'Sagar' Ramolia

Children Stories Classics

4.9  

'Sagar' Ramolia

Children Stories Classics

ભૂતની ચોટલી

ભૂતની ચોટલી

2 mins
627


એક નગરમાં માવજી નામે એક યુવાન રહે. શરીરે અલમસ્ત, પણ એક નંબરનો આળસુ. કોઈ કામ તેને ગમે જ નહિ. આખો દિવસ આંટાફેરી કર્યા કરે. માતા-પિતા ખૂબ સમજાવે. પણ માવજી તો સમજવા તૈયાર જ ન થાય.

એક વખત તેણે સાંભળ્યું કે, જો ભૂતની ચોટલી હાથમાં આવી જાય તો તે ગમે તેવાં કામ કરી દે. ત્યારથી માવજી તો ભૂતની ચોટલી મેળવવાના જ વિચાર કરવા લાગ્યો. તેણે એ પણ સાંભળ્યું હતું કે ભૂત સ્મશાનમાં રાત્રે જ જોવા મળે. માવજી તો દરરોજ રાત્રે હાથમાં કાતર લઈને સ્મશાને જાય. ત્યાં સંતાઈને ભૂત આવવાની વાટ જુએ. ઘણી રાતના ઉજાગરા થયા. પણ ભૂત તો કયારેય ન આવ્યું. તોયે માવજી ‘કયારેક તો ભૂત આવશે જ’ એમ વિચારીને દરરોજ રાત્રે સ્મશાને પહોંચી જાય.

એક રાત્રે માવજીને તપસ્યા ફળી હોય એવું લાગ્યું. સ્મશાનના રસ્તા ઉપર કોઈ ચાલ્યું આવતું હોય એવું લાગ્યું. માવજીએ જોયું તો તેની માથે ચોટલી પણ હતી. માવજી બોલ્યો, ‘‘નક્કી આ ભૂત જ છે. આજે તો ચોટલી લીધે પાડ.’’ તેને નજીક આવેલું જોઈને ફરી માવજી વિચારે છે, ‘‘આ ભૂત તો નાના બાળક જેવું લાગે છે. ભૂતે તો કપડાં પણ નથી પહેર્યાં. જેવું હોય તેવું. આપણે તો તેની પાસે કામ જ કરાવવું છે ને. પિતાજીને કહી દઈશ, બધું કામ હું રાતે જ કરી નાખીશ. તમારે કામ કરવાની જરૂર નથી. પછી કોઈ મને આળસુ નહિ કહે.’’ આમ વિચારતો માવજી ઊભો થયો. ધીમેથી પેલાની ચોટલી પકડી લીધી. ચોટલીને કાતરથી કાપી લીધી. પછી બોલ્યો, ‘‘તારી ચોટલી મારા હાથમાં આવી ગઈ છે. હવે તો હું કહું એમ તારે કરવું પડશે. ચાલ, મને ઉડાડીને ઘરે પહોંચાડ.’’ પેલું તો રડવા લાગ્યું. એટલે માવજી ઝાપટ મારીને તાડૂકયો, ‘‘રડવાનું બંધ કર. ચાલ, હું કહું છું તેમ કર.’’ પેલું તો વધારે રડવા લાગ્યું. માવજી વધારે મારતો ગયો. ત્યાં પાછળથી એક સ્ત્રીનો અવાજ આવ્યો, ‘‘એય, એ ભૂત નથી, મારો દીકરો છે."

સવારે પેલી સ્ત્રીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી. પોલીસ માવજીને પકડવા આવી. એક પોલીસ માવજીને કહે, ‘‘આ પૃથ્વી ઉપર હાલમાં તો કોઈ ભૂત નથી. સાચો ભૂત તો તું લાગશ. અને ફાંસીએ ચડ પછી ભૂત બનજે. તારા જેવા ભૂતની ચોટલી તો કાયમ અમારા હાથમાં રહે છે.’’ અને માવજીને લઈને પોલીસ ચાલી નીકળી.


Rate this content
Log in