એક સવાલ
એક સવાલ

1 min

350
વારંવાર શંકા માથું ઉચકે,
હળવે રહીં ટકોરા મારે,
વિનય વિવેક વગર અંદર આવી,
એતો અઠે દ્વારકા કરે.
હળવે હળવે એ રાયનો દાણો,
પર્વત બની જાય,
મનની શાંતિ સુખ જોખમાય જાય,
સમય સંજોગ ને સંબંધને અવગણી,
વાર્તાની રાજકુમારી જેવી,
દિવસને રાત વધતી જાય.
તર્કબંધ દલીલો સબૂતો,
કશુંજ ન ગણકારે,
બસ એની આગ ફેલાવતી જાય.
બેચેની અજંપો અકળામણ વધારતી,
એ શંકારાણી વિવેક બુધ્ધિને વશ કરી,
પોતાનું સામ્રાજ્ય વધારી,
વિનાશ નોતરતી રહે.
ત્યારે એક સવાલ જાગે,
આ વણજોઈતા મહેમાનને,
દ્વાર પરથીજ આવજો કહીં,
હંમેશા શાંતિ જાળવીએ તો !
પણ એ સવાલના જવાબમાં
એક શંકા હે ! ભગવાન,
પાછી શંકા.