'Sagar' Ramolia

Children Stories Others

4.9  

'Sagar' Ramolia

Children Stories Others

બૂરાનું કરે ભલું, તો બૂરું પણ ભલું બને

બૂરાનું કરે ભલું, તો બૂરું પણ ભલું બને

2 mins
610


એક દીપડો હતો. ખૂબ ક્રૂર, બહુ ઘાતકી, તદ્દન નિષ્ઠુર, સાવ હ્રદયહીન. તે પાછળથી હુમલો કરવામાં વધારે માને. નાનાં-નાનાં પ્રાણીઓને ખૂબ હેરાન કરે. જ્યારે ભૂખ લાગે ત્યારે ગમે તે નાના પ્રાણીને પકડીને પછાડે, એને તરફડતું જોવાનો આનંદ માણે, મારી નાખે અને પછી આરામથી ખાય. તેની આસપાસ ફરકવાની હિંમત પણ કોઈ ન કરે. દીપડાનો ત્રાસ જાણે, યમરાજા જોઈ લો !

આ દીપડો પાગલ બનીને જંગલમાં ફરે. નાના-નાના છોડ જેવી વનસ્પતિ તો તેને ધ્યાનમાં પણ ન આવે. કૂદકા મારે, ઘાસ ઉપર આળોટે, ગાંડોતૂર બનીને ફરે. જાણે મોતલીલા ભજવવાની તૈયારી કરતો હોય ! પછી અચાનક ભાગે અને જે હડફેટે ચડે એ પ્રાણીના રામ રમી જાય. આવી રીતે દીપડાએ જંગલમાં ભયનું વાતાવરણ ફેલાવી દીધું. દીપડો તો ખૂબ અભિમાની બની ગયો. વનના રાજા સિંહને પણ તે ગણકારે નહીં. તેનો દિવસ તોફાન-મસ્તી અને ક્રૂર રમત રમવામાં પસાર થાય.

એક દિવસ બધાં પ્રાણીઓ ખુશ થાય એવો બનાવ બન્યો. દીપડો જ્યારે મદમાં પાગલ બનીને કૂદાકૂદ કરતો હતો ત્યારે તેના એક પગમાં બાવળની શૂળ ભોંકાઈ ગઈ. દીપડાને તો ખૂબ પીડા થવા લાગી. તે પીડાથી પછડાટો ખાવા લાગ્યો. પ્રાણીઓને તો એમ કે તે રોજની જેમ આવી ક્રિયા કરે છે. પરંતુ જ્યારે પ્રાણીઓને શૂળ લાગવાની ખબર પડી ત્યારે તેઓ ખૂબ ખુશ થયાં. તેઓ બોલ્યાં, ‘‘બીજાંને હેરાન કરવાવાળો આજે ભલે હેરાન થાય !’’ દીપડાની આ પીડા જોઈ એક ચકલીથી ન રહેવાયું. તે દીપડા પાસે ગઈ. તે પોતાની ચાંચથી દીપડાના પગમાંથી શૂળ ખેંચવા લાગી. થોડીવારમાં શૂળ નીકળી ગઈ. દીપડાને શાંતિ થઈ. દીપડાના મનમાં વિચાર આવ્યો, ‘‘પ્રાણીઓ તો ખૂબ ખાધાં. આજે આ પક્ષીનો સ્વાદ સામે ચાલીને આવ્યો છે તો કેમ જવા દઉં ?’’ આમ વિચારી દીપડો બોલ્યો, ‘‘શાબાશ, દોસ્ત શાબાશ !’’ અને દીપડાએ શાબાશી દેવાના બહાને પોતાનો પગ ચકલી ઉપર મૂકીને ચકલીને મારી નાખી. તે ચકલીનું એક બચ્ચું ત્યાં હતું. તે બોલ્યું, ‘‘રાક્ષાસ ! તને પીડામાંથી ઉગારનારને તેં મારી નાખી !’’ ત્યારે દીપડો ખંધુ હસીને બોલ્યો, ‘‘મારવું એ જ મારું કામ છે !’’ અને તે ત્યાંથી ચાલ્યો ગયો.

થોડો સમય વીત્યો. ચકલીનું પેલું બચ્ચું તો મોટું થઈને હવે ચકલી બની ગયું. પેલા દીપડાનો ત્રાસ તો એવો ને એવો જ હતો. એક દિવસ ફરી તેના પગમાં બાવળની શૂળ લાગી. ખૂબ પીડા થવા લાગી. આ વખતે તો તેણે ધારી લીધેલ કે, ‘‘ગયા વખતે શૂળ કાઢી દેનાર ચકલીને મેં મારી નાખેલ. તેથી આ વખતે કોઈ મદદ કરવા નહીં આવે !’’ પરંતુ તેના આશ્ચર્યની વચ્ચે પેલી ચકલીની બચ્ચી ચકલી ત્યાં પહોંચી ગઈ અને દીપડાના પગમાંથી શૂળ કાઢી નાખી. ત્યારે દીપડાએ કહ્યું, ‘‘મેં તારી માને મારી નાખી હતી છતાં તેં મને પીડામાંથી ઉગાર્યો?’’ ત્યારે તે ચકલી બોલી, ‘‘તું દુષ્ટ છે, તેથી તું ખરાબ કામ કરે છે, જ્યારે બીજાને મદદરૂપ બનવું એ અમારું કામ છે. તેથી જીવના જોખમે પણ અમે મદદ કરીએ છીએ.’’

ચકલીની આવી વાત સાંભળીને દીપડાને ખૂબ પસ્તાવો થયો અને તેણે નક્કી કર્યું કે કદી કોઈ પ્રાણીને ખોટી રીતે ન મારવું.


Rate this content
Log in