આવજો ! એક વૃક્ષ વાવજો
આવજો ! એક વૃક્ષ વાવજો
સોનું જ્યારે નાનો હતો ત્યારે સ્કૂલમાં વેકેશન પડે એટલે નાનાના ઘરે રહેવા આવી જાય. તેના પપ્પાને બિઝનેસ હતો, એટલે તેમને વેકેશન પડતું નહિ. તેથી નરેશભાઈ તેમની પત્ની વિભાબેન અને પુત્ર સોનુને નાનાના ઘરે રહેવા માટે થોડા દિવસ મૂકી આવે. રોજ સવારે સોનુના નાના ઘરની આસપાસ રહેલા બધા જ ઝાડને પાણી પીવડાવવું, નિંદામણ દૂર કરવું, સાફ સફાઈ કરવી, ખાતર આપવું વગેરે જેવા કામ કરતાં હોય. સોનુને આ જોઇને અચરજ થતું. તેથી તે નાનાને પૂછતો,
"ઝાડ ઉછેરીને આપણને શું ફાયદો ?"
ત્યારે તેના નાના તેને ઝાડના ફાયદા ગણાવતાં અને તેની ઉપયોગીતા પણ સમજાવતા.
સોનું શહેરમાં ઉછરીને મોટો થયેલો, જ્યાં તેણે કોઈ દિવસ ઝાડ, છોડ, ખેતર બધું જોયેલું નહીં. તેથી તેને આવી બધી બાબતોમાં કોઈ જ રસ નહોતો. તેને એક જ ફરિયાદ રહેતી કે, "નાનાના ઘરે એસી નથી, એટલે મને બહુ જ ગરમી લાગે છે." તેના નાના તેને સમજાવતાં કે બેટા ગરમી એસીના કારણે જ વધે છે. પરંતુ તે વાત તેને સમજાતી નહિ. સોનુનાં નાનાએ સોનુને બે ઝાડ રોપી આપ્યા, અને તેની સંપૂર્ણ જવાબદારી સોનુને સોંપી. તેને પાણી આપવાથી લઈને તેનો ઉછેર કરવા સુધીની બધી જ જવાબદારી સોનુની. સોનું ખૂબ પ્રેમથી બંને ઝાડની માવજતમાં લાગી ગયો. નિયમિત રૂપે પાણી આપવું, ક્યારી સાફ રાખવી, ખાતર આપવું બધા કામ સોનું ખૂબ જ ધ્યાન પૂર્વક કરવા લાગ્યો. બંને ઝાડે સરસ મૂળિયાં નાખી દીધા હતા, અને તેમનો વિકાસ શરૂ થયો હતો. નવા પર્ણો આવવાના પણ શરૂ થઈ ગયા હતા. સોનુને હવે બંને ઝાડ પ્રત્યે માયા બંધાઈ ગઈ હતી.
પરંતુ થોડા સમયમાં તો સોનુનું વેકેશન પૂરું થઈ ગયું, અને તેને પાછા પોતાના શહેર જવાનું થયું. જતાં જતાં તેણે આ બંને ઝાડને ઉછેરવાની જવાબદારી નાનાને સોંપી. આવતા વર્ષે પપ્પાને બિઝનેસનું ખૂબ કામ હોવાના કારણે અને ત્યારબાદ સોનુને બોર્ડની પરીક્ષા હોવાના કારણે નાનાને ત્યાં આવવાનું થયું નહિ. પરંતુ ત્રીજા વર્ષે જ્યારે સોનુએ આવીને જોયું તો તેણે જે છોડ વાવ્યા હતાં, તે અત્યારે મોટા ઝાડ થઈ ગયા હતા. સોનું તે જોઈને ખૂબ જ ખુશ થઈ ગયો. નાનાએ ઝાડ નીચે પાણી છાંટ્યું અને ત્યાં ખાટલો પાથર્યો. ઠંડો ઠંડો પવન સોનુને ખૂબ જ ગમ્યો. સોનુને એસી ની ઠંડી હવા કરતાં પણ વધારે ગમતો હતો આ કુદરતી પવન.
હવે સોનું એટલો મોટો થઈ ગયો હતો કે તે વૃક્ષોનું મહત્વ સમજી શકે. તેને પોતાને સમજાઈ ગયું કે, કાલે જે વૃક્ષોને તેણે સાચવ્યા હતા, સિંચન કર્યું હતું, જેની માવજત કરી હતી, તે વૃક્ષો નીચે આજે પોતે બેસીને કુદરતને માણી શકે છે. કાલે જેનું જતન કર્યું હતું, તે વૃક્ષો આજે પોતાને કાળઝાળ ગરમીમાં પણ શીતળ છાયડો આપે છે. તેના નાના ગામથી જતા દરેક વ્યક્તિને જે વાક્ય કહેતાં, તેનો મર્મ આજે સોનુને બરોબર સમજાઈ ગયો હતો કે, "આવજો ! એક વૃક્ષ વાવજો."
