બાલેન્દુથી પૂનમ
બાલેન્દુથી પૂનમ
બાલેન્દુથી પૂનમ
સમી સાંજે સૂર્યાસ્તે, સુવર્ણ તેજ બાલેન્દુ,
સખા સંગ શુક્ર સુખદ, સત્ત્વસભર સ્નેહેન્દુ;
સરસી સોહે શશિની કળા, સજતી શ્યામલ રાત,
સુધાકર સંકેત સ્નેહના, સરજે શીતળ વાત.
સોળે કળાએ સજવા સારુ, સધતો શશિ સંચાર,
સૌમ્ય સોમની સ્નિગ્ધ છટાથી, સોહે સૃષ્ટિ-સંસાર;
સંધ્યા સરી, શશિ સરતો આવે, સમય સરકતો જાય,
સુદીર્ઘ પચાસ મિનિટના ફેરે, શશી ઉદિત થતો જણાય.
બીજે સ્નેહ વહાવે ભાઈબીજ, ત્રીજે અક્ષય શુભ સાર,
ચોથે હરતા વિઘ્ન ગણેશજી, પાંચમે લાભ અપાર;
નવમે રામજન્મનો ઉત્સવ, એકાદશ ભક્તિધાર,
પૂનમે સોળે કળા શશાંકની, સૃષ્ટિ સજે શણગાર!
સાગર સંગ શશિનો સંબંધ, ભરતી ચડે અપાર,
સરી ઓટમાં શાંત તરંગો, સર્જે લય વિસ્તાર;
શીતળ શશિકિરણોથી સોહે, શરદતણી શીત રાત,
ઝળહળ મોતી ઝાકળ કેરાં, સરજે સ્નિગ્ધ પ્રભાત.
શશિ, શશાંક, સુધાકર, સોમ—નામ અનેક અપાર,
સુધાંશુ, હિમાંશુ, ઇન્દુ સજાવે, કાવ્યતણો વિહાર;
બીજ થકી પૂનમની સફરે, કળા કમનીય ધાર,
સોળે કળાએ શોભતો શશિ, સૌંદર્યનો સાકાર!
