અન્યમનસ્કતા પ્રકરણ (૧૮)
અન્યમનસ્કતા પ્રકરણ (૧૮)
ગાડી એક ટેકરી જેવા ઊંચા વેરાન સ્થળ પર આવી ઊભી રહી. જ્યાંથી શહેર આખાને આંખોમાં ભરી શકાતું. વિવેક અને યુવતી ગાડીની બહાર આવ્યા. થોડીવાર અશબ્દ રહ્યા પછી જૂની વાતો, યાદો ખૂલતી ગઈ. બંને વચ્ચે સામાન્ય સંવાદો ચર્ચાતા ગયા.
મુકદ્દરને મુનાસિબ સમજીને ઉપરવાળો ક્યારેક વર્ષોનાં હિસાબ ક્ષણોમાં કરી નાંખતો હોય છે. સમય થતાં કલ્પના કરતાં વધુ વિચિત્ર અને અકથિત અકસ્માતો અને ઘટના જણાવતાં-જણાવતાં વિવેકનું ગળું ભરાઈ આવ્યું. ઘણુંબધું કહી નાંખવાનું, રડી લેવાનું મન થયું પરંતુ વધુ પડતું બોલી શકાયું નહીં. ભીનાશનું આવરણ રચાઈ ગયું. તેની વાતોમાં પહેલાં જેવો આત્માવિશ્વાસ કે ફિલસૂફી ન હતા. શબ્દે-શબ્દે તેનાં ચહેરા પર અલગ ભાવ પ્રગટ થતાં હતાં. વિવેકને સિગારેટની જગ્યાએ બીડી પીતા જોઈને તેની આર્થિક પરિસ્થિતિનો અંદાજ પેલી યુવતીને આવી ગયો.
વાતચીતમાં અંગતપણું વધતું ગયું. સહાનુભૂતિનો સેતુ રચાયો. સાંજ પડી અજવાળું સૂરજની સાથે સંતાતું ઓછું થતું ગયું. વિવેકે થતી વાતો સાથે સાફપણે કહી આપ્યું.
‘મારે ખુદ માટે એક ફ્રેન્ડ, લાઈફ પાર્ટનર કરતાં મારા બાળક માટે એક માની વધુ જરૂર છે. મારું બાળક...’ વિવેકની આંખમાંથી આંસુની એક ધાર વહી યુવતીનાં હાથ પર પડી.
‘તું... તું... મારા સુખ-દુ:ખની સંગિની બનીશ?’
યુવતીને અચાનક જ વિવેકનાં પ્રસ્તાવ પર શું ઉત્તર આપવો એ જડતો નહોતો. ખામોશ રહ્યાં બાદ તેણે વિવેક પાસે થોડો સમય માંગ્યો. પછી બંને અલગ પડ્યાં ફરી મળવા માટે...
મળવા-ફરવા-ભળવાનું અવારનવાર થતું ગયું...
‘જીવનમાં લગ્નનું એક મહત્ત્વ હોય છે. એટલે જ એ સંસ્કાર કહેવાય છે. સમય રહેતાં પરણી જવું જોઈએ. વિવેક સારો છોકરો છે.’ યુવતીને પોતાને જ પોતાનાં વિચાર પર શંકાભર્યો સવાલ થયો. ‘છોકરો? ના. પુરુષ. બે બાળકનો પિતા, એક ડિવોર્સી મેન. જેની જોડે પ્રેમ કરીને એક સ્ત્રીએ જાન ગુમાવી. એક સ્ત્રીએ તેને છૂટાછેડા આપ્યાં. એ વ્યક્તિ જોડે મેરેજ કરવાં છે? જ્યારે વિવેક સાથે છેલ્લે મુલાકાત થઈ ત્યારે તેનાંથી આકર્ષી જવાય તેવું તેનાંમાં ઘણું હતું અને આજે એને અપનાવી શકાય એવું તેનાંમાં કશું નથી. છતાં પણ? હા. છતાં પણ. વિવેક દિલદાર છે. બસ એટલું કાફિ છે. ચીટર પણ ચાહક હોય તો લુંટાઈ જવાની મજા છે.’
વિવેક સાથે યુવતીની મુલાકાતો વધતી જતી હતી. ઓળખાણ અંતર ઘટાડીને બંનેને પાસે લઈ આવી અને આખરે યુવતીએ વિવેકનો પ્રસ્તાવ અપનાવી એક વરસાદી સાંજે કહ્યું, ‘વિધિનાં આટાપાટા સમજવાનું છોડી દીધાને ઘણો સમય થયો. જે જિંદગીનાં સામા પ્રવાહે આવ્યું તેને બાહો ફેલાવીને અપનાવી લીધું છે. હું સોનાલી જેટલી સમજદાર, ખંજન જેટલી ઈમાનદાર, તારાં જેટલી જવાબદાર કદાચ ન પણ બની શકું. તેમ છતાં તું મારો સારો દોસ્ત છે હું તારી વાત સ્વીકારું છું. અને એકબીજાની જરૂરિયાત વિના જીવન શક્ય જ ક્યાં છે? તેથી મારે તારો પૂરતો સાથ જોઈશે.’
વિવેકે કહેવા માંડ્યુ.
‘ક્યારેક ચડતી જવાનીનું તો ક્યારેક ઊતરતા સૌંદર્યનું નશીલું દ્રવ્ય જિંદગીઓને ઉલઝાવી દેવામાં એક નિમિત્ત બની જાય છે. સંબંધોને સહજતાપૂર્વક સમજવાની આવડત દરેકમાં ન હોય. હું કરેલી ભૂલોનું પુનરાવર્તન નહીં થાય તેવું વચન આપું છું.’
‘નસીબને કોસ્યા કરવાની, લાચારીની વાતો હવે બંધ વિવેક. જ્યાં પ્યાર ત્યાં પરમેશ્વર. મહોબ્બત હોય ત્યાં મુસીબતો ના હોય.’ વિવેક ખરતા તારાની જેમ જીવનમાં આવેલી યુવતીને ભેટી પડ્યો. તેનાંથી નાછૂટકે રડી પડાયું.
જૂનાં સંબંધોની સર્પકાંચળી ઊતારી નવા સંબંધોનાં પરિવેશને અપનાવ્યાં બાદ...
‘હું એક સારી પત્ની ભલે ન બની શકું પરંતુ હા વિવેક.. એક સારી મમ્મી બનવાની બધી જ કોશિશ કરી છૂટીશ. મને મારાં ભવિષ્ય કરતાં તારા અને ખાસ તો સોનાલીનાં સંતાનનાં કરિયરની ચિંતા છે જે હું બહેતરથી બહેતર બનાવવાનાં પ્રયત્નો કરીશ. પ્રોમિસ.’
...અને બંને પરણી ગયા.
‘જ્યારે આપણે મળ્યા ત્યારે એકબીજાનાં દોસ્તના દોસ્ત હતાં અને આજે એકમેકના દોસ્તથી પણ વિશેષ પતિ-પત્ની બની ગયા! દોસ્તી અને દાંપત્યનાં સંબંધ વચ્ચે પ્રેમનું પગથીયું ચૂકી જવાયું છે જ્યાં હવે પગ માંડીને આપણે એક નવી શરૂઆત કરવાની છે.’
‘પ્રેમ વિશેના મારાં ખ્યાલ બદલાયા છે. પ્રેમ કરવાનાં ઈરાદા કે મનોબળ નહીં.’
વિવેક તે યુવતી, પોતાની પત્નીને પોતાનાં ઘરે લઈ આવ્યો. મમ્મીની સેવા અને બાળકની દેખભાળ રાખવા. તે સ્ત્રીએ પણ ઘરની બધી જ જવાબદારી ટૂંકાગાળામાં બખૂબી અપનાવી લીધી. વિવેકની પત્ની, દિવ્યની મમ્મી, વિવેકનાં મમ્મીની વહુ બનીને તેણે અગવડોનું રૂપાંતર સગવડોમાં કર્યું. પોતાનાં જીવનનાં ધ્યેય જેવી મલ્ટીનેશનલ બિઝનેસ કંપનીમાં પોતાના સ્થાને બેકાર બનેલા વિવેકને નોકરી અપાવી. દર્દની પરાકાષ્ઠાનાં દિન પસાર થઈ ગયા.
‘કેટલો સ્વીટ, લવલી... ઓહ દિવ્ય, મારો દીકું..’
‘હા.’
‘તોફાની નથી લાગતો તારા જેવો. શાંત છે. જો કેવું ટગરટગર જુએ છે મારી સામે.’
‘હા. શાંત છે.’
‘બેટા હું તારી મમ્મા છું. બોલ તું કોનો દીકરો? મમ્મીનો કે પપ્પાનો? ચોકેટ ખાવી છે? ચકરડીમાં બેસવું છે? ચાલો પપ્પાને કહો જોઈ આપણને બધાંને ફરવા લઈ જાય. બાબા જવું છે ને...’
‘હા. લઈ જઈશ.’
પોતાની નવપત્નીને સંતાન દિવ્ય સાથે જોતાં વિવેક અને તેનાં મમ્મીની આંખ છલકાઈ ઊઠી.
સ્ત્રી વિના જીવી શકાય છે ખરું? વિવેકનાં વિચારોમાં અને જીવનમાં સ્ત્રીની એક અનોખી અહેમિયત હતી. સ્ત્રી અનિવાર્ય તત્ત્વ બની રહી હતી. નવા શ્વાસની જેમ નિત્ય પેદા થતી રહેતી ઈચ્છાને સંતોષનાર સ્ત્રી છે. શિયાળ જેવા પુરુષની ફિતરત સિધ્ધિ અને સસલાં જેવી સ્ત્રીની પ્રકૃતિ સત્તા મેળવવા ઈચ્છતી હોય છે. એ સમયે સમર્પણ વિના કશું જ શક્ય નથી.
ભૂતકાળ દફનાવીને વિવેકે આગળ વધતાં રહેવાનું ચાલુ તો રાખ્યું જ હતું અને એ કાર્યમાં હવે તેને તેની જીવનસાથીનો સ્નેહભર્યો સાથ મળ્યો. તેથી જીવનમાં ફરી વિશ્વાસનો મેઘધનુષી રંગ ઉમેરાયો. લાગણીની રંગોળીએ રંગીનીયત પાથરી આપી. રહેણીકરણીમાં હકારાત્મક બદલાવ આવ્યો.
શરૂના દિવસો સુખનાં દિવસો હોય છે. રવિવારે સવારે તડકો ચડી ગયા પછીની ઊડતી ઊંધ શરીરમાં ફેલાયેલી આળસ બાદ પથારીમાં ચા પીતાં-પીતાં નજરની સામે પત્ની અને પુત્ર રમતા હોય છે. મમ્મી મંદિરે ગયા હોય, ઓફિસનું કોઈ પ્રકારનું કામ નહીં. વિવેકને હજુ પણ મનમાં કંઈક કમકમી કે મગજમાં કંઈક ભમભમી રહ્યું હતું.
‘શનિવારની સાંજ અને રવિવારની સવાર વર્તમાન જેટલી જીવંત અને સુખદ લાગી રહી છે તેટલી આજ સુધીની બીજી કોઈ સાંજ કે સવાર લાગી નથી. સોનાલી જોડે પણ નહીં અને ખંજન જોડે પણ નહીં.’ વિવેકનાં જીવનમાં આવેલી આ યુવતીએ તેની તમામ ઊભરાતી અને શમતી અન્યમનસ્કતા ખંખેરી નાખી. નવસર્જનનાં બીજ રોપ્યાં. પીંજાયેલા રૂ જેવા વાદળાં હટી ફરી એક ચોમાસું પ્રસરી ગયું.
મિત્રતાનાં દાવે વિવેકનાં જીવનમાં આવેલી નવી પત્ની એક એવી અંગત દોસ્ત બની ગઈ હતી જેની સામે વિવેક પોતાનું દિલ ઠાલવીને હળવાશ અનુભવી શકતો હતો. તેનાં હૂંફાળા આશ્રયમાં અર્થહીન કંઈ પણ બોલી શકતો હતો. તેનું અને તેનાં પરિવારનું સુખી અસ્તિત્વ તે યુવતી પર નિર્ભર હતું.
‘બધું કેટલું ત્વરાથી બદલાઈ જતું હોય છે.
સા.રે.ગ.મ.પ.ધ.ની.સા. મુજબ સૂર-લયમાં, સુખ-દુ:ખનાં આરોહ-અવરોહનાં અનુક્રમમાં જિંદગી પ્રાસબધ્ધ વહેવા લાગી. ન જાણે નિયતિ શું પ્રયોજતી રહે છે. જીવનનાં યોગ-વિયોગ-પ્રયોગનો સમય હવે બદલાયો છે અને સાથે સુધર્યો પણ છે. દિવ્ય હવે બે હાથનાં ટેકા પર ચાલવાનું શીખી રહ્યો છે. તૂટી-ફૂટી ભાષામાં કાલી-ઘેલી વાતો કરે છે. મમ્મીને જાત્રા કરવાં મોકલ્યાં છે. સોનાલીની અસ્થિઓ સાબરમતીનાં પાણીમાં વહેડાવી આપી. હવે સિગારેટ પીવાનું છોડી નાખ્યું છે. જીવનમાં પૈસાની બચતને મંત્ર બનાવ્યો છે. ક્યારેક રાજકોટનાં ઘરની, પપ્પાની બહું યાદ આવે છે. એ બધુ જીવંત હોતું તો દુ:ખની પણ કેટલી મજા આવતી હોત.’
સવાર હજી ઊઘડી ન હતી, મોડે સુધી જાગીને વિવેકે આથમતી રાતની વહેલી પરોઢે ડાયરી લખવાનું બંધ કર્યું.
‘હજુ સુધી જાગે છે? મારા વિના ઊંઘ આવતી લાગતી નથી.’ વિવેકે બગાસું ખાધું. ‘હું સૂઈ જાઉં. ઊંઘ આવે છે.’
‘દિવ્ય એકાએક રડવા લાગ્યો તો જાગી ગઈ. મને ખબર ન હતી તું લખતો હશે. શું લખે છે?’
‘ઘણાં સમય બાદ ફરીથી નવી ડાયરી લખવાની શરૂઆત કરી.’ વિવેકે ફરી લાંબું બગાસું ખાધું.
‘તમારે સૂઈ જવું છે?’
‘હા, આંખો ઘેરાવા લાગી છે. તારે નથી ઊંઘવું?’
‘મારી તો ગઈકાલની એક વાત જાણ્યા બાદ નીંદ જ ભાગી ગઈ છે.’
વિવેક પૂછ્યું, ‘કઈ વાત?’
‘એક ઊંધ ઊડી જાય તેવા ખબર આપું?’
‘હા, બોલ.’
‘વિવેક મારા પેટમાં એક જિંદગી પનપી રહી છે. તું પપ્પા અને દિવ્ય ભાઈ બનશે વિવેક... મમ્મીજી બા અને મારાં મમ્મી-પપ્પા નાના-નાની બનશે.’
સૂર્યની પહેલી કિરણ આકાશમાં રાતનાં અંધારાનો પડછાયો હટાવતી જતી હતી. વિવેક એ યુવતીની નજીક ગયો. જીવનમાં ક્યારેય ન અનુભવેલી નિરાંત અને ખુશી એક સાથે વિવેકની આંખોમાં છલકાતી હતી. વિવેકે યુવતીનું કપાળ ચુમ્યું.
‘હા, વિવેક... હું આપણાં સંતાનની મમ્મી બનવાની...’ આટલું કહીને સયુરી વિવેકને લપેટાઈ ગઈ.
