પૂર્ણ-અપૂર્ણ
પૂર્ણ-અપૂર્ણ
હું અપૂર્ણ છું, મારું પૂર્ણ બનવું ફરજીયાત નથી ..!
પણ તારી પૂર્ણ બનવાની આ હોડમાં તારી સાથે,
તારી જ જેટલા વેગથી ભાગનાર 'સાથી' હું બનીશ..!!
હું લાગણીશીલ છું, આંસુઓના અવસરો ગોતતી ફરું છું !
પણ ભીંજવું હશે જો તારી આંખો ને,
અપેક્ષા નહીં કરી હોય તે એવો અડીખમ ખભો હું બનીશ ..!!
હું નાસમજ છું, શબ્દો ને સંકેલતા શીખી નથી !
પણ વિસામો માંગશે જો તારી વાતો,
તારા 'મૌન' ને માપનારું અમૂલ્ય માપદંડ હું બનીશ..!!
હું શંકાશીલ છું, સ્વભાવથી આવા સુખ ને સંકોચી દઉ છું!
પણ હારશે જો તું હિમ્મત નેં મનમાં હશે મુંજવણ,
તું ખુદ પર ના કરી શકે એ 'વિશ્વાસ' હું બનીશ..!!
હું સ્વાભિમાની છું, મારી જીત જોવા મશગૂલ રહું છું !
પણ મહેફૂસ નહીં રહે તારું જ્યાં માન,
'સ્વ' નો કરીને ખાતમો તારું સ્વમાન હું બનીશ..!!
હાં..હું અપૂર્ણ છું અને મારું પૂર્ણ બનવું ફરજીયાત પણ નથી!
બસ, જ્યારે પણ ખૂટશે કાંઈક જો તારામાં,
હું ઉમેરાઈ ને તારામાં એ પૂર્ણ કરી દઈશ..!!
આમ તારી સાથે, તારા થકી હું પણ પૂર્ણ બની જઈશ..!!