મગફળી
મગફળી
મગફળી
આજ અમથી થનગન થનગન થાતી ધરતી,
અષાઢ વરસે બાદલ જળથી ધીરે ધીરે સરતી,
મેઘ મલ્હારે વીજ ચમકારે ધરતી સારી ડરતી,
તરસ છીપાવી મલક મલક ને ઘેર ઘેર તે ફરતી.
પીળા પીળા ફૂલ ખીલ્યાં ધરતી ઉપર ડાળી ડાળી,
સુવર્ણિમ પાંખુડી શોભે જાણે કંચન ક્યારી ખીલી,
કપાસનાં ધવલ પુષ્પથી જુદી છબી નિરાળી,
મગફળીની વાડી સજતી પીળી ઓઢણી ઓઢી.
ફૂલ ખીલ્યાં ને ફૂલ ખર્યાં, નવી કથા ત્યાં સર્જાણી,
સૂક્ષ્મ દંડિકા વળી ધરતી તરફ યાત્રા અજાણી,
ઉપર છોડ ને નીચે ધરતી, કડી કુદરતે બાંધી,
ફૂલની કુખે જન્મે જીંડું, માટીની ગોદે પામી.
માટીતળે શું ચાલે છે, કોણ નજરે નિહાળે,
નાના નાના જીંડવાં જાણે ધરતી ગર્ભે પાળે,
જલ ને પોષણ પામી પામી કવચ આકાર સંભાળે,
બે ત્રણ બીજને એક કવચમાં પ્રકૃતિ પ્રેમે તાળે.
કપાસે રૂ ખુલ્લું મૂક્યું શ્વેત વાદળની માફક,
મગફળીના બીજ છુપાયા કવચની અંદર સુરક્ષિત,
એકનું સર્જન પ્રગટ થયું, બીજું રહ્યું આવૃત,
કુદરતની બે રીત નિરાળી, બંને સર્જન સમૃદ્ધ.
કપાસે ખોલ્યા ભંડાર પોતાના શ્વેત રૂના રૂપે,
મગફળીએ તિજોરી રચી ધરતીના ગર્ભે છૂપે,
ચોર લૂંટારા નજર ન નાખે ધનના આ અનુરૂપે,
કવચ કુંડળમાં બીજ સાચવ્યાં કુદરતે ચતુર સ્વરૂપે.
એક કવચમાં બીજ બિરાજે તાળું માર્યું મજબૂત,
ચાવી કોઈ પાસે ન રાખી, વ્યવસ્થા કેવી અદ્ભુત!
ઉપર ફૂલ ને નીચે ખજાનો, રહસ્ય રહ્યું અકૂત,
ખેડૂત ખોલે ધરતીની તિજોરી, થાય પરિશ્રમ વસૂલ.
કુદરતે તાળું માર્યું, ચાવી ખેડૂતને આપી!
