STORYMIRROR

Zaverchand Meghani

Others

0  

Zaverchand Meghani

Others

રાતો રંગ

રાતો રંગ

1 min
496


હાં રે મને રૂડો છે

ભાભી કેરે ભાલે એ ટીલડીનો રાતૂડો રંગ,

હાં રે બીજો રૂડો

વીરાની શૌર્યઘેરી બે આંખડીનો રાતૂડો રંગ.

હાં રે એક રૂડો છે

માવડીને મીઠે સેંથે ભરેલ રાતૂડો રંગ,

હાં રે બીજો રૂડો

બાલૂડી બ્હેન ! તારે હોઠે ઝરંત રાતૂડો રંગ.

હાં રે એક રૂડો

શૂરવીરના જખમનાં શોણિત તણો રાતૂડો રંગ,

હાં રે બીજો રૂડો

પરદેશ જતા પિયુજીની પ્રીત તણો રાતૂડો રંગ,

હાં રે એક રૂડો

વરલાડી ! તારી સોહાગણ ચૂડલીનો રાતૂડો રંગ,

હાં રે બીજો રૂડો

વનની ચણોંઠડીનો હિંગોળ ભર્યો રાતૂડો રંગ.

હાં રે એક રૂડો

સહીયર તણી હથેળીમાં મેંદડીનો રાતૂડો રંગ.

હાં રે બીજો રૂડો

સંધ્યાને હૃદય સળગી રહેતો મધૂર રાતૂડો રંગ.

હાં રે એક રૂડો

કન્યાને હાથ રમતી કંકાવટીનો રાતૂડો રંગ,

હાં રે બીજો રૂડો

બજરંગની ધજાનો ગગને ઉડન્ત રાતૂડો રંગ.

હાં રે મને રૂડો

પરભૂજીનો સૂજેલો સવારે સર્વ રાતૂડો રંગ,

હાં રે એક કૂડો

ક્રોધાળ માનવીનો કો' જીભ તણો રાતૂડો રંગ !


Rate this content
Log in