અંતર મંતર વિજ્ઞાન જંતર - 5
અંતર મંતર વિજ્ઞાન જંતર - 5
દૃશ્ય-૬
(ઝાડી પાર કરીને બાળકો જંગલના રસ્તે આગળ વધે છે. પવનના સુસવાટા, પંખીઓનો કલરવ વગેરે સંભળાય છે. ત્રણ-ચારના મોઢા ઉપર ડરનું પ્રમાણ વધી ગયું છે. એમાંય કમલનું ખાસ.)
કમલ : કાના, હજીયે હીંચકો ખાઈને આ બાજુથી પેલી બાજુ ચાલ્યા જઈએ તો ? વળી કંઈક એવું આડું આવશે તો શું કરશું ?
કાનો : એનોય રસ્તો નીકળી જશે. તું ખાવાનું ઓછું, અને ચાલવાનું વધારે રાખ !
વિજય :હા, કાના ! જંગલ ભયંકર તો લાગે છે !
સંજય :ભયંકર નહિ, ખૂબ ભયંકર લાગે છે !
સાવન :મને તો ભૂતના ઘર જેવું લાગે છે.
કાનો : છોડો એવી વાતો, અને આગળ વધો. હું છું ને !
(થોડે આગળ વધ્યા ત્યાં કાદવનો એક ખાડો દેખાયો. રસ્તાની બંને બાજુ ગીચ ઝાડીઓ અને વૃક્ષો હોવાથી આગળ વધવા માટે ખાડો પાર કરવો પડે તેમ હતો.)
કમલ : એ કાના, મારે અહીં હીંચકો નથી ખાવો હો ! ત્યાં હીંચકો ખાવામાં જીવ તાળવે આવી ગયો હતો ! હું તો આ ખાડામાં ઊતરીને ચાલ્યો જઈશ.
(કમલ ખાડામાં પગ મૂકે છે ત્યાં જ લપસીને પડે છે. આખો કાદવવાળો થઈ ગયો. ગોકુલ તેને કાઢવા હાથ લંબાવે છે. ત્યાં એ પણ લપસીને પડે છે. એની પાછળ બકુલ પણ પડે છે.)
કમલ : (રડમસ અવાજે) મારું ખાવાનું... !
સંજય : તને ખાડામાંય ખાવાનું યાદ આવે છે ?
કમલ : બધું ખાડામાં ગયું એમ કહું છું. હવે હું શું કરીશ ?
કાનો : વિચાર્યા વગરનું કામ મુસીબત લાવે. હવે કોઈ ઉતાવળ ન કરતા. હું રસ્તો કાઢું છું.
(તે બૂમ પાડે છે) ભેરુબંધ રોબોટ... !
(બધા ઊંચે નજર કરતા હતા ત્યાં જ રોબોટ બાજુમાં અચાનક જ દૃશ્ય થયો. બધા ચોંકી ગયા.)
રોબોટ : બોલો ભેરુબંધ, શું કામ પડયું ?
કાનો : આ ખાડાને પાર કરાવ !
રોબોટ : હું સલાહ આપું, કામ ન કરું ! ખાડો ટૂંકો છે. ઝાડની સૂકી ડાળીઓ ભેગી કરી પુલ બનાવો. ખાડો પાર કરો. દોરીના સહારાથી આ ત્રણેયને બહાર કાઢજો.
(આટલું કહી રોબોટ અદૃશ્ય થઈ જાય છે. કાનો અને બાકીના મિત્રો આજુબાજુમાંથી સૂકી ડાળીઓ શોધે છે અને ખાડા ઉપર મૂકીને ખાડો પાર કરે છે. પછી દોરી નાખીને પેલા ત્રણેયને પણ બહાર કાઢે છે.)
(ક્રમશ:)
