અન્યમનસ્કતા પ્રકરણ (૧૬)
અન્યમનસ્કતા પ્રકરણ (૧૬)
મુક્તિના મંત્ર, સ્વતંત્રતાના શ્લોકનું બીજું નામ મૃત્યુ છે. કર્મોનાં કારાગારમાંથી છૂટેલા આત્માને માનવજીવનમાં જગ્યા મળતી નથી. એટલે શરીરની જેમ નવા આત્માઓ પણ જન્મતા રહે છે. જીવો જીવસ્ય જીવનમનું પૈડું અવિરત ફર્યા કરે છે. જન્મનું સત્ય શું છે? મૃત્યુનું અસત્ય શું છે? ખબર નથી.
સાચું-ખોટું દિવસ-રાતનાં પ્રકાશ-અંધકારની જેમ, સૂર્ય-ચાંદના ઉગ્રતા-શીતળતાની જેમ પરસ્પર વિરોધાભાસ છે. એકનું વજૂદ બીજાને આધીન રહી રચાય છે. જીવનનાં હરેક સુખને સીધી લીટીનું જોડાણ સત્ય સાથે છે. જેટલું સત્ય ઓછું તેટલી ખુશીઓ વધુ! જરા વિચિત્ર લાગશે પરંતુ વિચારવા જેવું છે - જીવનની યાદગાર ખુશીઓ વધુ પડતું ખોટું બોલીને જ મેળવી છે. ન કરવાનું કરીને પામેલું સુખ ક્યારેય પૂર્ણ સત્યના ધોરણે પામ્યું નથી હોતું.
સત્યપાલન, સત્ય સંવર્ધન, સત્ય સ્થાપન અને સત્ય રક્ષણ ખાતર પ્રાયશ્ચિત સિવાય કોઈ બીજો વિકલ્પ નથી. પશ્ચાતાપ એ મનની એક એવી સ્થિતિ છે જેમાં ખુદ પ્રત્યે જ અણગમો થાય. નકામા ઊમળકા પણ ન આવે. વર્તમાન નકારાત્મક ને ભવિષ્ય નિરાશામય લાગે. આડું-સીધું વિચારતા-વિચારતા વિવેકને થયું માનવીને ભૂતકાળમાં જઈને ભૂલો સુધારવાનો એક મોકો મળવો જોઈએ. ભૌતિક કે સ્થૂળ કારણ વગર મનુષ્ય કંઈ જ કરતો નથી.
તેને લાગ્યું કે સોનાલીના મૃત્યુ પાછળ ક્યાંક એ પોતે મુખ્ય જવાબદાર કારણ છે. અનેક પ્રકારના સતત વિચારો ઘૂમતા વિવેકને પોતાની જ જાતને ફિટકાર લગાવવાની ઈચ્છા થઈ. પોતાનાં માટે નફરત થઈ આવી.
જે વ્યક્તિ વધુ પડતું વિચારી શકે છે તે વ્યક્તિ માટે દિલ અને દિમાગ વચ્ચે બેલેન્સ જાળવી જીવવું કઠિન છે. દિલની લાગણી અને મગજની બુદ્ધિ વચ્ચે તાર્કિક યુધ્ધ થાય છે ત્યારે સર્વ દિશામાંથી સમગ્રપણે શોકાગ્નિની જાળ પથરાઈ જાય છે. જે ખીણ જેવા ઊંડા ભૂતકાળ અને સૂકાયેલા કૂવા જેવા વેરાન ભવિષ્ય વચ્ચે ઊભેલાં માણસની વર્તમાન માદક સ્થિતિને ભરખી ભસ્મ કરી છોડે છે.
મનના વિચાર અને મગજના જ્ઞાન સાથેની સ્પર્ધામાં વિવેક ફરી શું કરવું ન કરવુંની સોચમાં ગભરાય છે, અકળાય છે. દિગ્મૂઢ બનીને શાંત થઈ જાય છે પછી વિચારોમાં વીંટળાય છે. સિગારેટો ફૂંકવા લાગે છે. તેની પાસે રહેલું પોતાનું જ સંતાન સચવાતું નથી. બાળક મમ્મી-સોનાલી પાસે જવા જોરજોરથી રડે છે, સ્તનપાન કરવા ઈચ્છે છે.
અઢળક વિચારણા પછી વિવેક પોતાના સંતાનને લઈને આખરે ખંજનના ઘરે આવી પહોંચ્યો.
ખંજનના માતા-પિતા કૌશલ્યા બહેન અને પ્રવીણ દવે અને વિવેકની માતા લીલાવતી બહેન વિવેકના હાથમાં નવજાત શિશુ જોઈને નવાઈ પામ્યા.
‘વિવેક આ કોનું બાળક છે?’
‘આ નવજાત શિશુ?’
વિવેક નિ:શબ્દ રહ્યો.
મૌન રહીને વિચારે છે શું? વિવેક ન્યાયપ્રિય બની બોલી નાખ, આ તારું સંતાન છે. કહેવા માટે તો એમ પણ કહી શકાય છે કોઈ બીજાનું ખૂન છે. રસ્તા પર કે મંદિરમાં મળી આવ્યું. અનાથ છે અને આશરો આપવાનો છે.
આશરો આપી શકાશે પરંતુ ન્યાય નહીં. હજુ કેટલું અસત્ય બોલું? એક જૂઠ પાછળ બીજા કેટલા જૂઠને જન્મ આપું? હજુ કેટલાં અપકર્મો જાણી સમજીને કરું? વિવેકનો આત્મા ઝેરીલા સાપની જેમ તેને ડંખ્યો.
સમજી નહીં શકે, ખબર નહીં પડે જેવી પૂર્ણધારણા ખોટી પડ્યાં વિના રહેતી નથી એ અનુભવ પરથી સાબિત થઈ ગયું છે એટલે હવે સાચું બોલવું એ જ છેલ્લો વિકલ્પ બચ્યો છે.
‘મમ્મી-પપ્પા વિવેક નહીં બોલી શકે. હું કહું? આ વિવેકનું જ બાળક છે.’
ખંજનના વિસ્ફોટક ખુલાસાથી વિવેકની આંખો પલક ઝબક્યા વિના ખંજન તરફ ફાટી રહી ગઈ. રડતાં બાળકને વિવેકના મમ્મી અંદરના રૂમ તરફ લઈ ગયા.
‘ખંજન તને બધી ખબર હતી?’
‘જૂઠનું આયુષ્ય પરપોટા જેટલું હોય છે, બહું ઓછું. લાખ ધમપછાડા કરી પણ સત્યને અસત્યનાં મહોરામાંથી બહાર આવતાં રોકી શકાતું નથી. ગમે તેવો ચાલાક ચોર હોય કે આંખોમાં આંખ પોરવી આસાનીથી જૂઠ બોલી શકતો કહેવાતો સત્યવાદી હોય, એક ભૂલ હર કોઈ કરે જ છે જે બીજી બધી ભૂલ કરતાં અસમાન્ય હોય છે.’
‘કઈ ભૂલ?’
‘પોતાની જાત સમક્ષ ભૂલનો સ્વીકાર કરવાની ભૂલ. ચશ્મા વિનાની આંખો પણ ઘણું જોઈ શકે છે. વિવેક મેં તમારી ડાયરી સંપૂર્ણ વાંચી છે.’
‘સાચું બોલવું જેટલું અઘરું છે તેનાં કરતા સાચું સ્વીકારવું વધુ અઘરું છે. સાચું જોવું અને સાચું સમજવું તેમાં પણ ફર્ક રહેલો છે. ખંજન તે જે સમજયું છે અને હમણાં-હમણાં જે બની ગયું છે તેમાં ઘણો તફાવત છે.’
‘વિવેક, લગ્ન એક પવિત્ર બંધન છે. જેને નિભાવવામાં મેં ક્યારેય કોઈ કસર છોડી નથી. હું ખુશ છું અને રહેવાની. ઈમાનદારી માણસને પોતાનીને પોતાની પાસે બહું ઊચું સ્થાન આપે છે. આજ એક તરફ મને ખુદ પર એક પવિત્ર સ્ત્રી હોવાનો નાઝ થાય છે. એક કર્તવ્યનિષ્ઠ પત્ની બની રહ્યાંનો ગર્વ મહેસૂસ થાય છે અને બીજી તરફ તમારા કુકર્મ પર શરમ આવે છે. સોનાલી પર ઉગ્ર રોષ-ક્રોધ જન્મે છે. આખરે મેં મારી જવાબદારી નિભાવવામાં ક્યાં ચૂક કરી? મારામાં શું ખામી કે ત્રુટિ હતી? મારો અને મારા આવનારા સંતાનનો વાંક શું હતો?’
વિવેક કશું બોલી ન શક્યો. તેની આંખો શરમથી નમેલી હતી.
‘જ્યારે તમે ઓફિસના કામમાં વ્યસ્ત અને સોનાલી જોડે ફરવામાં મસ્ત હતાં ત્યારે મારાં માટે ઘરનો એક એક ખૂણો ખૂંદવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થતું હતું. વિવેક માથું પટકવાનું મન થાય અને જાત દેખાદેખીની આગમાં સળગી ઊઠે જ્યારે તમારો હક્ક તમારો પતિ કોઈ બીજી ઔરત પર લૂંટાવતો હોય. ગમે તેવાં સંજોગોમાં મેં ક્યારેય ઉફ્ફ સુદ્ધાં નથી કરી.’
‘મને માફ નહીં કરે?’
‘માફી? હું નાદાન નાસમજ...’ ખંજનથી રડી પડાયું. ‘હું નાઈન્સાફી સહન કરી લઈશ. મારું બાળક નહીં. મારો હક્ક સોનાલીએ છીનવ્યો છે. મારાં બાળકનો હક્ક-અધિકાર હવે હું તેના બાળકને લૂંટવા નહીં આપું. વિવેક મહેરબાની કરીને સોનાલીનાં બાળકને મારાં મોમ-ડેડના ઘરમાંથી સોનાલી પાસે લઈ જાઓ.’
‘સોનાલીનું સડન કાર્ડિયાક એરેસ્ટથી મૃત્યુ થઈ ગયું છે. એની અંતિમ ઈચ્છા છે આ બાળકને હું સાચવું. આપણે જોડે મળી...’
‘પ્રેમની સજા મોત ન હોય. અકાળ મોત સ્વાર્થભર્યા પ્યારને પામવા જતાં બીજાને દગો દેવાનો દંડ હોઈ શકે. તેનું બાળક તેના માતા-પિતાની જવાબદારી છે. તેના પ્રેમીની કે નાજાયઝ પિતાની ફરજ નથી.’
અવાજને મોટો કરીને ખંજને શબ્દો વધુ કડક કર્યા.
‘જેટલી અપેક્ષા એક પતિ તેની પત્ની તરફથી ઈચ્છતો હોય છે તેટલી જ અપેક્ષા એક પત્નીની તેના પતિથી આપોઆપ બંધાઈ જતી હોય છે. આપવા-લેવાના સમાન સમીકરણો વિના ગૃહસ્થજીવન શક્ય નથી. સોનાલીની અંતિમ ઈચ્છાની જેમ મારી એક ખેવના છે તમે ફક્ત મારા-આપણાં સંતાનના પિતા બની રહો. મારા આવનારા બાળકનો ઉછેર કોઈ પારકી સ્ત્રીના બાળક સાથે થતાં હું એક મા તરીકે સહન ન કરી શકું. મારા આવનારા સંતાન પ્રત્યે મારી કેટલીક જવાબદારીઓ છે.’
‘અને આ બાળક પ્રત્યેની મારી જવાબદારી? જેની મા આ દુનિયામાં નથી.’
‘અને જે બાળક મારા પેટમાં છે તેના પ્રત્યે તમારી જવાબદારી?’
વિવેક પાસે કોઈ જ ઉત્તર ન હતો. શબ્દો ન હતાં.
‘બસ બહું થઈ ગયું. આજ સુધી તમે મને પત્ની સમજીને વ્યવહાર કર્યો નથી પરંતુ પીસની જેમ વાપરી છે. મારાં મૌનનો ગલત મતલબ સમજ્યો છે. પ્રાપ્ય અબાધિત અધિકારોનો દૂરપયોગ કર્યો છે. હવે વધુ નહીં. સંબંધો મૃત નથી હોતા તેને જીવની જેમ સાચવતાં આવડવા જોઈએ. માવજત કરીએ નહીં તો કરમાઈ જાય. ક્યારેક તેમાં વિક્ષેપ પડે તો તેને સાચવવા આકરા નિર્ણય લેવા પડે અને ભવિષ્યને ધ્યાનમાં રાખી મારો નિર્ણય છે હું આ બાળક સાથે તમારી જોડે રહેવા ઇચ્છતી નથી.’
ખંજન અને વિવેકનો વાર્તાલાપ ભાવશૂન્ય બની ગયો.
ઘરની દીવાલો વચ્ચે ઘૂંટાતું બાળકનું રૂદન કર્કશ લાગવા લાગ્યું.
લાંછનરૂપ લગ્નેત્તર સંબંધોનાં કૃત્યોથી વિવેકની મમ્મીને ગુસ્સો આવ્યો. શર્મસાર બની નીચું જોવાપણું થયું. ખંજનનાં માતા-પિતાએ પણ વિવેકે કરેલી બચકાના હરકતો પર ઠપકો આપ્યો.
વિવેક બાળક અને પોતાની મમ્મીને લઈને ખંજનનાં ઘરથી નીકળી ટ્રેન પકડીને પોતાનાં શહર તરફ આવવા રવાના થઈ ગયો.
સમર્પણ, સ્વમાન, સંસ્કાર, સભ્યતાની સરહદો વચ્ચે તૂટતા-બંધાતા... બંધાતા-તૂટતા... સ્વાર્થ નામના ભાવની જીવલેણ પકડમાં સપડાઈને મુર્જાઈ જતાં સંબંધો ફના-ફાતિયાં થઈ ગયાં. અહિંસક વેરની વસૂલાતના વ્યવસાયમાં માણસ સંબંધો પ્રત્યે ઊંડી અનુકંપા દાખવાના બદલે ચિત્રગુપ્ત બની પાપ અને અન્યાયના હિસાબ કરે છે ત્યારે કળિયુગમાં પણ છાને ખૂણે અગ્નિ પરીક્ષાઓ અપાતી રહેતી હોય છે.
સીતાએ રામને કહ્યું હતું ‘ત્વમેવ ભર્તા ન ચ વિપ્રયોગ’ આવતા ભવ તમે જ મને પતિ તરીકે મળો.
પતિ-પત્ની હરેક જન્મો સાથ જીવવા માગે છે અને ક્યારેક જો એ દર જન્મ જોડે જીવવા ઈચ્છતા દાંપત્યના સુખી-સંપન્ન જીવનમાં કોઈ બીજું પ્રવેશે તો? તો જીવતેજીવ જે વ્યક્તિને તમે કહ્યું હતું કે, તારાં વિના જીવનનાં એક-એક પળ જીવવા અશક્ય છે તેની જોડે એક-એક ક્ષણ પસાર કરવી મુશ્કેલ થઈ જાય છે.
ઘોંઘાટ કરતી ટ્રેનનાં સેકેન્ડ ક્લાસનાં હાલતા ડબ્બાના દરવાજે વિવેક ઊભો રહીને નજર સામે આવતા ક્ષણોમાં બદલતા રહેતા ખેતરોનાં દૃશ્યો જોઈ રહ્યો હતો. ગોરંભાયેલી જાંબુડી સાંજ પાણી વરસાવતી જતી હતી. જે વરસાદી છાંટા વિવેકનાં ગાલને સ્પર્શી આંસુમાં ભળી જતાં હતાં. આંખોમાં પડછાયો બનીને પથરાયેલી ખારી ભીનાશનો નમકીન સ્વાદ વિવેકનાં ઝખ્મો પર નમક જેવો કરારો હતો. જન્મનો જય રૂદનથી થાય છે તો મૃત્યુનો લય પણ રૂદન જોડે સંકળાયેલો છે. આંસુ હર્ષના પણ હોઈ શકે, હાસ્યને શોકમાં સ્થાન નથી.
અમર્યાદ ઈચ્છાને આધીન રહી જીવન હવે કેવું અને કેટલું જીવાશે?
એ સાથે સાથે છે છતાં પાસે પાસે નથી.
મનનાં એક ખૂણે ખટ્ટી-મીઠ્ઠી યાદો સંઘરીને એકલતાની ખાલી જગ્યાઓ ભરી નહીં શકાય. જો ભીતર રહેલું ખાલીપણું ભરવું હોય તો...
જો જિંદગી આસમાન છે તો કબૂતરની જેમ જીવો.
જો જિંદગી જમીન છે અળસિયાની જેમ જીવો.
જો જિંદગી પાણી છે તો કાચબાની જેમ જીવો.
જો જિંદગી આગ છે તો બરફની જેમ જીવો.
જિંદગી સ્વયં આપમેળે આગળ વધતી જાય છે. ક્યારેક વ્યવસ્થિત તો ક્યારેક ડગમગતી જીવાતી જાય છે. કપાતી જાય છે. ખવાતી જાય છે. ઉજવાતી જાય છે.
ભીડથી ખીચોખીચ ભરેલી ટ્રેનની વ્હીસલ વાગી પ્લેટફોર્મ પર ઊભી રહી ગઈ. વિવેકનું શહેર આવી ગયું. ફરીથી એ જીવનચર્યા શરૂ. ઓફિસનાં કામની વ્યસ્તતા. ડાયરી લખવી. સિગારેટો પીવી. ક્યારેક શરાબ પણ. પ્રોજેકટની તૈયારી. વિવેકની મમ્મી બાળકની દેખભાળ રાખતી. ઘરકામ માટે એક નોકર રાખી લેવામાં આવ્યો. બસ આટલું કાફી હતું?
સવાર પડે છે ને આંખો ખૂલે છે. રાત થાય છે ને આંખો બંધ થઈ જાય છે. દિવસો સામાન્યપણે ગુજરતા ગયા. તોફાન પછીની થોડી શાંતિ છવાઈ તો ખરી પરંતુ હજુ વિષાદ, ઉદાસી, તિતિક્ષા, રિક્તતા, નિર્લેપ, નિર્થકતા, બોજલતાનો કોઈ ઉપાય નહીં.
માનવસમાજ ભીરુ અને ચતુર છે. ખોટું કરવાંમાં શૂરો અને સાચું સામે આવે તો ડરપોક. પાંજરામાં રહેલાં સર્કસના સિંહ-વાઘ જેવો. જે કેદમાં હોય ત્યારે ગર્જન કરશે અને જ્યારે રીંગ માસ્ટર કરતબ કરાવશે ત્યારે ઊછળકૂદ કરશે. પ્રેક્ષકોને મનોરંજન આપશે.
જીવન રંગમંચ નથી. જીવન કિતાબ નથી. જીવન ફિલ્મ નથી. જીવન એક એવા મેદાન વચ્ચે રમાતી રમત છે જ્યાં માણસ કલાકાર નથી, કર્મકાર છે. જ્યાં પ્રેક્ષકો નથી. દર્શકો નથી. હિતેચ્છુઓ જ હરીફ છે. વર્તુળાકાર વ્યવહારો છે.
જીવનમાં ઘણું બધું ગોળ છે એટલે આપણે પણ પૃથ્વી પર રહી ગોળગોળ ફરીએ છીએ. મતલબ સવારથી રાત અને રાતથી સવાર સુધી ઘડિયાળનાં કાંટાની જેમ પ્રદક્ષિણાઓ ફરતાં રહેવાની. અતઃથી ઈતિ ટૂંકમાં જીવનનો આકાર ગોળ છે.
કેટલીક વાર આખરની ગણતરીઓ હંમેશા પહેલેથી શરૂ થાય છે. અંક ગણિતમાં સૌથી નાની રકમ શૂન્ય છે. અને સૌથી મોટી રકમમાં પણ સૌથી વધુ શૂન્ય છે. જેમ જેમ શૂન્યો વધતાં જાય છે તેમ તેમ કિંમત વધતી જાય છે. અને જ્યારે ફક્ત ઘણાંબધાં શૂન્ય ભેગા થઈ જાય છે ત્યારે વિવેકની જિંદગીની જેમ જીવનમાં સંબંધોનાં સરનામે શૂન્યાવકાશ સ્થપાય છે.
