મન પૂછે મને
મન પૂછે મને
1 min
13.6K
પર્ણપીળા પાનખરના જોઈ મન પૂછે મને,
શાશ્વતી સૌન્દર્યની છે કોઈ! મન પૂછે મને
વૃક્ષને વરદાન કે પાછા ફરીથી કોળવું,
વેલડી એ જિંદગી કાં ખોઈ! મન પૂછે મને
સાંજથી મહેંકી રહીતી રાતરાણી ને છતાં,
શબનમી એ રાતભર કાં રોઈ! મન પૂછે મને
બાગમાં કિલ્લોલતી હસતી રમતી ઝૂમતી,
એ જ કળીઓ માળીએ કાં પ્રોઈ! મન પૂછે મને
ગર્ભમાંથી બાળકીએ ખૂબ વિનવણી કરી,
તોય માએ કૂખ શાને ધોઈ! મન પૂછે મને
ભેંસ આગળ ભાગવત વંચાય ની કોને કહ્યું,
જાનવરમાં લાગણીઓ જોઈ ! મન પૂછે મને
સ્નેહભીના સગપણો તોડીને જે ચાલ્યા ગયા,
રાહ એની આજલગ કાં જોઈ! મન પૂછે મને
સૂર્ય સાગર આભલું પર્વત નદી બદલ્યા નહિ.
માનવીએ કેમ કિમત ખોઈ! મન પૂછે મને
