અંતર મંતર વિજ્ઞાન જંતર - 3
અંતર મંતર વિજ્ઞાન જંતર - 3
દૃશ્ય-૪
(આઠેય બાળકો જંગલના રસ્તે આગળ વધે છે. બધા પાસે ખભે ટીંગાડેલ થેલા છે અને તેમાં કાંઈક ને કાંઈક લીધેલું છે. મજાક-મસ્તી કરતા જાય છે. કમલ ખિસ્સામાંથી કાઢીને કંઈક ખાધા કરે છે. તેનું મોઢું ખાવા માટે ચાલુ જ રહે છે.)
કાનો : જુઓ, કોઈએ ડરવું નહિ અને કયાંય ઉતાવળ કરવી નહિ.
કમલ : શું ડરવું નહિ ! વાઘ આવીને ઊભો રહી જાય તો મામો ન થાય.
સાવન : એ ભાઈ ! જંગલમાં ઘૂસ્યા ત્યાં વાઘની વાતો શું કરે છે ?
બકુલ : માળું આ જોખમ તો કે'વાય હો !
કાનો : કંઈક જાણવા માટે જોખમ પણ કરવું પડે. જોખમ કરે એ જ જીતે છે.
કમલ : તને ડાહી ડાહી વાતો આવડે. અમારું છટકી જાય એનું શું ?
કાનો : હિંમત હોય તો ડરને ભગાડવાનો રસ્તો મળી જાય. કોઈએ હિંમત ન કરી હોત તો વિજ્ઞાનની કોઈ શોધ થઈ ન હોત.
(ત્યાં જ કોઈ ગર્જના જેવો અવાજ આવે છે. કમલ કાનાને ચોટી જાય છે.)
કમલ : લે, હવે બતાવ હિંમત ! મામો આવ્યો લાગે છે.
કાનો : કાંઈ નથી. બીકણફોશી ન બન !
સંજય : બનવાનું કયાં છે ? છે જ...
બકુલ : હોવે હો. કમલિયાને દોરીમાંય સાપ દેખાય.
કમલ : એમ કાંઈ બીકણ નથી હો ! ઈ તો...
વિજય : ઈ તો બીવાય જાય છે એમ જ ને ?
અજય : ખોટી વાતો બંધ કરીને આગળ હાલોને !
દૃશ્ય-પ
(બાળકો થોડે આગળ ચાલ્યા ત્યાં એક કાંટાળું ઝાડું આવે છે. બંને બાજુ દૂર સુધી નજર કરી. પણ કયાંય રસ્તો દેખાયો નહિ. સૌ વિચારમાં પડી ગયા.)
કમલ : રસ્તો બંધ છે. હાલો પાછા ઘરે !
ગોકુલ : આપણે કાંઈ પાછા જવા નથી આવ્યા !
સંજય : (ચીસ પાડીને) ઈ શું કહેશ ? શું બીજાની જેમ આપણું પણ આવી બનશે !
કાનો : અરે ભાઈ, નિરાંત રાખો. હમણા કાંઈક રસ્તો નીકળી જશે. (કાનાએ બૂમ પાડી) ભેરુબંધ રોબોટ.... !
સાવન : આ વળી તારો કયો ભેરુબંધ છે ?
કાનો : હમણા આવી જશે.
(રોબોટ ઊડતો-ઊડતો આવે છે. બધાનું ધ્યાન એ બાજુ પડે છે.)
(ક્રમશ: )
