'Sagar' Ramolia

Children Stories Inspirational

4.9  

'Sagar' Ramolia

Children Stories Inspirational

ભાઈ હોય, તો આવા

ભાઈ હોય, તો આવા

2 mins
554


ગરીબ પરિવારમાં જન્મેલા એક બાળકે ખૂબ મહેનત કરીને ભણવાની પરીક્ષાઓ પાસ કરવા લાગી. ઘણું જાતે પણ શીખી લીધું. પુસ્તક ન હોય તો બીજાનું માગીને શીખી લીધું. ઘરના લોકોને કંઈ તકલીફ પડવા ન દીધી. બધી પરીક્ષાઓમાં ગુણ પણ સારા મેળવ્યા. એટલે આગળ વધવાનું નક્કી તો કરી જ લીધું હતું. જ્યાં સુધી ભણાય ત્યાં સુધી ભણવું જ હતું. પરિવારની પરિસ્થિતિ ખર્ચ કરી શકે એવી નથી. એટલે યુવાનીના ઉંબરે પહોંચનાર આ બાળકને હવે કોલેજમાં જવું હતું, પણ પિતાની આર્થિક સ્થિતિ સારી નો'તી. એટલે આ યુવાને ડિસ્ટ્રિકટ પ્લીડરની પરીક્ષા આપવાનું નક્કી કર્યું. આ પરીક્ષા માટેનાં પુસ્તકો પણ બીજા પાસેથી માગીને વાંચી લીધાં.

ખૂબ મહેનત રંગ લાવી. તેણે આ પરીક્ષા પાસ કરી લીધી. આ સાથે તેની પાસે વકીલાત કરવાની લાયકાત આવી ગઈ. હવે તેને બેરિસ્ટર બનવા માટે લંડન જવું હતું. પણ પૈસા તો હતા જ નહિ. તો લંડન જાવું કેમ ! એટલે તે વકીલાત કરીને પૈસા ભેગા કરવા માંડયો. પૈસા ભેગા થઈ ગયા એટલે લંડન જવાના કાગળિયા કરવા લાગ્યો. એક દિવસ લંડનથી બેરિસ્ટર બનવા જવાની મંજૂરી પણ આવી. આ કાગળ મોટાભાઈના હાથમાં આવ્યો. મોટા ભાઈ પણ વકીલ હતા. તેમને પણ લંડન જવાની ઈચ્છા હતી. તેમને પણ પૈસાનો પ્રશ્ન નડયો હતો. કાગળમાં ટૂંકું નામ લખેલું હતું. જે બંનેને લાગું પડતું હતું. મોટા ભાઈએ નાના ભાઈ પાસે જઈને કહ્યું, ''ઘરમાં હું મોટો બેઠો હોઉં ને તું લંડન બેરિસ્ટર બનવા જાય છે ? લાયકાત મારી પાસે પણ છે અને પાસપોર્ટની અરજીમાં નામ પણ મને લાગું પડે છે. તો મને જવા દેને !''

ભાઈની વાત સાંભળીને આ નાનો ભાઈ જરા પણ ખચકાયા વિના પોતે કરેલી મહેનતનું ફળ, એટલે કે ભેગી કરેલી મૂડી, પેલો મંજૂરીનો કાગળ મોટા ભાઈને આપી દીધો. મોટા ભાઈને બેરિસ્ટર બનવા લંડન મોકલી દીધા. તેમના કુટુંબની જવાબદારી પણ પોતે લઈ લીધી. ભાભી અને પત્ની વચ્ચે કંકાસ થતાં પત્નીને થોડા દિવસો પિયર મોકલી દીધાં. પણ ભાઈને આપેલ ખાતરીનું પૂરું પાલન કર્યું.

આવો ભાતૃપ્રેમ દર્શાવનાર યુવાન એટલે આપણા સરદાર વલ્લભભાઈ પટેલ.

આજે તો સત્તા માટે એક ભાઈ બીજા ભાઈના ટાંટિયા ખેંચતો હોય છે. જો દરેક ભાઈ બીજા ભાઈનું સારું ઈચ્છે તો જ ઘરમાં રામરાજ્ય રહે. આમ સ્વાર્થવૃત્તિને દૂર રાખીને દરેકનું હિત જોવું જોઈએ.


Rate this content
Log in