STORYMIRROR

'Sagar' Ramolia

Children Stories Inspirational

4  

'Sagar' Ramolia

Children Stories Inspirational

ચકલી બની ચાલાક

ચકલી બની ચાલાક

2 mins
512

એક ચકલી હતી. તેની પડોશમાં એક કાગડો રહે. ચકલી ભલી-ભોળી, પણ કાગડો બહુ લુચ્ચો. ચકલી તો કોઈ પડોસી પક્ષી મુસીબતમાં હોય તો પોતાનાથી બનતી મદદ કરે, જ્યારે કાગડો તો લુચ્ચાઈમાંથી જ ઊંચો ન આવે. કોઈ પક્ષી આનંદથી રહેતું હોય તો તેને હેરાન કરવામાં કાગડાને ખૂબ મજા આવે. એટલે કાગડાથી બધાં દૂર રહેવાનું જ પસંદ કરતાં.

ચકલીએ એક ખેતર રાખ્યું. શિયાળાની ઋતુમાં ચકલીએ તો ખેતરમાં ઘઉં વાવ્યા. ઘઉંનું ખૂબ ધ્યાન રાખે. સ્વભાવમાં જ મહેનત ઊતરી આવેલને ! તેથી ખેતરમાં ખૂબ મહેનત કરે. ખેતરમાં વધારાનું નીંદણ તો રહેવા જ ન દે ! કાગડાને ચકલીના ખેતરની જ્યારે ખબર પડી ત્યારે તે ઈર્ષાની આગથી બળવા લાગ્યો. એક નાનકડી ચકલી આટલું બધું કામ કરે અને ઘઉંનું વાવેતર કરીને પક્ષીની નાતમાં નામના મેળવી જાય એ આ કાગડાથી કેમ સહન થાય ? કાગડો તો ચકલીની મહેનતને નકામી કરવાના ઉપાયો વિચારવા લાગ્યો.

કાગડો ચકલીના ઘઉં પાકવાની વાટ જોવા લાગ્યો. જ્યારે ઘઉં પાકયા ત્યારે કાગડો ચકલી પાસે ગયો. કાગડાએ ચકલીને કહ્યું, ‘‘ચકલીબેન, ચકલીબેન! આફ્રિકાના જંગલમાં આપણી પક્ષીજાતિની એક મીટિંગ ભરાવાની છે. આપણા જંગલના પ્રતિનિધિ તરીકે તમે ત્યાં જાવ એવી અમારી ઈચ્છા છે.’’ ચકલી કહે, ‘‘મારા ખેતરમાં ઘઉં પાકી ગયા છે. તે મારે તૈયાર કરવાના છે. તો મારે કેમ જાવું ?’’ કાગડો કહે, ‘‘તમે ખેતરની ચિંતા ન કરો ! તમારા ખેતરનું ધ્યાન રાખવાવાળો હું તમારો પડોસી બેઠો છું ને!’’

ચકલી તો કાગડા ઉપર વિશ્વાસ રાખીને આફ્રિકાના જંગલમાં જવા નીકળી. આ બાજુ કાગડાએ રાતે ચકલીના ખેતરમાંથી બધા ઘઉં કાપી લીધા. તેણે તે ઘઉં તૈયાર કરીને સંતાડી દીધા. ચકલી આફ્રિકાના જંગલમાં પહોંચી તો ત્યાં કોઈ મીટિંગ હતી નહીં. તે જાણી ગઈ કે કાગડાની આ ચાલ છે. તે તો તરત જ પાછી આવવા નીકળી ગઈ. આવીને તરત ખેતર જોવા ગઈ. ખેતરમાં ઘઉં ન જોતા તે ગુસ્સે થઈને કાગડા પાસે પહોંચી. કાગડો તો બીમાર હોવાનું નાટક કરીને ઊંઘતો હતો. ચકલીને આવેલી જોઈને તે બોલ્યો, ‘‘આવો, આવો ચકલીબેન! કેવી રહી મીટિંગ ? હું તો બીમાર પડી ગયો એટલે તમારા ખેતરનું ધ્યાન પણ ન રાખી શકયો. ખેતરે જઈને જોઈ આવજો કે ખેતર બરાબર તો છે ને !’’ ચકલી કાગડાની બનાવટ જાણી ગઈ. તે બોલી, ‘‘કાગડાભાઈ! મારા ખેતરની વાત પછી ! પેલા તો તમારી બીમારીનો ઈલાજ થવો જોઈએ. હું કોઈ દાકતરની તપાસ કરું છું.’’ ચકલી તો પહોંચી ગરૂડ પાસે. ગરૂડને બધી વાત કરી. ગરૂડ ચકલીને ન્યાય અપાવવા તૈયાર થયો. ગરૂડે કાગડા પાસે જઈને કાગડાને ભીંસમાં લીધો. ગરૂડ કહે, ‘‘હમણાં તમારી બીમારી દૂર કરું છું.’’ એમ કહીને કાગડાને ચાંચ મારી, બીજી વખત તે પ્રમાણે બોલીને ચાંચ મારી, ત્રીજી વખત ચાંચ મારી. કાગડો હવે ગરૂડની ચાંચનો માર સહન કરી શકયો નહીં. તેણે પોતાની ચોરી કબૂલ કરી લીધી અને ચકલીના ઘઉં પાછા આપી દીધા.

જતાં જતાં ગરૂડ કહે છે , ‘‘જેવા સાથે તેવા બનીએ, ચોરી જલદી પકડીએ.’’ 


Rate this content
Log in