અન્યમનસ્કતા પ્રકરણ (૧૦)
અન્યમનસ્કતા પ્રકરણ (૧૦)
‘તને લાગતું હશે હું શરાબના નશામાં કંઈ પણ બોલી રહ્યો છું, પણ ના ધૈર્ય, આ શરાબ જે રીતે સ્મૃતિના જાળા સાફ કરવાનું કામ કરે છે અને પછી ભૂતકાળની જેમ પાછળ પડીને આદત બની પીછો ન છોડે એ રીતે સોનાલી સાથેના સંબંધોએ મને મથામણની માયાનગરીના ભૂલભૂલૈયામાં એવો ફસાવી નાખ્યો છે કે એ લાગણીભર્યા જડ ચુંગાલમાંથી છૂટવાનો રસ્તો મળતો નથી. હું તરફડી રહ્યો છું!’
‘જ્યારે આદતો પોતાના પર અધિપત્ય, અધિકાર જમાવી બેસે છે ત્યારે જીવનનું લચીલાપણું ખોવાઈ જાય છે. તારી ઊભરાઈ જતી લાગણીઓને લગામ લાદવાની જરૂર છે. તારું માનવતાભર્યું મળતાવળાપણું, તારા નામ જ જેવો અસ્સલ વિવેકી સ્વભાવ, સૌને ગમી જાય તેવી ટેવ-કુટેવ, ગંભીર વાતચીત કરવાની ઢબ અને અસ્ખલિત વહેતો જીવનપ્રવાહ...’ ધૈર્ય બોલતાં અટક્યો. ખાલી પ્યાલાઓમાં શરાબ નાખતાં કહ્યું,‘આ બધાં કારણો છે, લક્ષણો છે જે તને ઢસડીને મહોબ્બતની માથાકૂટોભર્યા મંઝર સુધી લઈ જઈ એકલો છોડી દે છે.’
‘ધૈર્ય, કદાચ તું સાચો છે.’ વિવેકે લાંબો કશ લઈ સિગારેટ ઍશ-ટ્રેમાં ઠારી. શરાબનાં ખાલી પ્યાલા ભરવા સૂચવ્યું.
ધૈર્યના શબ્દોમાં તીખાશ આવી. ‘તારી ઘરવાળી તારા બાળકની મા બનવાની છે. એ વ્યક્તિ જેણે તને સુખ-સંપત્તિ અને સંતાન આપ્યું તેની જોડે તને આવું ખોટું કરતાં થોડો પણ વિચાર ન આવ્યો? આમ તો તું બહુ મોટી-મોટી સિધ્ધાંત અને આદર્શની વાતો કરતો ફરતો હોય છે. સાલા ઊંચી ઊંચીનાં બંડલબાજ માણસ...’
‘વિચાર આવ્યો હતો ધૈર્ય. પ્રામાણિક બનવા માટે ધર્મ-અધર્મની કે પાપ-પુણ્યની ફિલસૂફી સમજવી પડતી નથી. જીવનમાં જન્મેલી ઇચ્છાઓને તરત જ મોક્ષ આપી દેવાનો.’
‘તું હજુ પણ પહેલા જેવો જ રહ્યો. ભૂતકાળને પકડીને લાગણીપ્રધાન સગપણો અને સપનામાં જીવતો.’
ધૈર્યની વાત પર વિવેકે અણગમો દર્શાવ્યો. ‘ના, ના, સોનાલીએ કીધું હતું હું બદલાઈ ગયો છું.’
‘એ ભોળા ભગત. વર્તમાનમાં કરેલાં કર્મનું પરિણામ જ્યારે ભવિષ્યનાં બદલે વર્તમાનમાં જ મળવા લાગે ત્યારે સમજવું કે આપણે સમયથી બહુ પાછળ ચાલી રહ્યાં છીએ અને જીવનની ચડઉતર સાથે સંકળાયેલા અમુક સગા-સબંધી આપણને છોડવા ઇચ્છતા નથી. સોનાલી પણ તને પામીને ગુમાવવા ન માગતી હોવાથી આવું બોલી હશે. દોસ્તીની વ્યાખ્યા શું હોઈ શકે એ ખબર ન હતી ત્યારથી હું તને દોસ્ત તરીકે ઓળખું છું. તે અંગત મુશ્કેલીઓનો વિચાર કર્યા વિના, બાહ્ય સહાય લીધા વગર કોઈ ગણતરીબાજ જેવી નોંધ ક્યારેય લીધી નથી. તારું અંગત જીવન કપરું હોવા છતાં કોઈ સગા-સ્નેહી કે દોસ્તો પાસે હાથ લાંબો કર્યો નથી. એ કાલ સવારે આવેલી સોનાલી શું તને ઓળખી શકવાની?’
ધૈર્યને વિવેક ભેટી પડ્યો. ‘વાહ, દોસ્ત..’
‘તું હજુ પણ પહેલાં જેવો જ છે લફડાબાજ. હા, હા, હા.’
શરાબના ગ્લાસ ટકરાયાં, જામ છલકાયાં. જૂના સૂરીલા ગીતો, કડવી શરાબી વાતો અને તૂરી સિગારેટનાં ગોટાઓમાં શબનમી રાત ક્યારે પસાર થઈ ગઈ એની ખબર ન રહી.
વિવેક ઊઠ્યો. આંખો ખોલીને તેણે એક લાંબુ બગાસું ખાધું. પલંગ પર એ એકલો સૂતો હતો. ધૈર્ય પોતાના ઘરે જતો રહ્યો હતો. કંપનીનું કામ પતાવી મળવાનો મેસેજ તેણે સેલફોનમાં મૂક્યો હતો. આઠ વાગ્યા હતાં. દીવાલ પર લટકેલી જૂની ઘડિયાળ પરથી નજર ફેરવી અરીસામાં તેણે પોતાનું નિસ્તેજ મોઢું જોયું. આંખો જરા ભારેખમ થઈ ગઈ હતી. શરીર તૂટતું હતું. ફટાફટ નિત્યક્રિયા આટોપી એ તૈયાર થઈ ગયો. ઘરની નજીક ચાની રેકડી પર ચા-ગાંઠિયાનો નાસ્તો કરી આવ્યો. સિગારેટ પીધી. પોતાનાં કામ પર જવા નીકળતી વખતે તેનું ધ્યાન એક પેટી પર ગયું. તે પેટી પાસે આવ્યો અને ધીમેથી પેટી ખોલી.
ભમરડો, કેરમની કૂકરી, ઇષ્ટોની કોડીઓ, લખોટીઓ, શતરંજના પ્યાદાઓ, નાની-નાની મોટરો. તેણે એક કાળી પાટી જોઈ. એની પર ઇષ્ટો રમતનાં ખાનાં દોર્યાં હતાં. પીળા પડી ગયેલાં પાનાંની એક દેશીહિસાબની ચોપડી એ પેટીમાં હતી. ભૂખરા કાટ ખાધેલા કંપાસ બોક્સમાં પેન્સિલ, પેન હતી. ભૂમિતિનો સમાન હતો.
સઘળા સ્મરણો આંખ સામેથી ફિલ્મની પટ્ટીની જેમ પસાર થવા લાગ્યા.
વિવેકની સામે બાળપણનાં દૃશ્યો એક પછી એક ક્રમબધ્ધ રીતે આવવા લાગ્યા.
એ નાનો હતો ત્યારે તેને ચડ્ડી પહેરવી અને માથામાં તેલ નાખવું ગમતું ન હતું. બાળક વિવેક શક્તિમાનનો ફેન હતો. એને અલ્લાઉદ્દીનનાં કાર્ટૂનની હિરોઈન જેસ્મિન બહુ ગમતી. ગલી-ગલી સીમ-સીમ પોગ્રામ જોવા એ ક્યારેક શાળા ન જતો. એ બહેનપણીઓ પાસે મોટી-મોટી વાતો કરતો અને એમનાં અક્ષરનાં વખાણ કરી લેસન કરાવી લેતો. બદલામાં ક્યારેક રાજી થઈ પાવલીવાળી પીપર આપતો. વિવેકે મનોમન કહ્યું...
‘કિસ્મત કહો કે કરામત ગાળ બોલવી, ચોરી કરવી કે કોઈને મારીને ભાગવું એ આજે પણ બાળપણનું જરૂરી લક્ષણ લાગે છે. નાસ્તાનો ડબ્બો હોય કે કરિયાણાની દુકાનમાંથી જીતાતું ઈનામ, બધું ઝૂટવ્યું છે. કપાયેલી પતંગ મારા હાથમાં આવવી જોઈએ ભલેને પછી ફાટી જાય.’ વિવેક મનોમન ગમગીન મુસ્કુરાયો.
પપ્પા પાસે આવીને એ અદેખાઈ, લુચ્ચાઈ, ઠગાઈ, બેઈમાનીની વાતો ગર્વથી કહેતો અને પપ્પા પ્રેમથી ખિજાતા ત્યારે મમ્મી છાતી સરસો ચાંપીને સાડીના છેડામાં સંતાડી દેતી. પપ્પાને વઢતી, ‘કેમ મારા રાજા દીકરાને હેરાન કરો છો?’
મમ્મી હંમેશા તેનો પક્ષ લેતી. એકનાં એક સંતાન વિવેકને લાડ લડાવતી. ક્યારેક તેને ખિજાતી - મારતી અને પછી રિસાયેલા વિવેકને મનાવતી. ઘરમાં ક્યારેક મહેમાન આવતા ને સ્વાદિષ્ટ ભોજન બનતું. બધાં બાળકોની જેમ ચિટીંગ કરીને કોઈ વાનગી સેરવી લેવાને વિવેક બહાદુરી સમજતો.’ વિવેકની માથાની રેખા તણાઈ અને હોઠ મરક્યા. તે મનોમન બબડ્યો,‘બાળક વિવેક અને આજનાં સમજદાર પુરુષ વિવેકમાં ક્યાં કંઈ અંતર છે? ચિટીંગ કરીને આજે પણ તે મજા લઈ જાણે છે, પણ હતાશાય સાથે ભોગવી રહ્યો છે.’ એલ્યુમિનિયમની પેટીને ફંફોસતા એક પિત્તળનો તૂટલો ગલ્લો નીકળ્યો. એ ગલ્લામાં પૈસા ભેગા કરી-કરીને સાઇકલ લીધી હતી. અને પછી સાઇકલ વેચીને વીડિયોગેમ ખરીદી હતી.
ઘરમાં, ઓરડામાં, દીવાલોનાં ખરતા પોપડામાંથી શૂન્યતા પ્રસરી ગઈ. સીલિંગ ફેનનો ઘરઘરાટ, ઘડિયાળનું ટક... ટક... ટક...
જૂની વસ્તુ સાચવી રાખવાનાં શોખનાં કારણે આજ પૂરું બાળપણ પટારામાં પડ્યું છે. જેમાં રમત-ગમતના સાધનો બાળપણની માસૂમિયત, મુલાયમિયત, આજની કઠોરતા અને કાલીમા ઊભી કરી અસહ્ય કેફ ચડાવી રહ્યાં છે.
બધાં મોટી ઉંમરનાં માણસો જેમ બાળપણનાં સ્મરણો તાજા થતાં વિચારે તેવું વિચારી વિવેકે તીવ્ર ઈચ્છા દર્શાવી કે કાશ આ બધું ફરી જીવવા મળે. સજીવન થાય.
વિવેક ધીમી ચાલે ઘરનાં ફળિયામાં આવ્યો. પાડોશના મકાનની ગેલેરીમાં કપડાં સૂકાવતી એક સ્ત્રીએ તેની સામે જોઈ હાસ્ય વેર્યું. તે પેલી સ્ત્રી સામે જોઈ રહ્યો. એનું નામ ટીના છે. એ નાનપણની ટીનકી જેની જોડે એક પાટલી પર બેસી ભણ્યું. જેની જોડે રમ્યું, ઝઘડયું અને એકવાર જ્યારે ઘરમાં મમ્મી ન હતી ત્યારે ટીનાને બોલાવી છત પર લઈ જઈ જીવનમાં પહેલીવાર કોઈ યુવતીને ચુંબન કર્યું હતું એ આ ટીના હતી અને પછી પરણવાનો વાયદો કર્યો હતો. ટીના હાંફતી હાંફતી પોતાનો હાથ છોડાવી સીડીઓ ઊતરી ભાગી છૂટી હતી અને રસ્તામાં મમ્મી મળતાં બુક્સ લેવા આવી હતી એવું બહાનું આપી દીધું હતું. પણ તે આજ અહીં? વિવેક શેરીમાં આવ્યો. ટીના કપડા સૂકવવાનું છોડીને પોતાના ઘરની ડેલી ખોલી બહાર આવી. થોડીવાર બંનેને શું બોલવું એ જ ના સમજાયું અને પછી ઘરમાંથી એક નાનકડો બાબો બહાર આવ્યો.
ટીનાએ કહ્યું,‘આ મારો છોકરો છે.’
વિવેકે ટીનાના સંતાનને પૂછ્યું,‘શું નામ છે બેટા તારું?’
બાળક અક્ષરો છૂટા પાડી બોલ્યો,‘વિ...વે...ક.’
વિવેક ટીનાની સામે જોઈ રહ્યો.
આસપાસ અન્યમનસ્કતા છવાઈ ગઈ.
જિંદગીમાં એકાએક આ શું-શું થઈ રહ્યું છે?
રાજકોટનું આ ઘર. એ શેરી, એ સોસાયટી, એ મેદાનોની ઊડતી ધૂળ, એ તીવ્ર તડકો, એ શરીર પર અથડાતો મેહુલો, એ લચીલી લહેરાતી હવા, એ પાનની દુકાનો, ચાની કેબિનો, ધૂમાડા છોડતી રીક્ષાઓ, ટ્રાફિક જામ કરતી સીટી બસ, હોટલ, સિનેમાઘર, ઓડિટોરિયમ, બાલ-ભવન, ફનવર્લ્ડ, બાગ-બગીચા, મિત્રોનાં ઘર, સગા-સંબંધીના મકાનો, દુકાનો, બજારો, પ્રાર્થનાગૃહો, સભા મંડપો, લગ્નહૉલ, મંદિરો, સ્મશાન... પડછાયાની જેમ આ બધું છોડવા તૈયાર નથી અને પડછાયાની જેમ જ રંગ અને આકાર વગરનું ગઈકાલ અને આવતીકાલ વચ્ચે તડફડતું વર્તમાન.
વિવેક વિચારોની આંધી વચ્ચે ઓફિસના કામથી પોતાના મહાગામડાની ભરચક વાહનોવાળી સડકો પર નીકળી પડ્યો.
જીવનની ખાસિયત, જીવનની અપનિયત, જીવનની નાદનિયત આજે આ રાજકોટ શહેરમાં આવીને જાણે વિવેકને અકારણ ખૂંચી રહી છે. ભગવાન યાદ આવી ગયા. ચોક દર ચોક આવતી, ગલી હર ગલી જોવા મળતી હનુમાનજીની ડેરીઓ. સૂતા, બાલ, સાત, કપીલા, બોલબાલા, રામદૂત, રોકડિયા, રંગીલા, સૂર્યમુખી, પંચમુખી, સંકટમોચન, કષ્ટભંજન અને સંકલ્પસિધ્ધ હનુમાનજી. કેટકેટલાં રામભક્તનાં ભક્ત છે આ મહાનગરમાં તેમ છતાં ધર્મ દ્વારા આત્માને વ્હાઈટવૉશ કરી શકતો નથી. મિથ્યા આદર્શોની આધાશીશી ઊતારવા માટેની ગોળી પુસ્તકો કે પ્રવચનોમાં ન પણ મળે! શું કરવું તો? અનામી, ગેર સંબંધો નામના હકીકત અને કલ્પના વચ્ચે હીંચકા ખાતા અસ્તિત્વો સમજવાની ફુરસદ કે હિંમત નથી.
વિવેક પોતાનાં કામ પતાવતો ગયો. ગાડીમાં પંચર પડ્યું. બપોર થઈ વાદળામાં સંતાતો, છુપાતો સૂર્ય માથે આવ્યો. પરસેવો થઈ આજ મધ્યાહ્ન સુધીમાં જ થાક લાગવા લાગ્યો.
રાજકોટ છોડ્યું તે પહેલાનું બાળપણ ને કુમારાવસ્થા અને આજનું રાજકોટ. સટ્ટા અને ગુટખાનું સૌરાષ્ટ્રનું પાટનગર. અહીંના લોકોમાં ખંત, ખુન્નસ અને ખુદ્દારી છે. જે ખુદ્દારી આજ મારામાં રહી નથી. તમાકુની વાસવાળા તેજ વ્યસની શહેરીજનો વચ્ચે ગૂંગળામણ થઈ ભૂતકાળની અનેક આંટીઘૂંટીઓમાં અટવાઈને તેને બેચેની થઈ આવી. પોતપોતાની દિશામાં દોડતા લોકોએ જાણે ધસમસતા તેની તરફ ડગલા માંડ્યા અને એ ગુનેગારની જેમ ભાગ્યો. દોડ્યો.
પ્રચંડ અવાજ ગૂંજ્યો. બોમ્બ ફૂટ્યો. ફટાકડાનાં શોરમાં વિવેકનું ધ્યાનભંગ થયું. વિવિધરંગી શણગાર સજેલા લોકોની જાન નાચતી-ગાતી પસાર થઈ.
‘જિંદગી પોતાનાં આદર્શો મુજબ જ હજુ જીવવી પડશે. બીજાની સલાહો પર નહીં જ.’ તેનામાં અદૃશ્ય શક્તિનો અજબ સંચાર થયો. રાજકોટ. લાગણીઓની સુંવાળપથી સ્પર્શતું શહેર. આગિયા જેવાં ધમધોકાર અરમાનો વચ્ચે જીવતા લોકોમાં સતત જીવંત દિલની જેમ ધડકતું ધબકતું રાજકોટ. જ્યાં ભૂતકાલીન આશા-અભિલાષા અને વર્તમાન આકાંક્ષાનું સંમિશ્રણ થઈ વિવેકની અંદર મન-મગજમાં એક મક્કમ નિર્ણય નક્કી થઈ ચૂક્યો હતો.
રસિકતાના મનભેદમાં સમાધાનનો સરળ રસ્તો શોધી કાઢવામાં યાદોનો ખજાનો બની ગયું છે એવું આ શહેર. જીવનમાં કરેલાં કેટલાંક અકથિત, અસહ્ય સારા-નરસા કાર્યો, કારસ્તાનોનું ગવાહ બની રહેલું આ રમતિયાળ રાજકોટ આજે મુક્તિધામ બની વિવેકને હાશકારો કરાવી રહ્યું હતું. વિવેકનાં અસ્તિત્વ અને વ્યક્તિત્વ જેવું જ વૈવિધ્ય અને વિરોધાભાસ ઉપજાવી સળગતા ગૂગળનાં ધૂપની જેમ સતત મહેકતા, મંથન કરાવતા જાણે તેને તેનું દર્પણ દર્શાવી રહ્યું હતું. નવી દિશા અને દશા સૂચવી રહ્યું હતું.
રાજકોટમાં વિવેકને ઉછેર, સંસ્કાર અને શિખામણ મળ્યાં હતાં. પોતાનાઓનાં લગન-મરણ, આત્મહત્યા-એક્સિડન્ટ જોયાં. આનંદ-શોક અનુભવ્યાં. ઘણું સમજ્યો અને શીખ્યો. સમૂહ, સંગઠન, સંસ્થા, સમાજ, શહેરીજનો અને આત્મજનોની વ્યાખ્યા અને વ્યવહારથી પરિચિત થયો હતો. ઘડાયો હતો. આ બધામાં આજ જાણે તેને જીવન જ્ઞાન મળ્યું.
મમ્મીનો ફોન આવ્યો. ગાડીનો ટેકો લઈ ઊભેલા પંચર કરાવતા વિવેકે કોલ લીધો.
‘વિવેક, બેટા મમ્મી બોલું છું. જય શ્રી કૃષ્ણ.’
‘જય શ્રી કૃષ્ણ. બોલો મમ્મી. કેમ છો? ખંજનને સારું છે ને? હું કાલ સુધીમાં કંપનીનું કામ આટોપીને તમારા બધાં પાસે આવી પહોંચીશ.’
‘દીકરા, ડૉક્ટરે ખંજનની ડિલિવરીની ડેટ આપી છે. વેવાઈની એવી ઈચ્છા છે કે ખંજન બાળકને પોતાનાં પિયરમાં જન્મ આપે. હવે પાછલા દિવસોમાં તું તેને સાથ આપી શકતો નથી અને હું એકલી કેટલે પહોંચી શકું? અમે આજે ફ્લાઈટથી તારા સાસરે મુંબઈ આવી ગયા છીએ. તું અહીં મુંબઈ આવી જા.’
‘સારું મમ્મી. હું બિઝનેસનું કામ પતાવીને થોડાં દિવસોની રજા લઈ અહીંથી સીધો બોમ્બે આવી જાઉં છું.’
વિવેકે કોલ ડિસકનેક્ટ કર્યો. તુરંત મુંબઈના કોડવાળા લેન્ડલાઈન નંબર પરથી કોલ આવ્યો. ખંજન હશે એવું સમજી તેણે કોલ સ્વીકાર્યો.
‘હલ્લો...’
‘…..’ કોઈ બોલ્યું નહીં.
‘હેલ્લો...’
‘વિવેક, હું સોનાલી.’ સોનાલીનાં અવાજમાં નમી હતી. તેનાં બે શબ્દોમાં એક હતાશા અનુભવી વિવેક સીધું બોલ્યો,‘હું અત્યારે રાજકોટ છું, આજે જ અહીંથી પ્લેનમાં બેસીને બોમ્બે આવવા રવાના થઈ રહ્યો છું.’
સોનાલીને ડુમો ભરાઈ આવ્યો. આંખમાંથી દડદડ કરતું પાણી વહ્યું. ‘હકીકતમાં વિવેક?’
રડતી સોનાલીને અસત્યના અંધારામાં રાખીને વિવેકને જાણે તેની ભૂલ સમજાઈ હોય એ રીતે સ્વયંને દોષિત ગણી ગુનાહિતભાવે કહ્યું,‘હા, પ્રોમીસ. હું તારી પાસે આવું છું. મુંબઈ.’
