અનેરું સ્નાન
અનેરું સ્નાન
જળથી નહી, દુધથી નહી, ઘીથી નહી આ સ્નાન છે અનોખું. જરા વિચિત્ર લાગશે. જ્યારે આખો ચિતાર વાંચશો ત્યારે થશે કેટલું અદભૂત એ દૃશ્ય હતું. વર્ષો થયાં, યાદ પણ નથી કે ક્યારે અરૂણા અને અમરનો લાડકવાયો અમોલ પરણીને પત્ની સહિત અમેરિકા જઈ પહોંચ્યો. એરોનેટિક એન્જીન્યરને ‘નાસા’માં સારી પદવી મળી ગઈ. આઈ. આઈ. ટી.માંથી ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવેલો હોય તેને માટે ગગન જેટલી વિશાળ તક તેને આવકારવા આતુર હતી.
એકવાર અમેરિકા આવ્યા અને સારી નોકરી મળી, બસ તમે ફસાયાં. ખૂબ આગળ આવવાના દ્વાર ખુલ્લા હોય. અનામિકા પણ એન્જીનિયર હતી. બન્ને જણા સરસ રીતે ‘નાસા’માં ગોઠવાઈ ગયા. નવી મનગમતી નોકરી, અમેરિકા જેવો અદભૂત દેશ, અમોલ ભૂલી ગયો કે ભારતમાં માતા અને પિતાએ કેટલી મહેનત તેની પાછળ કરી હતી. આઈ. આઈ. ટી.માં તેનું ભણવાનું સપનું પુરું કરવા તેઓએ પોતાના સપના કદી સત્યમાં પરિણમે તેની ખેવના પણ નહોતી કરી.
અરૂણા અને અમર જાણે પોતાના એકના એક દીકરાની મહત્વકાંક્ષા પૂરી કરવી એ જ તેમના જીવનનો ઉદ્દેશ હોય તેમ લાગતું. દિવસ કે રાત જોયા વગર અમર પૈસા બનાવવામાં રચ્યોપચ્યો રહેતો. અરૂણા દીકરાની બીજી બધી સગવડો સાચવતી. ખબર નહી કેમ બાળક થાય પછી જાણે માતા તેમ જ પિતાને બીજી કોઈ જીંદગી હોઈ શકે કે નહી ? હા, તેના ઉછેરની કાળજી કરવી, બાળકની સગવડો સચવાય તેનો દિનરાત ખ્યાલ રાખવો આ બધું માબાપ હોંશે હોંશે કરતાં હોય છે. કોઈના દબાણથી નહી. તેમના અંતરની ઉર્મિઓથી પ્યાર સહિત.
એવું પણ માનવાવાળા હોય છે કે, બાળકો ભણ્યા અને આગળ આવ્યા. તેમાં માતા અને પિતાએ શું કર્યું? આ પ્રશ્ન ગહન છે. કદાપિ કોઈ માતા કે પિતા બાળકો પર ઉપકાર કરતા નથી. પણ તેમના જ બાલકો જ્યારે ભણીને આગળ આવે ત્યારે ગૌરવ અનુભવતા હોય છે. ખેર, સમાજમાં આવું તો બનતું જ રહેવાનું. આરૂણા અને અમર એવા વિઘ્ન સંતોષીઓની વાત ને ગણકારતા નહી.
અમોલ અને અનામિકાએ નક્કી કર્યું આપણે ’કરિયર’ બનાવવી હોય તો હમણાં બાળકનો વિચાર સુદ્ધાં કરવો નહી. અમોલને લાગ્યું વાત તો સાચી છે. તેને યાદ હતું પોતે કેવી રીતે ઉછર્યો હતો. કામની ધમાલમાં અને પ્રગતિના સોપાન સર કરવામાં બન્ને જણા ભારતમાં માતા અને પિતાને વિસરી ગયાં. જો કે અનામિકાને તો બીજા ભાઈ અને બહેન હતાં. તે ઘરમાં સહુથી નાની હતી. જ્યારે અમોલ એકનો એક લાડલો હતો. આમ પણ દીકરી જ્યારે સમય મળ્યે ત્યારે મુંબઈ વાત કરી સમાચાર આપતી. અનામિકા લગ્ન પછી અમોલ સાથે અમેરિકા આવી ગઈ હતી. તે અમોલના માતા પિતા સાથે કોઈ પણ પ્રકારના લાગણીના તારથી બંધાઈ ન હતી. લગ્ન પછી બન્ને હનીમૂન કરવાં નૈનિતાલ ગયાં. પાછાં આવીને પાસપોર્ટ અને વિસાના કામની ધમાલ ચાલી. બન્ને એ સાથે ભારત છોડ્યું. સાથે રહી એકબીજાની નજદીક સરવાનો યા જાણવાનો સમય નહોતો મળ્યો.
અમોલે પોતાના મમ્મી અને પપ્પાને ખાત્રી આપી ત્યાં સ્થાયી થયા પછી તેમને ફરવા બોલાવશે. સાથે શાંતિથી રહેશે. ઘણી વખત શબ્દો, માત્ર ઠાલાં શબ્દો રહી, હવામાં દૂર દૂર સુધી ઘુમરાતાં રહે છે. આ કિસ્સામાં પણ એવું જ બન્યું. નવી નોકરી, નવો દેશ, નવી પરણેતર કયો એવો જુવાન હોય જેને બીજું કશું સાંભરે યા દેખાય?
અમર કોઈ વાર ફોન કરે,‘બેટા તારી માને તારો અવાજ સાંભળવો છે.'
‘પપ્પા હું સૂતો છું અડધી રાત થઈ ગઈ છે.'
થાય એવું કે એમના ખ્યાલ બહાર રહી જાય કે અમેરિકામાં રાત હોય ત્યારે અહી દિવસ અને ભારતમાં દિવસ હોય ત્યારે અમેરિકામાં રાત. વધારે પડતાં કામકાજને કારણે અમર પંચાવનની વર્ષની ઉમરમાં ખખડી ગયો હતો. અરૂણા પુત્ર વિયોગમાં જીવન પ્રત્યે દુર્લક્ષ્ય આપતી. બન્ને જણા એકબીજાનો સહારો હતા. પુત્ર વિયોગ સાલતો પણ પોતાના દિલના ભાવ વ્યક્ત કરી લાગણીઓ દુભાવવા માંગતા નહી.
અમોલ નાસાના એવા પ્રોજ્ર્ક્ટનો ચીફ હતો કે તેને શ્વાસ લેવાની પણ ફુરસદ મળતી નહી. નાની ઉમરમાં તેની આવડત અને હોંશિયારી પારખનાર ડો. સ્મિથ તેના પર આફરિન હતાં. અનામિકા નાસામાં હતી પણ તેનું અને અમોલનું કાર્ય એકદમ જુદા ક્ષેત્રમાં હતું. એ બન્નેને લંચ પર મળવું હોય તો પણ શક્ય બનતું નહી. ઘરે અમોલ મોડેથી આવતો અને અનામિકા ઉઠે તે પહેલાં વિદાય થઈ જતો. આમ જીવનના દસ વર્ષ પસાર થઈ ગયાં. ભારત જવા માટે લાંબી રજા મળવી નામુમકિન હતી.
આવતી કાલે રોકેટ લોંચ થવાનું હતું. છેલ્લા પંદર દિવસથી અમોલ સૂતો પણ ન હતો. નાસાના આ પ્રોજેક્ટનો ચીફ હતો. જેને કારણે ખૂબ જવાબદારીથી ઘેરાયેલો હતો. આટલી નાની ઉમરમાં અને દસ વર્ષના ટુંકા ગાળામાં આવી તક અને સિદ્ધી નસીબદાર અને કાબેલિયતને જ મળે તેમાં બે મત નથી.
સમય અનુસાર રોકેટ અંતરિક્ષમાં ગયું. તેના સમય અનુસાર પીસ્તાલીસ દિવસનું મિશન એકોમ્પલીશ કરીને આજે પાછું આવવાનું હતું. અત્યાર સુધીનું બધું જ કામ બરાબર ચાલતું હતું. જમીન પરનું કંટ્રોલ સ્ટેશન તેનું સંચાલન કરવામાં સફળ રહ્યું. નાની મોટી ઉપાધિ આવી હતી. એ રોકેટના કેપ્ટને પોતાની હોંશિયારીથી ત્વરિત નિણયો લઈને તેમનો નિકાલ કર્યો હતો. બસ હવે ચાર કલાક હતાં. ક્યારે રોકેટ અવરોધ વગર જમીન પર ઉતરે તેની ધડકતે હૈયે રાહ જોવાઈ રહી હતી.
પોતાના કામમાં વ્યસ્ત હોવાને કારણે અમોલને જીવનમાં શું ચાલી રહ્યું છે તેનો કોઈ અણસાર ન હતો. અનામિકા સારા સમાચાર આપવાની હતી. લગ્ન પછીના દસ વર્ષમાં ધીરે ધીરે અમોલના માતા પિતા સાથે ફોન અને કમપ્યુટર દ્વારા નજીક આવવાની તક સાંપડી હતી. બસ આજે રોકેટ ‘લેન્ડ’ થાય પછી નજીકના ભવિષ્યમાં અમોલ કોઈ બીજા પ્રોજેક્ટ પર કામ કરવાનો ન હતો તેની અનામિકાને જાણ હતી.
અનામિકા અમોલના પ્યારમાં પાગલ હતી. રોકેટ લેન્ડ થાય અને પોતાના સમાચાર માતા અને પિતાની હાજરીમાં તેણે જણાવવાનો નિર્ધાર કર્યો. અમોલની જાણ બહાર, અરૂણા અને અમરને અમેરિકા બોલાવ્યા. અહીથી સ્પોન્સરશીપના કાગળ પણ તૈયાર કરી ભારત મોકલાવ્યા. આજે સાંજના ચાર વાગે રોકેટ લેન્ડ થવાનું હતું. બાર વાગ્યે ભારતથી એર ઈન્ડીયાના પ્લેનમાં અમર અને અરૂણા અમેરિકા આવ્યાં.
અમોલને કોઈ વાતની જાણ ન હતી. એનો જીવ અત્યારે રોકેટ સેઈફલી લેન્ડ થાય તેમાં અટવાયો હતો. તેને અનામિકા પર ગળા સુધી વિશ્વાસ હતો. અનામિકાએ તેના પ્રોજેક્ટ પર કામ કરવા માટે સરળતા પણ કરી આપી હતી. તે જાણતી હતી અમોલના જીવનની આ સિદ્ધી છે. જે મેળવવા તેણે દિવસ રાત એક કર્યા હતા. ફરિયાદનો એક પણ હરફ તેના મુખેથી બહાર આવ્યો ન હતો.
અમોલના મમ્મી અને પપ્પાને ઘરે લાવી તેમની સરભરા કરી. ન્હાઈ ધોઈને બધાં નાસાની અમોલની ઓફિસે આવી પહોંચ્યા. અમર અને અરૂણા બહુ વિગતે જાણતાં ન હતાં. જે થોડીઘણી ઉપર છલ્લી વાત કરી હતી તેને કારણે કશુંક અવનવું બનવાનું છે તેની ખાત્રી હતી. અનામિકાને કારણે વી આઈ પી સીટમાં બેસી તેઓ બધું અવાચક બની નિહાળી રહ્યાં હતાં. રોકેટ લેન્ડ થયું. બધાનું અભિવાદન અમોલ ઝીલી રહ્યો હતો. નાસાના બધાં કાર્યકર્તાઓ અને મોટી મોટી મહાન વિભુતિઓ દ્વારા તેને અભિનંદન મળતાં હતાં. આ બધી વિધિ પત્યા પછી જ્યારે અનામિકાને મળવા આવ્યો ત્યારે તેની સાથે પોતાના માતા અને પિતાને જોઈ અમોલ ભેટ્યો તેના નયનોમાંઅથી નિકળતાં પાવન ગંગા અને જમુનાનાં નીરથી તેમને સ્નાન કરાવી જીવનને ધન્ય માની રહ્યો.
