Bhavya Raval

Others

2  

Bhavya Raval

Others

અન્યમનસ્કતા (પ્રકરણ ૧૭)

અન્યમનસ્કતા (પ્રકરણ ૧૭)

8 mins
7.2K


જિંદગીની કણેકણમાં વ્યાપેલી શૂન્યતાભર દિવસોની કેટલીક રાતોના જડતાભર્યા આરામ પછી ક્યારેક સવારે પૂર્વાકાશમાં સૂર્ય ડોકાતો અને અસંખ્ય પાંખોનો ફફડાટ ગૂંજતો. ગાયો ભાંભરતી, દૂધવાળા ભરવાડ ડેલી-ડેલીએ સાદ કરતાં. ક્યાંક છેક દૂર-દૂર ગવાતી હતી શ્રી રામ જય રામ જય જય રામની ધૂન. આકાશમાં વિહાર કરતું ચહેકતું પંખી વિવેકના ફ્લેટની બારી પર માળો કરવા મથતું. ક્યારેક પંખીઓ તેનાં ફ્લેટની બારીએ કિનારીએ આવીને બેસતાં. શહેરથી દૂર જંગલ પ્રદેશમાં ઘટાટોપ બનેલાં વૃક્ષોના મૂળિયાંની માટી ધોતાં ઝરણાંના કલકલ ઘ્વનિ, વાયુવેગથી નદીની છોળો કિનારાના પથ્થરની પાળ પર પછાડાવવાનો ધ્વનિ, મંગળા આરતીનો શંખનાદ કાનમાં ઘોળાતો અને ક્યારેક સૂઈ ગયેલાં બાળકની ચૂપકીદીમાં વહાલથી વિવેક બાળકને પંપાળી લેતો.

વખતની સાથે અવાજો બદલાયા.

બપોરે શાળા છૂટ્યાનાં સમયે બાળકોનો અસ્પષ્ટ કોલાહલ થતો. વહેલી સાંજે પોતપોતાનાં માળા તરફ મંડાણ કરતાં પક્ષીઓનો મધુર કેકારવ થતો. સોનેરી અજવાળાના દીવાસમયે સંધ્યા આરતીનો કર્ણપ્રિય ઘંટારવ ગૂંજતો. રૂક્ષ ઝડતાં પત્તાંઓની ધીમી સરસરાહટ વાતાવરણમાં ફેલાતી. ખુલ્લી હવામાં અદૃશ્ય પવનનાં સૂસવાટા થતાં અને રાત્રિની ગાઢ શાંતિમાં હિંચકાનું કર્કશ કિચૂડ-કિચૂડ થતું છતાં બાળકને ત્યાં સૂવાડાતું અને તે ઘેરી નિંદ્રામાં જવા પ્રયત્ન કરતું. રડતા બાળકને ચૂપ કરી સૂવાડવા હાલરડું ગવાતું. મોડી રાતે કૂતરાઓનાં અંદરોઅંદર ઝઘડવા-ભસવાના અને બાકીના ન સમજાય તેવા અપરિચિત અવાજો આવતા. જિંદગી આગળ ચાલી દોડી રહી હતી. 

રોજ થોડાં થોડાં જીવન પ્રકરણના પાનાં પર આગળ ચાલતા રહેવાનું, પલટાતા રહેવાનું, બદલાતા રહેવાનું, દોડતા રહેવાનું. જીવનમૂલ્યો હવે તૂટતાં-ફૂટતા વેરવિખેર થઈ રહ્યાં હતાં. એકલી રાતોનો ઉજાગરો અને દિનભરના કાર્યોનો થાક વિવેકને પાણી વગરની માછલીની જેમ અસહ્ય તરફડિયા મરાવતો હતો. કાળની ગર્તામાં વિલીન થયેલી અનેક વીતેલી વાતો તેની ઊંધ ઊડાડી મૂકતી. અંગત અને સાર્વજનિક ક્રિયાઓમાં એકાકીપણું વિવેકનું ચિત્તભ્રમ કરી વશ, વિવશ અને પરવશ બનાવી રહ્યું હતું. 

ખંજન શું કરતી હશે? અને તેનાં પેટમાં બાળક હતું એ? સામાજિક, સંબંધિક માળખું સહેલાઈથી ચૂંથાઈ ન જાય તે માટે અહમથી હાર માની લઈને અભાવ અને એકલતાથી છૂટકારો મેળવવા એક દિવસ વિવેકે ખંજનને પત્ર લખવાનું વિચાર્યું પછી તેને થયું, ‘મેસેજ કરું? ના. ના. ફોન જ કરી દેવો જોઈએ.’ જોકે કોઈ કોન્ટેક ન થયો. મોબાઈલ નંબર બંધ આવ્યો. ઊંડી તપાસને આધારે જાણવા મળ્યું, ખંજન મુંબઈ છોડીને લંડન ચાલી ગઈ છે. પાછળથી તેની સહેલીએ ઉમેર્યું કે કોઈ એન.આઈ.આર. સાથે લગ્નનાં સમાચાર છે. લગભગ તો એના કોલેજ ફ્રેન્ડ જોડે જ...

થોડાં જ દિવસોમાં એક દિવસ ખાખી ટપાલમાં લાલ-લીલા કલરના સરકારી સ્ટેમ્પ મારેલાં ડિવોર્સના કાગળીયા આવી ગયા! ભરણપોષણના બ્લેંક ચેક સાથે વિવેકે કાગળો પર વાંચ્યા-વિચાર્યા વિના સહી કરી નાંખી.

રાજકોટનું ઘર વેચાઈને હવે પાછળ છૂટી ગયું હતું. મુંબઈ સાથેનાં બધાં જોડાણો તૂટીને વેરવિખેર થઈ ગયા હતાં. સોનાલી બીજી દુનિયામાં ચાલી ગઈ તો ખંજન સેંકડો માઈલ દૂર જઈ પોતાની અલગ દુનિયા વસાવી બેઠી હતી. હવે એને ભૂલી જવાનું છે. કામ અને જવાબદારીના વજનમાં વિવેકે એકલાં હાથે સંઘર્ષ ચાલુ રાખ્યો. બાળકને ડૉક્ટર પાસે લઈ જવું. નાહવાનો સમય, રમવાની ચીજો, પહેરવાનાં કપડાં, એક-એક નાની-મોટી વસ્તુનો વિવેક ખ્યાલ રાખતો હતો. બાળક જોડે રમતાં-રમતાં એ પણ બાળક જેવો બની જતો હતો.

‘શું નામ રાખીશું મારાં વહાલા દીકરાનું?’

‘દિવ્ય. દિવ્ય વિવેક જોશી. દિવ્ય એટલે પ્રકાશમાન. શિવનું હજારો નામમાંથી એક નામ.’ સોનાલીને દિવ્ય નામ બહુ પસંદ હતું. એ કોલેજકાળમાં જોડે હતી ત્યારે કહેતી, ‘વિવેક આપણે દીકરો થશે તો દિવ્ય નામ રાખીશું. દીકરી થશે તો દિવ્યા.’

‘કેમ એ નામ?’

‘કેમ કે તને અઢી અક્ષરવાળા નામ પસંદ છે. એટલે મેં અત્યારથી જ આ નામ પસંદ કરી રાખ્યા.’

વિવેકે બાળકનું નામ દિવ્ય રાખ્યું. જીવનની કાયા બેરંગ રીતે પલટાતી રહેતી.

કેલેન્ડરના પન્ના બદલાતા ગયા. વાદળા ફાટીને વરસાદ ચાલ્યો ગયો. ચોમાસું ઊતર્યું. ઋતુ બદલાઈ. નવવર્ષ નજીક હતું.

પરોક્ષ કે અપરોક્ષ અસરો હેઠળ ચક્રવત પરિવર્તન પામતા રહેતા જીવનમાં વિવેકના મન-મગજનો અવિરત અજંપો તનાવભર્યા માહોલને સર્જતો જતો હતો. સતત વિચારોના બુદબુદા અંતરમાંથી ઊઠતા ચકરાયા ઘુમરાયા કરતાં.

વિવેક રોજ વાળ ઓળતા સમયે અરીસામાં પોતાની આંખમાં આવતાં આંસુ જોઈ રહેતો. સોનાલીનો અવાજ જાણે પોકારે છે... ‘ઈમાનદારની આંખોમાં આંસુ નહીં પશ્ચાતાપ હોય છે. તારું રડવું મારા આત્માને દુ:ખી કરે છે. વિવેક સ્માઈલ પ્લિઝ.’

‘પુરુષમાં આંસુ વહાવી દેવાની નહીં પચાવી જવાની હિંમત હોય.’

...ને વિવેક પોતાનાં દર્દ છુપાવી હંમેશા હસતો અને બીજાને હસાવતો રહી શકે એટલે પાગલો જેવા કરતબો કરતો જાણે કશું બન્યું જ નથી!

‘ચહેરા પર હાસ્ય ઉત્પન્ન ન કરીએ તો દુ:ખનો અહેસાસ જ ન થાય. મતલબ કે ગમમાં ખોટી મુસ્કાન દર્દને વધુ પ્રદર્શિત કરે છે. સ્મિત તમારી સેડનેસને ઢાંકવાનું એક સાધન છે. બધાં લોકો દર્દનો ખારો દરિયો અંદર ભરી બહાર ખુશીના મીઠા ધોધ ન પ્રગટાવી શકે. કોઈકને જ આવડે એ કરામત. નાટકબાજ પતિદેવ.’

...ને એકાએક ખંજનની વાત વિરોધી વૃત્તિ ઊભી કરે છે. લાગણીશીલ માણસોના ઘા હંમેશા લીલાછમ જ રહેતાં હોય છે. ભગવાન પાસે જેટલા માર્ગ સજા (વિનાશ) કરવાના છે એટલા માર્ગ સાજા (વિકાસ) કરવાના છે. એ પથદર્શક પણ છે અને રાહભક્ષક પણ.

ક્યારેક દાઢી કરી મુલાયમ ગાલ પર હાથ ફેરવતા વિવેકના કાને પડઘા પડે છે.

‘ફૂલો માત્ર કરમાવા ખીલતા નથી વિવેક. ખુલ્લી કિતાબ જેવું જીવવાનું બંધ મુઠ્ઠી જેવું નહીં. વિવેક સિમ્પથી જતાવતા તમને સારી આવડે છે. વિવેક... વિવેક... ઓફઓ વિ...વે...ક... વે...ક...’

‘કઈ ટાઈ મેચિંગ છે? રૂમાલ લીધો? અરે... ટીફિન તો લેતા જાવ બાબા... આજે પણ રોજની જેમ સાંજે ઘર મોડા ન આવતા. ઓ...કે? ઓફિસ જઈ મારી યાદ આવે તો ફોન નહીં તો કંઈ નહીં, એકાદ મેસેજ, મિસ્ડકોલ તો આપજો. અને હા, બિલ ભરવાનું ન ભુલાય. આજ છેલ્લી તારીખ છે. ડિયર ધીમે... શું કરો છો?’

વિવેકના મગજમાં કંપન કરતો ખંજનનો મધુર તીણો સ્વર ગમની આવરદા વધારતો જતો હતો. અધૂરી આશા-ઈચ્છા પ્રત્યેનું આકર્ષણ જગાવનાર જીવનરીતિનાં અનેક સ્મરણીય દૃશ્યો અવારનવાર સર્વત્ર ચોતરફ તરી ઊઠે છે. વિવેક એ ઘરમાં રહેતો હતો જ્યાં ખંજનની યાદ રસોડાં, કોઠાર, દીવાનખાનું, વરન્ડાથી લઈને હરેક નાની-મોટી વસ્તુ સાથે સંકળાયેલી તેની અદૃશ્ય હાજરી પૂરતી. એ અતીતની ખૂલી ગયેલી અટારીએથી પ્રવેશીને આજને સ્પર્શી ગયેલી યાદોને મનમાં ઘૂમરાતી કેમ રોકવી? વિવેક અજવાબી, અજનબી બની ઊઠે છે.

વિવેક વર્તમાનમાં આવ્યો. મમ્મીનાં શબ્દો અસ્પષ્ઠ કાને પડ્યાં.

‘દીકરા વિવેક, આજકાલ તારું ધ્યાન ક્યાં હોય છે? શું વિચારતો રહેતો  હોય છે? જમી લે બેટા. તારું ભાવતું ભીંડાનું શાક બનાવ્યું છે.’

‘ભૂખ નથી મમ્મી.’ વિવેક જમવાનાં ટેબલ પરથી ઊઠીને ચાલ્યો જાય છે.

ભાવતી વાનગીઓથી ભરેલી થાળી પણ ખૂટતી નથી કારણ ખંજનનાં હાથે બનેલી રસોઈનો સ્વાદ જીભને એવો વળગી ગયો હતો કે કોઈ બીજાનાં હાથની રસોઈ ભાવતી નથી.

‘વિવેક ક્યારેક તમે પણ મારાથી છૂપાઈને કે હું નહીં હોઉં ત્યારે શરીર અને પેટની ભૂખ સંતોષવા વેશ્યા સાથે શયન સુખ માણશો? કોઈ પારકીના હાથનું જમશો?’

‘પ્રેમિકાની જગ્યા કોઈ નવી દોસ્ત લઈ શકે. પત્નીનું સ્થાન કોઈ ન લઈ શકે. તું પણ કેવી વાતો કરે છે?’

‘કેમ ન પૂછી શકાય ક્યારેક મને પણ સવાલો ન થાય. કંઈ પૂછવાનું મન ન થાય?’

વિવેકનાં અંતરમાં વિષાદના ભંવરો ઊઠતા જાય છે. ખંજન સાથે રચેલા સંવાદના વિવેકના માથામાં ટકોરા પડતા હતાં.

સોનાલી બાદ ખંજનનું છોડી જવું એ વિવેકની દુનિયાદારીની સમજમાં ખોટું ઉતર્યાની હાર હતી. પ્રેમ બાદ લગ્નજીવનમાં નાકામયાબ નીવડવું એ અધ:પતનમાં પા પા પગલી હતી.

થોડા જ દિવસોમાં એક બીજી દુ:ખદ ઘટના ઘટી. જે પ્રોજેકટ પર વિવેક કામ કરી રહ્યો હતો તે તદ્દન નિષ્ફળ ગયો. કંપનીના શેરના ભાવ રાતોરાત ગબડી પડ્યાં. વિવેકને કંપનીમાંથી રાજીનામું આપવું પડ્યું. પત્ની, પ્રેમિકા પછી જેમની પાછળ પૂર્ણ પવિત્રમય સમર્પણ હતું એવી પ્રતિષ્ઠાભરી નોકરી ગઈ. જે ન થવું જોઈતું હતું એ પણ થઈ ગયું. બરબાદી-બેકારીનાં, નિરાશા-નવરાશનાં દિવસો આવ્યાં. વિવેક ફરી કામ મેળવવા, ખાલી થતાં જતાં પૈસા કમાવવા બધી જાણીતી ઓફિસોના સરનામે ફરી વળ્યો. વારંવાર ઘડિયાળમાં સમય જોવાનો ક્રમ આવ્યો. ક્યારે પાછો સારો સમય આવશે?

કૃત્રિમ ઘડિયાળ બંધ પડી જાય અથવા બગડી જાય તો સચોટ સમયની જાણ ન થાય. એ સમયના ભરોસે વહેલા-મોડું થઈ જાય. અને ફરી બધું સમયસર કરવાં બીજી ઘડિયાળમાં સમય જોઈ બંધ ઘડિયાળ કે આગળ-પાછળ સમય બતાવતી ઘડિયાળને સમયસર કરવી પડે. આ સમય મનુષ્યે નક્કી કરેલો છે જે ખોટો વખત દર્શાવી શકે... કુદરતની ઘડિયાળ ક્યારેય ખોટો સમય બતાવતી નથી. એ એની ગતિથી કોઈના માટે રોકાયા વિના ચાલતી રહે છે. જે દિવસે દુનિયા થંભી જશે તે દિવસ પછી પણ સમય વહેતો જ જશે. પસાર થતો જ જશે. પ્રકૃતિ પોતાનું કાર્ય કરતી રહે છે. આગળ વધવાનું. રાત્રે અંધકાર જામતો રહે છે. સવારથી સાંજ પ્રકાશ ફૂટતો રહે છે. આકાશમાં સૂર્ય અગમ્ય રીતે સરકતો રહે છે.

બેકારીની સ્થિતિમાં થોડી ઊણપ અને ઓછપ બહુ વધીને સામે આવે છે. વિવેકને પરિચિતો-અપરિચિતોની ખરી ઓળખાણ થતી ગઈ અને પોતાનાં કહી શકાય તેવા પારકા છોડીને દૂર જતાં રહ્યાં હતાં. બાકીનાં દૂર જઈ રહ્યાં હતાં. સફળ માણસોને દોસ્ત અને નિષ્ફળ માણસોને દુશ્મન હોતા નથી. ખિસ્સાનું ખાલીપણું અને અરમાનનો છલકાવ સાથેની નિસ્બત હિતચિંતકો ભગાવી મૂકે છે.

ખાલી પથારીમાં પડખા ફરવાની, આળોટવાની ક્રિયા બેચેન કરતી રહે છે. આયના આગળથી ખસી જવું પડે છે. સિગારેટના ધુમાડામાં રાતે મોડી ઊંઘ આવે છે અને સવારે વહેલા જાગી જવાય છે. બાળક પણ રોજ રાત્રે વિવેકની સહવ્યથામાં રિબાતું મમતાની ચાહમાં રડતું રહે છે.

ખરેખર, એકલતા અદભૂત ચીજ છે અને એનાથીયે અદભૂત ચીજ છે અન્યમનસ્કતા. અન્યમનસ્કતા લીલની જેમ જિંદગી પર જામી જાય છે. માણસના જીવનમાં એ અનેકવિધ સ્વરૂપે પ્રવેશે છે. સમયની અન્યમનસ્કતા, યાદોની અનમનસ્કતા, મન અને તનના તમાશાની, વિચારનાં માયાવી વૈભવની... માયાળુ કે સ્વાર્થી સ્વભાવની. અસ્ખલિત વહેતી લાગણીની...

‘અન્યમનસ્કતા’ શબ્દ જેટલો વાંચવા-બોલવા-સમજવામાં અઘરો છે તેટલો જીવવામાં મુશ્કેલ છે. માનસિક-શારીરિક પરિસ્થિતિમાં રહેલી અન્યમનસ્કતા મનુષ્યના આત્માવિશ્વાસને મારી ચકનાચૂર કરી નાખે છે. મનુષ્ય ઉચિત નિર્ણયશક્તિ ગુમાવીને અનુચિત પગલાં ભરતો જાય છે. માણસ પોતે જ એકમાત્ર સાચો છે એવી ધૂની અવસ્થા ઊભી થાય છે. અન્યમનસ્કતાના જાળાદાર પહેરામાં કશું નથી સૂઝતું ત્યારે એ ઈશ્વરની યાદ આવે છે જે પ્રભુએ અસ્તિત્વ આપ્યું અને એ પરમ કૃપાળુનાં અસ્તિત્વ વિશે સદાય શંકા ઊઠાવતા હોઈએ છીએ. ભગવાનનું સ્મરણ થાય છે. આપોઆપ બે હાથ જોડાઈ જાય છે. અનમનસ્કતાનું ઓસડ શું હોય શકે? વહેતી જીવનધારામાં એક આશાવાદ બંધાય છે. સંબંધોનું ખાલીપણું-ખોખલાપણું-ખડબચડાપણું દૂર કરવાં અંતમાં અધૂરા હિસાબ જાણે કુદરત પૂરા કરવા માગતી હોય તેમ વિધાતા અતીત સાથ કડી જોડવાની પેરવી શરૂ કરે છે.

એક દિવસ રોજની જેમ સામાન્યત: સફેદ શર્ટ, બ્લેક પેન્ટ અને ટાઈ-શૂઝ પહેરેલા હાથમાં ફાઈલ લઈને નોકરીની તલાશમાં સરેઆમ રસ્તા પર ભટકાતાં, ઊંચા ઊંચા મકાનો તરફ જોતાં જોતાં વિવેકની પાસે એક મોટી કાળી આલિશાન કાર આવીને ઊભી. ગાડીનો દરવાજો ખૂલ્યો. તેમાં બેઠેલી બદામી ગાલ, ઘેરાશવાળી કાળી આંખો, કાનમાં લાંબા ગોળ ઝૂમકા, નાકમાં બાલી, હાથમાં ચમકદાર બ્રેસલેટ અને ફેશનેબલ જીન્સ-ટોપ પહેરેલી યુવતીએ ગોગલ્સ આંખો પરથી માથા ઉપર સરકાવી સાદ પાડ્યો,

‘એ... વિવેક... વિ...વેક...’

વિવેક કારમાં બેસી ગયો, ગાડી ચાલવા લાગી. સફર શરૂ થઈ.

 

 


Rate this content
Log in