર થઈ ગઈ. આમ પણ એને ઘર ઘણું યાદ આવતુ હતુંં. માણસ જ્યાં પ્રેમ જુએ એ બાજુ વળી જાય. એમાંય બિમારીમાં તો ખાસ.

શેષાએ જતાં પહેલાં શિવાંગને ફોન કરીને કહી દીધુ હતુંં કે," હું ડોલીને લેવા જઉં છું. તમે જ કહેતાં હતાં કે મોટાભાઈ એ મને દીકરાની જેમ રાખ્યો છે. તો આજે તમે પણ એ ઉપકારનો બદલો વાળવાની તક ચૂકતા નહીં. "

"ભલે,તને યોગ્ય લાગે તેમ કર. મને ડોલી સામે કંઈ જ વાંધો નથી. ભલે,આપણે ત્યાં રહે."

ત્યારબાદ શેષાએ જ મોટાભાઈ સાથે વાત કરી,"મોટાભાઈ,તમે ડોલીની સહેજ પણ ચિંતા ના કરતાં. વિનીત પણ ખુશ છે. બંને ભાઈબહેનોની વાતો ખૂટતી જ નથી. "

"શેષા,કાલે રાત્રે ડોલીનો ફોન આવેલો એને તારા વિષે મને વાત કરી. મને હવે ડોલીની ચિંતા નથી. આપણે એકબીજાથી એકદમ અપરિચિત હતા. ખરેખર સાંભળેલી વાતો કરતાં અનુભવે જ સ્વભાવનો ખ્યાલ આવે. "

ડોલી સાજી થઈ પાછી જતી રહી. જોકે ત્યારબાદ શેષા મોટાભાઈ ભાભી જોડે વાતો કરતી પણ શિવાંગ કેમ છે ? સારૂ છે થી વધુ વાતો કરતો નહીં. શેષાને થતું કે શિવાંગ ખોટુ કરે છે પણ એ સંતોષ એ વાતે માનતી હતી કે બંને ભાઈ આટલું તો બોલતાં થયા. ભવિષ્યમાં વધુ બોલશે. મોટાભાઈએ લાકડીથી ભલે માર્યો એ બાપની જગ્યાએ હતા. એટલે એમને હક હતો. લાકડીના ઘા તો રૂઝાઈ જાય. એમના વર્તનમાં તો છલોછલ પ્રેમ જ હતો. એમને ફરજ બજાવી હતી એટલે જ એ કહેતાં હશે કે હવે તું મમ્મી તરફની ફરજ બજાવ."

દિવસો વિતતા હતા. એવામાં જ મોટાભાઈની દીકરી જે લંડનમાંં પરણી હતી એની તબિયત બગડતાં ભાભીને ત્યાં જવું પડયું. હવે દુબઈમાં મોટાભાઈ એકલા હતાં. એ દરમ્યાન મોટાભાઈની તબિયત બગડી. એમને દવાખાને દાખલ કરવા પડ્યા. લંડનથી એમના પત્ની પાછા આવી શકે એમ ન હતુંં. નાની દીકરી બિમારીમાં ઘણી રજાઓ લઈ ચૂકી હતી. એ પણ દુબઈ જઈ શકે એમ ન હતી. તેથી તો શેષાએ કહ્યું, "શિવાંગ,તમે પાછલી વાતો યાદ કરો કે ભાઈએ તમારા તરફ કેટલો પ્રેમ રાખ્યો હતો. એક બનાવ બાદ તમને અઢળક પ્રેમ આપ્યો છે. ગુસ્સો દરેક વ્યક્તિને વત્તાઓછા પ્રમાણમાં આવતો જ હોય. તમે ભૂતકાળ યાદ કરો. ડોલીની જીભ પર પણ આખોદિવસ આપણા જ નામ આવતા હોય છે. અહીંથી ગયાબાદ પણ તમે એની જોડે નિયમીત વાત કરો છો એ મને ખબર છે. તમે દુબઈ મોટાભાઈ પાસે જાવ. મોટાભાઈને અત્યારે તમારી જરૂર છે."

જો કે આ સાંભળતાં જ શિવાંગની આંખોમાં આંસુ આવી ગયા. "શેષા, સાચુ કહું તો હું પણ મોટાભાઈને પુષ્કળ પ્રેમ કરૂ છું પણ મને થાય કે મોટાભાઈ પહેલાં મારી જોડે બોલે.

એની પાછળ મારો અહમ્ હતો. "હું બે દિવસ પછી દુબઈ પહોંચી જઈશ. યોગાનુયોગ અમારા અબોલાને પણ ચૌદ વર્ષ થશે."

બે દિવસબાદ શિવાંગ દુબઈ પહોંચ્યો તે દિવસ પણ રામનવમી હતો. મોટાભાઈ ઘરે આવી ગયા હતા. શિવાંગ મોટાભાઈને ઘેર પહોંચ્યો ત્યારે મોટાભાઈએ જ બારણું ખોલ્યું કે તરત શિવાંગ મોટાભાઈને પગે લાગ્યો. મોટાભાઈએ શિવાંગને ઉઠાડીને હૃદયસરસો લગાવી ભેટી પડ્યા. એ એટલું જ બોલી શક્યા, શિ વાં ગ. . . . મારો ભાઈ."

શિવાંગ પણ બોલી ઊઠ્યો,"મો ટા ભા ઈ. . "

બંને ભાઈઓની આંખોમાંથી હર્ષના આંસુ વહી રહ્યા હતાં.

થોડીવારે બંને સ્વસ્થ થયા ત્યારે મોટાભાઈ બોલ્યા,"શિવાંગ, ચૌદ વર્ષ બાદ આપણે મળ્યા." મેં નીકળતી વખતે શેષાને આજ વાત કહી હતી" યોગાનુયોગ આજે રામનવમી પણ છે. "

"હા,મોટાભાઈ રામ ને ભરતનો મિલાપ ઈશ્વરે જ કરાવ્યો છે."બંને જણાં ક્યાંય સુધી વાતો કરતાં રહ્યા અને એકબીજાના પ્રેમમાં ભીંજાતા રહ્યા.

શેષાને જ્યારે શિવાંગે ફોન કર્યો અને મોટાભાઈ સાથેની બધી પ્રેમની વાતો કહી ત્યારે શેષાએ કહ્યું, "આજે ખરા અર્થમાં આપણું કુુટુંબ પૂર્ણ થયું. અને શિવાંગ એક વાત યાદ રાખ કે " બ્લડ ઇઝ થીકર ધેન વોટર. મને ખબર હતી કે, "ડાંગે માર્યા પાણી કદી જુદા ના થાય."


Rate this content
Log in