Falguni Parikh

Others

2  

Falguni Parikh

Others

આશ્લેષ

આશ્લેષ

3 mins
7.0K


સામ સામે બાથમાં મળવું એ બીજું કૈ નથી,

છે પીડાઓનો તરજૂમો મહેંકમાં  થવાનું નામ.

                         - રમેશ પારેખ

તર્જની મુંબઈની એક સોફટવેર કંપનીમાં ઉચ્ચ પગારની  જોબ કરતી  ખૂબસુરત યુવતી. કંપનીમાં ઉચ્ચ પગારની નોકરી પર હોવાથી, તેના હાથ નીચે કામ કરતા કર્મચારીઓને તે તુચ્છ નજરે જોતી. ઓફિસમાં તેની ચાપલૂસી કરીને તેની રહેમ નજર પ્રાપ્ત કરનારને તે ધિકકારતી  હતી. તેના અપમાનનો ભોગ કયારે, કયો કર્મચારી બની જતો તે કહી ના શકાય. બધા તેના રૂઆબથી ડરતા, પરંતુ પીઠ પાછળ તેની નિંદા એટલી જ કરતા.

તેમની કંપનીમાં દિલ્હીથી ટ્રાન્સફર લઈને મોહિત શર્મા મુંબઈની ઓફિસમાં આવ્યો. હેન્ડસમ, ચતુર, વાતોમાં કુશળ એવા મોહિતની દોસ્તી માટે ઓફિસની યુવતીઓ ઢળી પડતી હતી.

મોહિત તર્જનીને ઓફિસમાં જોતો ત્યારે એમના વિષે વિચારતો. બધી યુવતીઓ કરતાં આ અલગ લાગી. કદી તર્જનીને સ્માઇલ કરતાં કે કોઈ સાથે વાતચીત કરતાં નિહાળી નહોતી. ખૂબ આશ્ચર્ય થતું.

મોહિતે ઓફિસમાં તેની મિત્ર બનેલી સુગંધાને આ માટે પૂછયું. તેની પસંદ- નાપસંદ, જાણી લીધા પછી તેણે 'દોસ્તી અભિયાન' શરૂ કર્યું. તર્જનીએ શરૂઆતમાં રિસ્પોન્સ ના આપ્યો. જોકે, મોહિતના પ્રયત્નો ચાલુ રહયા અને એને સફળતા પણ મળી.

તેમની વચ્ચે દોસ્તી શરૂ થઈ. તર્જની જે કાયમ અકકડ, ગુસ્સાથી ભરેલી રહેતી હતી, તેને બદલે તે ખુશનુમા મિજાજની બની ગઈ હતી. ઓફિસમાં બધાને તેનામાં આવેલા બદલવાથી આશ્ચર્ય થતું હતું.

એ દોસ્તીએ કયારે પ્રેમનું સ્વરૂપ લઇ લીધું એની તર્જનીને ખબર ના પડી. તેનું મન સતત મોહિતનો સાથ પામવા ઝંખતું. મોહિત ઓફિસમાં કોઈ યુવતી સાથે વાતચીત કરતો એ તેને ગમતું નહીં. તર્જની આ પ્રેમને વિવાહના બંધનમાં બાંધવા માંગતી હતી. તેને તેની એકલતા સહન થતી નહોતી અને મોહિત આ બાબતમાં ગંભીર નહતો. છતાં તર્જની એની સાથે એક વિશ્વાસથી બે દિવસની મહાબલેશ્વરની ટ્રીપ પર તેમની પહેલી ડેટિંગ માટે ગઈ. તે ખૂબ ખુશ હતી.

મહાબલેશ્વરથી પાછા આવ્યા બાદ મોહિતના રંગ બદલાઈ ગયા. તર્જની સાથેના સંબંધો તેણે ઓછા કરી નાંખ્યા. સુગંધા સાથેની દોસ્તી વધી ગઈ હતી. તર્જનીની તે અવગણના કરવા લાગ્યો હતો. તર્જનીથી આ સહન થતું નહોતું.

અચાનક એક દિવસ કુરિયરથી તેનાં ઘરે એક પાર્સલ આવ્યું. પાર્સલ ખોલતાં તેમાંથી રૂમમાં બધી તસ્વીરો વિખરાઈ પડી. તસ્વીરો ઊઠાવીને જોયું તો તર્જનીના પગ નીચેથી ધરતી સરકી ગઇ. તસ્વીરો મહાબલેશ્વરની હતી, જેમાં તેમની અંગત પળોનાં ફોટા હતા! સાથે એક પત્ર હતો. એમાં જણાવ્યું હતું કે, મોહિત તમારી સાથે શરત જીતવા આ રમત રમતો હતો. આ શરત ઓફિસની યુવતીઓ  સાથે લગાવી હતી અને આ ખેલ માટે તેણે તમારો ઉપયોગ કર્યો છે. આ સાથે બધા ફોટા અને તેની નેગેટિવ પણ છે એનો નાશ કરી નાખજો, નહીં તો તમે ખૂબ મોટી મુશ્કેલીમાં આવી જશો... તમારો શુભેચ્છક!

તેની સાથે રમાયેલા ખેલની સચ્ચાઈ સામે હતી. આંખમાંથી આંસુ વહેતા હતા. મોહિતને મોબાઇલ લગાવ્યો, પણ તે સ્વિચ ઓફ આવતા તેને ખૂબ આઘાત લાગ્યો. તે પ્રેમ નામના શબ્દથી છળાઇ હતી. ઓફિસમાં થોડા દિવસોની રજા મૂકી દીધી.

પોતાની જાતને મજબૂત બનાવવા ખૂબ કોશિશ કરી, પરંતુ એ યાદો યાદ આવતા આંખો ભીની થઈ જતી. આજે હવે સમજાયું કે કાશ તેની કોઈ એક સારી મિત્ર હોત તો આજે એને બધું કહી મન પરનો ભાર હલકો કરી શકાતે.

રજાઓ પૂરી થતાં એ ઓફિસમાં હાજર થઈ. જે જોયું એના પર વિશ્વાસ ના કરી શકી. સુગંધા મોહિત તેમની સગાઈની મીઠાઈ વહેંચી રહયા હતા. મ્લાનવદને એમને અભિનંદન આપી તે તેની કેબિનમાં આવી. ખુરશી પર બેસી ખ્યાલોમાં ખોવાઈ ગઈ. વિચારી રહી, પ્રેમના છેતરામણા આભાસી શબ્દથી તેની જિંદગી એક આભાસી અસ્તિત્વ બની ગઈ છે. મોહિત સાથેના એ પ્રેમાદ્ર પળોની યાદ કેમ કરી વિસારું! એ યાદ આવતા પીડાના અશ્રુઓ વહેવા લાગ્યા. એ પીડાઓનો તરજૂમો ખૂબ મુશ્કેલ હોય છે. એમાં મહેંક પ્રેમની હોય છે એ કરતાં એની વેદનાઓ વધારે હોય છે.

તર્જનીએ એ વેદનાઓને કાયમ માટે આશ્લેષમાં ભરી લીધી અને અટૂલી જિંદગી ગુજારી.


Rate this content
Log in