ચાલો વાંચીએ
ચાલો વાંચીએ
"દાદાજી ! દાદાજી ! તમે જ કહ્યું હતુંને કે પુસ્તકો તો જ્ઞાનની પરબ કહેવાય. તો શું એની ચોરી કરાય ? આજે અમારી શાળાનાં વ્યાયામ શિક્ષકે અપુ, ટપુ, હેરી અને કાવ્યાને પ્રાર્થનાસભામાં પુસ્તકોની ચોરી કરવાં બદલ સો વખત ઉઠ બેસ અને પાંચ વખત દેડકો બનાવ્યાં બોલો !"
"અરે સોનુ ! શું વાત કરે છે ! તેઓએ પુસ્તકોની ચોરી કરી છે તેવી જાણ તમારાં વ્યાયામ શિક્ષકને કેવી રીતે થઈ ?"
"તેમનાં જ મિત્રોએ નાનકડી એવી વાતમાં તેઓ સાથે ઝગડો કર્યો અને પછી તેમની ચુગલી કરી !"
"સોનુ બેટા ! કોઈને પણ જે વસ્તુ સહજતાથી મળી શકતી નથી ત્યારે તે વ્યક્તિ તે વસ્તુની ચોરી કરવાં પ્રેરાય છે.
શાળા પુસ્તકાલયમાં રહેલાં પુસ્તકો શું તમને વાંચવાં મળે છે ?"
"ના દાદાજી ! પુસ્તકાલયના મોટાં મોટાં કબાટોમાં પુસ્તકો અકબંધ પડ્યાં છે. ખૂબ જ સુંદર અને રંગબેરંગી મુખપૃષ્ઠ જોઈને કોઈ પણનું મન તેનો સ્પર્શ કરવાં ઈચ્છે ! એટલે જ અમારી શાળાની ટારઝન ટોળકીએ ખેમુકાકાને સાથે રાખીને આ કાર્ય કર્યું. નવાઈની વાત તો એ છે દાદાજી કે વાંચીને પુસ્તકોને પાછાં તેનાં મૂળ સ્થાને મુકી દેવામાં આવ્યાં હતાં."
"તો પછી એ ચોરી થોડી કહેવાય ?
પુસ્તકો તો જ્ઞાનની પરબ છે ! જેમ બને તેમ વધુને વધુ બાળકો તે જ્ઞાનધારાનુ આચમન કરે તેતો સારું જ કહેવાયને ? હું કાલે જ તારી શાળાએ આવીશ !"
બીજે દિવસે સોનુનાં દાદાજી તેની સાથે શાળાએ ગયાં. માત્ર પુસ્તકો લેવા અને દેવાની જંજાળ ન કરવી પડે એટલે પુસ્તકાલયનો ચાર્જ જેને સોંપવામાં આવેલ એ વ્યાયામ શિક્ષક બાળકોને પુસતકોથી દુર રાખતાં અને આચાર્ય સાહેબને ખોટું કહેતાં કે બાળકો પુસ્તકોની ચોરી કરે છે !
દાદાજીએ આચાર્યશ્રીને પૂર્ણ સત્ય શું છે એ વાતથી વાકેફ કર્યા અને શાળામાં 'ચાલો વાંચીએ' નામનું અભિયાન ચાલુ કર્યું. આ અભિયાનમાં દરેક વિદ્યાર્થીઓ ઉત્સાહ ભેર જોડાયાં. સોનુ અને તેનાં દાદાજીનો બધાં બાળકોએ ખૂબ આભાર માન્યો.
એ અભિયાનને ગામનાં સરપંચશ્રીએ પણ વખાણ્યું અને ત્યારથી આજ પર્યંત કમાલપુર ગામમાં ઉનાળાનાં અને શિયાળાનાં એમ બેય વેકેશનમાં બાળકો માટે શાળા પુસ્તકાલય સવારનાં નવથી સાંજનાં છ વાગ્યા સુધી ખુલ્લું રાખવામાં આવે છે.
