ચોરસિયું
ચોરસિયું
રંગો અંદરથી ગભરાયેલો રહેતો. માને જો કાંઈ પણ કહેવા જાય તો બે લાફા ખાવાની તૈયારી રાખવાની, તે જાણતો હતો. પિતાને જો કાંઈ કહેવું હોય કે માગવું હોય તો નીચી મુંડી કરી ઊભો રહેતો. નાનો ભાઈ નસીબદાર હતો કશું સમજે નહીં. આવતી કાલે ઉતરાણ હતી. નસીબ સારાં કે શનિવાર હતો. શાળામાં રજા હતી. બધાં મિત્રો અગાસી પર જઈ ઉંધિયું અને જલેબીની મોજ માણવાના હતાં. નહીં નાનો નહીં મોટો એવો રંગો બાર વર્ષનું તરવરાટ ભર્યું બાળક પિતા પાસે કેવી રીતે પતંગ અને માંજાના પૈસા માગે? એક જોડકણું બનાવી ગુનગુનાવા લાગ્યો.
ચાર ખૂણાનું ચોરસિયું આભમાં ઊડતું જણાય
ડાબે જાય જમણે જાય વાયરા સંગે લહેરાય
રંગાને શુક્રવાર સાંજથી આ બે પંક્તિ ગાતો પિતાએ સાંભળ્યો. આવી કટોકટીના હાલમાં પણ તેમનું મુખ મલકી ઉઠ્યું. બન્ને બાળકો તેમના હતાં. પત્નીની જીદ પાસે હારી ગયા હતાં. કઈ રીતે તેને સમજાવવી તેની મીઠી મુંઝવણ હતી. સ્ત્રી હઠની આગળ બધાં હથિયાર હેઠાં પડે! રંગો શાળાએથી આવી ગયો હતો. પિતા તેમનું માથું દુખતું હતું એટલે ઓફિસ બંધ કરી, દવા લઈ ઘરે આવ્યા હતાં. નાનકાને શાળાએથી મમ્મી લઈને આવવાની હતી.
‘રંગા અંહી આવ’.
રંગાને સમજ ન પડી, એકીટશે પિતાની સમક્ષ જોઈ રહ્યો.
‘અરે, બેટા તને બોલાવું છું. લે આ સો રૂપિયા કાલે ઉતરાણ છે, માંજો અને પતંગ લાવવા માટે.’
રંગાને પોતાના કાન પર વિશ્વાસ ન બેઠો. ગભરાતો પિતાની પાસે આવી ઊભો રહ્યો.
‘હા, લે બેટા શા માટે ગભરાય છે?’
‘મમ્મી?’
‘તે તને નહી વઢે, હું છું ને.’
પિતાના હાથમાંથી છીનવી ભાગ્યો. તેને થયું પિતા વિચાર બદલે એ પહેલાં દોડીને નીચે, નામદેવની દુકાનેથી બધું ખરીદી લાવું. રોજ શાળાએથી આવતાં તેમની દુકાન પાસે દસ મિનિટ ઊભો રહેતો અને રંગબેરંગી પતંગો જોતો. તેને ખબર હતી પૈસાની તેના ઘરમાં કોઈ કમી નથી. છતાં માતા અને પિતા શા માટે ઝઘડે છે. તે હંમેશા ડર્યો ડર્યો રહેતો. રાતના સમયે મંગાને વળગી સૂઈ જતો.
રોમા શાળામાં તેની બાજુમાં બેસતી. તેને મમ્મી અને પપ્પા સાથે ગાડીમાં શાળાએ મૂકવા આવતાં. ત્યારે એ દિવા સ્વપનામાં ખોવાઈ જતો. તેને હંમેશા ડ્રાઈવર ગનુ શાળામાં છોડવા આવતો. આજે એ બધું ભૂલી હરખાતો પતંગ અને માંજો લઈને આવતો હતો, ત્યાં લિફ્ટમાં મમ્મી મળી. રંગાનું મુખ સફેદ પૂણી જેવું થઈ ગયું. ઘરમાં આવતાંની સાથે મમ્મીએ એક જોરદાર તમાચો માર્યો.
‘પૈસાની ચોરી કરી આ બધું લાવ્યો?’
રંગો એવો ભયભીત હતો કે જવાબ આપવાને બદલે તેનું પેન્ટ ભીનું થઈ ગયું. પૂતળાની માફક ઊભો રહી ગયો. અવાજ સાંભળીને પિતાજી રૂમમાંથી બહાર આવ્યા. બીજો લાફો પડે તે પહેલાં રંગાની વહારે ધાયા.
‘મેં તેને પૈસા આપ્યા હતા.’
મમ્મીનો હાથ હવામાં સ્થિર થઈ ગયો. સીધી નાનાને લઈ પોતાના રૂમમાં જતી રહી. કાંઈ પણ બોલવાના હોશ તેનામાં ન હતાં.
ગભરાયેલો રંગો પતંગની કિન્ના બાંધવી કે શું કરવું તેની ગડમથલમાં હતો. પિતાએ વહાલથી કહ્યું, ‘જા બેટા કપડાં બદલી આવ. હું તને કિન્ના બાંધવામાં મદદ કરીશ.’
રંગો, નાનું બાળક બધું ભૂલી બાથરૂમમાં જઈ કપડાં બદલીને આવ્યો. કુમળા છોડ જેવા બાળક પર અત્યાચાર થાય તો પણ તેઓ ફરીને ખીલી ઊઠે. આ તો મોટાં થયાને એટલે હંમેશા કાગનો વાઘ કરવાની માનવમાં આવડત હોય છે.
ઈર્ષ્યા, વેર, ઝેર, અદેખાઈ, ઉધ્ધતાઈ અને અહંકાર માનવના હૃદયમાં પ્રવેશી જીવનને ખોખલું બનાવે છે. સમઝણ, ઉદારતા, સંતોષ અને સહનશીલતા પાછાં પગે દિલમાંથી વિદાય લે છે. જીવનને રળિયામણું બનાવવાને બદલે તેમાં ઝેર પ્રસરાવે છે. જ્યારે આંખ ખૂલે ત્યારે મોડું થઈ જાય છે. જેટલું જલ્દી સમજીએ તેમાં સહુનું ભલું છે. નાના બાળકો ક્યારે મોટાં થઈ ઊડી જશે તેનો વિચાર નથી કરતાં.
મંગાને લઈને મમ્મી રાતના બહાર જ ન આવી. રંગો પપ્પા સાથે સવારની તૈયારીમાં પડ્યો હતો. તેના પેટમાં બિલાડાં બોલતા હતાં. પપ્પાએ ફ્રીજમાંથી બ્રેડ કાઢી સરસ મજાની ‘ગ્રીલ ચીઝ સેન્ડવિચ’ બનાવી. ચોકલેટ મિલ્કનો મોટો ગ્લાસ પણ પીધો.
રંગાના મિત્રની મમ્મી સવારથી અગાસી પર આવી હતી. રંગા સાથે પપ્પા આવ્યા. પપ્પા આજે રંગાને થતો આનંદ જોઈ ખૂબ ખુશ થયા. રંગો ખરેખર પતંગ ચગાવવામાં અને પેચ કાપવામાં ખૂબ હોંશિયાર સાબિત થયો. તેને ક્યારે માંજાની ઢીલ છોડવી અને ક્યારે માંજો ખેંચી પેચ કાપવો તેનું ભાન હતું. પપ્પાને ખૂબ નવાઈ લાગી આવડો અંગુઠા જેવડો દીકરો આટલો બધો હોંશિયાર છે.
તેમનું મન ચગડોળે ચડ્યું. આવા સુંદર બે દીકરા છે. શા માટે ઘરમાંથી કલહ વિદાય થતો નથી. કોઈ પણ કારણસર વિખવાદ ઊભો થાય તો એક જણે નમતું મૂકવું પડે. પ્યાર હોય ત્યાં કશું અસંભવ નથી. પતિ અને પત્નીની વચ્ચે જો ‘અહં’ ટકરાય તો જીવન અસહ્ય બની જાય. શિક્ષણની લાજ જાય. વિદ્યા બદનામ થાય. મારે હવે સમજીને ચાલવું પડશે, બે બાળકોની માતા, મારી પત્ની હું તેને ખરા હૃદયથી ચાહું છું. એ વર્તન દ્વારા પૂરવાર કરવું પડશે.
કોને ખબર અંતરની શુદ્ધ ભાવના મંગાની મમ્મી સુધી પહોંચી ગઈ. મંગાને લઈને અગાસી પર આવી. રંગાનું ધ્યાન ન હતું. મારા હાથમાં ફિરકી હતી, ધીરેથી લઈ લીધી. મંગો મને સોંપીને તેણે રંગાને મદદ કરી. રંગાનો પતંગ સડસડાટ આકાશમાં ઉંચે ચડતો હતો. મા ખુશ થઈ.
અચાનક,’ પપ્પા ફિરકીમાં માંજો છે કે ખલાસ થઈ ગયો.’ કહી રંગાએ પાછળ જોયું. મમ્મીને જોઈ તેના હાથમાંથી પતંગની દોરી સરકી ગઈ. મુખ પર હાસ્યની રેખા અંકિત થઈ ગઈ.
ચોરસિયું ઝૂમી ઉઠ્યું અને ગોથા ખાવા લાગ્યું.
