Win cash rewards worth Rs.45,000. Participate in "A Writing Contest with a TWIST".
Win cash rewards worth Rs.45,000. Participate in "A Writing Contest with a TWIST".

Shashikant Naik

Others


3  

Shashikant Naik

Others


છપ્પર ફાડકે

છપ્પર ફાડકે

3 mins 216 3 mins 216

આપણે આ શબ્દો વારંવાર સાંભળીએ છીએ. આખું વાક્ય છે 'ખુદા દેતા હૈ તો છપ્પર ફાડકે દેતા હૈ.' પણ શું ? જિંદગી કે મોત ? કદાચ બંને.

વાત ૧૪મી એપ્રિલ ૧૯૪૪ની છે. બીજું વિશ્વયુદ્ધ લગભગ સમાપ્તિને આરે હતું. તે સમયે કેનેડામાં બનેલું અને ૧૯૪૨માં રજીસ્ટર થયેલું 'ફોર્ટ સ્ટિફાઈન' નામનું ૮૦૦૦ ટન વજનનું એક વ્યાપારી જહાજ મુંબઈના વિક્ટોરિયા બંદરમાં લાંગર્યું હતું. હજુ એ ખાલી કરવાનું બાકી હતું. તેમાં ૧૩૯૫ ટન TNT (એક્સપ્લોઝિવ), એક ફાઈટર જેટ, ટોર્પિડો, માઈન્સ વગેરે તો હતા જ. ૩૧ બોક્સમાં ભરેલી ૮,૯૦,૦૦૦ પાઉન્ડ વજન ધરાવતી સોનાની પાટો ઉપરાંત ઓઈલ વગેરે પણ હતા. જહાજના નિયમો પ્રમાણે રૂ અને એક્સપ્લોઝિવ સાથે ભરી ના શકાય, છતાં જહાજના કેપ્ટન એલેક્ઝાન્ડર જેમ્સની નામરજી છતાં કરાચીથી મુંબઈ માટે ૮૭૦૦૦ રૂની ગાંસડીઓ પણ ભરવામાં આવી હતી, કારણ કે યુદ્ધ માટે રેલવે લાઈનો વ્યસ્ત હતી. જહાજના કાર્ગોની જે યાદી બનાવવામાં આવી હતી તેમાં સોનાનો ઉલ્લેખ નહોતો, એટલે એ છૂપાવીને લઈ જવાતી હતી એમ માની શકાય.

બપોરે ૨ વગે આ જહાજમાં એક જોરદાર ધડાકો થયો અને તે સળગી ઊઠ્યું. જહાજના કર્મચારીઓ તથા બંદર પરના માણસો અને ફાયર બ્રિગેડ એમાં લાગેલી આગ હોલાવવાનો પ્રયત્ન કરતા હતા. પણ થોડી વાર પછી લગભગ ૩-૫૦ વાગે આગ હોલાવવાના પ્રયત્નો પડતા મૂકી તરત વહાણ છોડી દેવાનો આદેશ કર્મચારીઓને અપાયો. આ આદેશનો અમલ થાય તે પહેલા ફક્ત ૧૬ મિનિટમાં જ બીજો જોરદાર ધડાકો થયો. કેપ્ટન સહીત ૩૦૦ જેટલા કર્મચારીઓમાંથી કોઈ બચી શક્યું નહિ. ધડાકાને કારણે જહાજમાં ભરેલી રૂની સળગતી ગાંસડીઓ અને ગરમીથી લાલચોળ થયેલી સોનાની પાટો તોપના ગોળાની જેમ હવામાં ફંગોળાઈ અને કિનારાના આસપાસના ઘરોમાં છાપરા તોડીને ઘરોમાં ઘૂસી ગઈ. સળગતી રૂની ગાંસડીઓ કિનારાના વિસ્તારની ઝુંપડીઓ ઉપર પડી અને લગભગ ૨ ચોરસ કિલોમીટરના વિસ્તારમાં આગનું તાંડવઃ રચાયું. કેટલાક ઘરોમાં સોનાની પાટો પણ પડી. તૂટેલા જહાજના ટૂકડાઓ પણ કિનારાના કેટલાક વિસ્તારોમાં ખાબક્યા

બંદરમાં આ જહાજની આસપાસ ઊભેલા ૧૬ જેટલા વિશાળકાય જહાજો સળગી ઊઠ્યા અને પછી જળસમાધિ લીધી, જેમાં ૩ જહાજ બ્રિટિશ રોયલ ઈન્ડિયન નેવીના પણ હતા. આ ઉપરાંત ૧૧ જહાજોને પણ ભારે નુકસાન થયું.

આ ધડાકો એટલો ભયંકર હતો કે બંદરથી ૮૦ કિમીની ત્રિજ્યામાં આવેલા વિસ્તારોમાં તેનો અવાજ સંભળાયો. ૧૭૦૦ કિમિ દૂર સિમલામાં આવેલી ભૂકંપમાંપક લેબોરેટરીમાં પણ તેનું કંપન અનુભવાયું.

આ ધડાકા તથા આગના કારણે થયેલા નુકસાનના આંકડા :

૧. મૃત્યુ : બંદર ઉપર કામ કરતા તથા ફાયર સર્વિસમાં સેવા આપતા ૨૩૧ કર્મચારીઓએ જીવ ગુમાવ્યા જેમાં ૬૬ ફાયર બ્રિગેડના હતા. કિનારે રહેતા આશરે ૫૦૦ લોકોએ જીવ ગુમાવ્યા. આમ કુલ ૮૦૦ લોકોએ જીવ ગુમાવ્યા. કેટલાક લોકોના મત અનુસાર મૃતકોનો કુલ આંકડો ૧૩૦૦ જેટલો હતો.

૨. માલસામાન : દરેક આશરે ૨૫ કિલો વજન ધરાવતી ૩૧ ખોખામાં ભરેલી ૧૨૪ સોનાની પાટો ક્યાં તો કિનારે ઊછળી અથવા દરિયામાં ડૂબી (જો કે તેમાંથી મોટા ભાગની પછીથી ધીરે ધીરે ભેગી કરી લેવાઈ). જહાજોમાં રહેલો આશરે ૫૦,૦૦૦ ટન જેટલો માલ નુકશાન પામ્યો. આ બનાવ પછી એ બંદરમાં વખતોવખત કરવમાં આવતા ડ્રેજીંગ (ભરાઈ જતી માટી ઉલેચવાનું કામ) દરમિયાન કોઈ ને કોઈ ચીજ મળતી રહી, જેમાં સોનાની પાટો પણ હતી. છેલ્લે ફેબ્રુઆરી ૨૦૧૧માં એક સોનાની પાટ તથા ઓક્ટોબર ૨૦૧૧માં ૪૫ કિલો વજન ધરાવતો એક જીવતો બૉમ્બ મળ્યો હતો.

સમાચાર : તે સમયે બીજું વિશ્વયુદ્ધ ચાલુ હતું. એટલે સમાચાર સંસ્થાઓ પર ભારે નિયંત્રણો હતા. આ વાત સૌથી પહેલા તે સમયે જાપાનના કબ્જા હેઠળના સાયગૉન રેડીઓએ ૧૫મી એપ્રિલ ૧૯૪૪ને રોજ જાહેર કરી (જાપાન બ્રિટન સામે લડતું હતું). જયારે આપણા દેશમાં પત્રકારોને આ સમાચાર પ્રસિદ્ધ કરવાની પરવાનગી મે, ૧૯૪૪ના બીજા અઠવાડિયામાં મળી. અમેરિકાના ટાઈમ્સ મેગેઝીને તો આ વાત છેક ૨૨મી મેના રોજ પ્રસિદ્ધ કરી. ભારતના સુધીશ ઘટક નામના એક ફિલ્મ નિર્માતાએ આ બનાવ પર એક ફિલ્મ બનાવી પણ તે સમયના લશ્કરી અધિકારીઓએ તે જપ્ત કરી લીધી. પાછળથી તેના કેટલાક અંશો ન્યૂઝરીલમાં ભારતના પ્રેક્ષકોને બતાવવામાં આવ્યા.

આ ધડાકાની યાદગીરી તરીકે તથા માર્યા ગયેલા ૬૬ ફાયરમેનોને શ્રદ્ધાંજલિ આપવા દર વર્ષે ૧૪થી ૨૧ એપ્રિલ દરમિયાન 'ફાયર સેફ્ટી વીક' ઉજવવામાં આવે છે.


Rate this content
Log in