કપાસ
કપાસ
કપાસ
કાળી ભમ્મર માટી ટપકે જલબિંદુ ચોમાસે જ્યારે,
ખેડુ ચોપે શ્વેત શ્યામ કપાસ બીજ ઉંડે ક્યારે,
સવિતા દેવે તીર છોડ્યું તેજબિંદુ તમતમતા સહારે,
કુંપળ ફુટ્યા ક્યારે ક્યારે આવી ખેડૂ વહારે
કુંપળ કાજે ખેડુ લાવે ભાવતા ભોજન રોજ સવારે,
નાની મોટી વાતો કરતા કુંપળ વધતી કાનન અસવારે,
લીલુડા ત્યાં બાલ જનમતા કોમળ પાન સથવારે,
ક્યારે આવશે ફોરમ ફુલડા ડાળ ભથવારે
ને ત્યાં તો જોયા લાલ ગુલાબી ફુલડા ફૂટ્યા ડાળી ડાળી,
દિવસે દિવસે મોટા થાતા જોઈ હરખાયો ડાળી માળી,
લપક લસરતા ધોળા ધોળા ઘરમાં જાણે બિલ્લી પાળી,
શાખા વચ્ચે ઉગતા દીઠા જીંડવે ડાળી વાળી
જીંડવા ગર્ભે શ્વેત તંતુઓ સર્જન કરતા ધીરે ધીરે,
અણદીઠી એ ક્રિયા ચાલતી રાતદિનના ફેરા ફેરે,
બહાર લીલુડું આવરણ ને અંદર ધવલ સ્વપ્ન ઘેરે,
કુદરત કેવું સર્જન કરતી મૌન રહીને ધીરજ ધરે.
ખેડુ રોજ નિહાળે ખેતર આશાભરી આંખો ધારી,
ક્યાંક વાદળ ક્યાંક તડકો ક્યાંક ચિંતા મનમાં ભારી,
જીવાત, રોગ ને વરસાદ સામે નજર રાખતો વારી,
પરિશ્રમની સાથે પ્રકૃતિની કૃપા રહે સહકારી.
ધીમે ધીમે જીંડવું પાકે આવરણ શુષ્ક બનતું જાય,
બંધ કવચની ભીતર જાણે શ્વેત સમૃદ્ધિ આકાર પામે,
એક દિવસ એ કવચ ફાટે ધવલ રાશિ બહાર આવે,
ધરતીના ગર્ભે છુપાયેલું સર્જન જગને દર્શાવે.
સફેદ રૂનાં ઝૂમખડાં ત્યાં ડાળી ડાળીએ લહેરાય,
જાણે શ્વેત વાદળનાં ટુકડા ધરતી ઉપર ઊતરી જાય,
રાતદિનની સૂક્ષ્મ વૃદ્ધિ એકસાથે દૃષ્ટિમાં સમાય,
મૌન સાધનાનું ફળ અંતે જગની આંખે પ્રગટાય.
કાળી માટીમાંથી જન્મ્યું ધવલ રૂપ આ પામ્યું,
જલબિંદુ ને સૂર્યકિરણનું સહિયારું દાન સમાયું,
બીજથી રૂ સુધીનું અંતર કાળે ધીમે કાપ્યું,
પ્રકૃતિના આ સર્જનયજ્ઞે ખેડૂતનું સ્વપ્ન સાકાર્યું.
