અંતર મંતર વિજ્ઞાન જંતર - 1
અંતર મંતર વિજ્ઞાન જંતર - 1
(સૂચના : કોઈપણ પ્રયોગ નિષ્ણાતની સલાહ અને દેખરેખ વિના ન કરવા. પાત્રો, ઘટના અને વાર્તા કાલ્પનિક છે. તેને કોઈ જીવિત કે મૃત વ્યક્તિ કે ઘટના સાથે સંબંધ નથી. એવું લાગે તો તે સંયોગ માત્ર છે.)
દૃશ્ય-૧
(શાળાના બાળકો બસમાં બેસીને પ્રવાસે જઈ રહ્યા છે. બસમાં ગીત ગાવા લાગે છે.)
લલલ... લ... લ... લ... લલલ... લ... લ... લ... (ર)
બસમાં બેસી ચાલ્યા અમે,
કરવા જઈએ ઉજાણી;
અમે બાળકો ખૂબ નખરાળા
વાતો કરીએ શાણી. (ર)
લલલ... લ... લ... લ... લલલ... લ... લ... લ... (ર)
દૃશ્ય-ર
(ઘાસવાળા એક મેદાનમાં બાળકો અને શિક્ષકો બેઠા છે. અચાનક એક બાળક બોલી ઊઠે છે.)
બાળક-૧ : થોડીવાર કોઈ મજેદાર વાર્તા સાંભળીએ તો ?
બધા બાળકો : હા, હા. વાર્તા જ સાંભળીએ.
બાળક-ર : પણ વાર્તા કરશે કોણ ?
બાળક-૩ : રામોલિયાસાહેબ !
બાળક-૪ : પણ સાહેબ કયાં ?
બધા બાળકો : હા, હા. સાહેબ કયાં ?
અવાજ : હું અહીં જ છું.
બધા બાળકો : પણ કયાં છો ?
અવાજ : હું અહીં જ છું....
બધા બાળકો : પણ કયાં......... ?
સાહેબ : આ રહ્યો.... !
(આમ બોલી રામોલિયાસાહેબ જાણે જાદુથી પ્રગટ થયા હોય એમ અને જમીનથી ઊંચે સામે દેખાય છે. પછી પગથિયાં ઊતરતા હોય એમ જમીનથી ઊંચે રહીને ચાલતા આવે છે. બધાના મોઢામાંથી ''ઓ... હો...''નું આશ્ચર્ય નીકળી જાય છે.)
સાહેબ : તમારે વાર્તા સાંભળવી છે ?
બધા બાળકો : હા...........
સાહેબ : ડરામણી છે ! ડર તો નહિ લાગેને ?
બધા બાળકો : ના..........
સાહેબ : તો સાંભળો.... !
અમરપુર નામનું એક ગામ. ગામની બાજુમાં જ જંગલ. જંગલની વચ્ચે એક ડુંગર અને એ ડુંગર ઉપર માતાજીનું એક મંદિર. પણ આ મંદિર અવાવરું બની ગયું હતું. અહીં એવી વાત ફેલાયેલી હતી કે, ડુંગર ઉપર ભૂત-પલીતે કબ્જો કરેલ છે. રોજ રાત્રે તેનો અવાજ પણ આવે છે અને ત્યાં જે જાય તે પાછું નથી આવતું. એટલે કોઈ ત્યાં જવાની હિંમત ન કરે. પણ તમારા જેવા આઠેક છોકરાઓને આ વાત ગળે ઊતરતી નહોતી અને એક દિવસ તેઓએ નક્કી કર્યું..
(ક્રમશ:)
