બાળકો વિનાની શાળા
બાળકો વિનાની શાળા


વોટ ઇસ ધ સ્કાય? ઇફ ઇટ હેસ નો સ્ટાર્સ.
વોટ ઇસ અ ફ્લાવર ? ઇફ ઇટ હેસ નો સ્મેલ.
એન્ડ,
વોટ ઇસ અ સ્કૂલ ? ઇફ ઇટ હેસ નો સ્ટુડન્ટસ.
તારા વિનાનું આકાશ, સુગંધ વિનાનું ફૂલ અને વિદ્યાર્થીઓ વિનાની શાળા !
ક્યારેક ચોમાસામાં વાદળોના લીધે આકાશમાં તારા નથી દેખાતા, જેનાથી આપણે ટેવાયેલાં હોઈએ છીએ. કેટલાક ફૂલો સુગંધ વિનાના પણ હોય છે.જે આપણે જાણીએ છીએ.
પણ , શાળા !
શાળા કદી બાળકો વિનાની. કેવી હશે? કલ્પના તો કરો? હા, કરો. કેટલું ભયંકર લાગે છે. તમારી તો કલ્પના જ છે. અમે તો જોઈ !
કોરોનાના આતંકથી જ્યારે શરુઆતમાં લોકડાઉન પહેલાં બાળકોને શાળામાં નહીં આવવાની સૂચના હતી. તે સમયે કામ ઘણું હતું. પરીક્ષાલક્ષી કામ. તે સમયે બાળકો નહોતા આવતા, પણ તે સમય ભેંકાર નો'તો લાગતો. હવે! આ શું થઈ ગયું છે? શાળામાં પગ ભારે થઈ પડે છે. શાળા નું સુનકાર પ્રાંગણ જાણે નિષ્પ્રાણ જણાય છે. ખોળિયું જ આત્મા વિનાનું શરીર ભાસે છે. ખરેખર નથી ગમતું. બાળકો વિના શાળામાં નથી ગમતું. બાળકો હોય ત્યારે એમ થાય કે, થોડો સમય શાંત વાતાવરણ જોઈએ છે. અત્યારે બાળકો નથી, તો બાળકો વિનાની શાંતિ ઘણી આકરી લાગે છે. શાળામાં જાણે કાંઈ સૂઝતું નથી. આટલાં વર્ષોથી ગૂંજતી દિવાલો સુનકાર લાગે છે. શાળામાં એક એક ખૂણો, એક એક જગ્યા બાળકો માટે તરસે છે અને તેમની આંખોમાંથી સરતાં આંસુ, આ નિરવ શાંતિમાં વહી જાય છે, જે સ્પષ્ટ સંભળાય છે. શાળામાં જ્યાં જઈએ ત્યાં, જ્યાં નજર કરીએ ત્યાં નિસ્તેજ અને નિષ્પ્રાણ જણાય છે. આવી તો કદી કલ્પના જ નો'તી કરી કે આવું કદી બનશે. કલ્પના કરવી પણ આપણને હચમચાવી મૂકે તેમ હોય, ત્યારે હકીકત છે જે જીરવવી જ રહી.
બાળકો હતા, તે સમય યાદ આવે છે કે, એક્ટીવા પર આવતાં હોઈએ અને શાળા નજીક હોય ત્યાંથી જ " મેડમ, મેડમ , ટીચર ,ગુડમોર્નીંગ ટીચર" જેવાં મારા બાળપંખીઓનો કલરવ સંભળાતો. તે છેક શાળામાં પ્રવેશીએ ત્યાં સુધી. એક્ટીવા પાર્ક કરતી વખતે આજુબાજુ મારાં બાલુડાં ટોળે વળી જતાં. અલક મલક ની વાતો શરું થઈ જતી, હોમવર્ક બતાવતાં, દોરવા આપેલ ચિત્રો ત્યાં ને ત્યાં જ જોવા પડે, કેટલાંકની ફરિયાદો સાંભળવી પડે, કેટલાંક બાળકો પોતે લાવેલ નવી વસ્તુ ત્યાં જ બતાવે તો વર્ગખંડમાં સફાઈ કરતાં થયેલ ઝગડા માટેનું નિરાકરણ પણ ત્યાં જ થતું. જો આપણે ત્યાંથી ઉતાવળે ખસીએ નહીં તો, ત્યાં જ અડધો કલાક નીકળી જાય. ઘણીવાર કહેવું પડે, " બેટા, હજું આવવા તો દો! ઑફિસમાં જવા દો, સહી કરીને પછી આખો દિવસ તમારી સાથે જ છું ને ? " પણ મારું કોણ સાંભળે? ઉપરથી એમનું જ મારે સાંભળવું પડે. તમે છે ને ટીચર, " કાલે આખો દિવસ આઠમા ધોરણમાં રહ્યા હતા. અમારા ક્લાસ માં આવ્યા જ નો'તા, તો આજે આખો દિવસ આપણા જ ક્લાસમાં રહેવાનું છે. "આવો રીતસરનો આદેશ સાંભળવો પડતો. મારી એકાએક વસ્તુઓની કાળજી રખાય. મારા પહેરવેશથી માંડીને, હું બીજા ટીચર જોડે શું વાત કરું છું, તે પણ ખબર રાખે અને વર્ગખંડમાં જઈએ ત્યારે તે વાત આપણને પૂછે, હેં મેડમ તમે દસ ફેબ્રુઆરી થી વીસ ફેબ્રુઆરી રજા પર છો? હું પૂછું, તને કોણે કહ્યું? " હે ટીચર, તમે હીનામેડમ જોડે રીસેસમાં વાત કરતાં હતાં તે મેં સાંભળ્યું હતું. " તું કેમ અમારી વાતો સાંભળતો હતો? મેં પૂછ્યું, તો ઉત્તર આપ્યો કે, " મેમ મધ્યાહન ભોજન વખતે અમે જમવા બેઠા હતા ત્યારે તમે અમારી આગળ જ ઊભા રહી ને વાતો કરતા હતા."
આખો દિવસ કયાં પસાર થઈ જાય તે ખબર જ ના પડે. અત્યારે તો બાળકો નહીં એટલે કામ ઝડપથી પતી જાય. પછી નવરા. નવરાશના સમયે પણ હવે આ બાળકોને હોમલર્નીંગ અસરકારક કેવી રીતે કરાવી શકાય, શું નવું કરી શકાય તે માટે વિચારો કરીએ અને ઝડપથી વિશ્વ કોરોના મુક્ત બની જાય તે માટે પ્રાર્થના કરીએ.
હે પરમ કૃપાળુ પરમાત્મા !
સમગ્ર વિશ્વને હવે ખૂબ જ ઝડપથી કોરોના મુક્ત કરો. જેથી બધાં નિરાંતની જિંદગી જીવે અને સૌના ધંધા રોજગાર પહેલાંની જેમ ધમધમી ઉઠે. અને અમારી શાળાઓ બાળપંખીઓના કિલકિલાટથી ગૂંજી ઉઠે. એ જ હ્રદયથી પ્રાર્થના. બાળકો વિનાની શાળા, શાળા નથી લાગતી. બસ એ જ પ્રાર્થના.
અસ્તુ