STORYMIRROR

Ashutosh Desai

Others

3  

Ashutosh Desai

Others

વર્ષોનું વિરહ મંજૂર, જો એક પળનું પૂર્ણ મિલન મળે

વર્ષોનું વિરહ મંજૂર, જો એક પળનું પૂર્ણ મિલન મળે

11 mins
29K


'ના ના ચાર દિવસ સુધી સાહેબની બધી જ ઍપોઈન્ટમેન્ટ્સ ફૂલ છે, તમે આવતા સોમાવારે ફોન કરો.' ડૉ.અખિલેશ ત્રિપાઠીના ક્લિનીકના રિસેપ્શન પર બેઠેલી ફૂટડી યુવતીએ ફોન પર કોઈક દર્દીને ના પાડી દીધી. જો કે તેની વાત ખોટી પણ નહોતી ડૉ. અખિલેશ એક જાણીતા સાઈકિયાટ્રીસ્ટ હતા અને તેમની પ્રેક્ટિસ પણ ખૂબ સારી ચાલતી હતી. એમની ટ્રીટમેન્ટ, ડાયગ્નોસિસ વગેરે એટલા સચોટ હતા કે શહેરની સિવિલ હોસ્પિટલમાંથી જ્યારે તેમણે પોતાનું પ્રાઈવેટ નર્સિંગહોમ શરૂ કરવાનું નક્કી કર્યું ત્યારે પણ દર્દીઓએ કહી દીધેલું, 'સાહેબ પછી અમે આ સરકારી હોસ્પિટલમાં નહીં આવીએ, તમારા દવાખાને જ લાઈન લગાવવી પડશે.'

'સાહેબ કોફી બનાવું?' ક્લીનિક જવા માટે તૈયાર થઈ રહેલા અખિલેશને નોકરે પૂછ્યું, પણ અખિલેશનું ધ્યાન જ ક્યાં હતું કે તે જવાબ આપે, આદમકદ આયના સામે ઊભા રહી વાળમાં કાંસકો ફેરવી રહેલા અખિલેશના દિમાગમાં તો હમણાં જૂના દિવસોની યાદો પર્ફ્યુમની બોટલમાંથી ફુઆરો થઈને છંટાઈ રહી હતી. જાણે આયનામાં દેખાતી પોતાની જ તસ્વીર સાથે વાત કરી રહ્યો હોય એમ ગઈ કાલે સાંજે ફોન પર થયેલી વાત-ચીતના શબ્દો તેના મોઢાં પર આવી ગયા.

‘હલ્લો, ડૉ. અખિલેશ ત્રિપાઠી સાથે વાત કરી શકું ?' સામા છેડેથી પૂછાયેલા પ્રશ્ન સામે અખિલેશે કહ્યું હતું, 'યસ, હાઉ મે આઈ હેલ્પ યુ?' 'હેલ્લો ડોકટર, હું...હું શ્રીધર શાહ,' પેલા માણસે જ્યારે વાક્ય અધુરૂં છોડી દીધું ત્યારે પળનાં પણ વિલંબ વગર અખિલેશ બોલ્યો હતો, 'અર્પિતાના પિતા તો નહી?' 'હા, હું અર્પિતાના ફાધર શ્રીધર શાહ જ બોલું છું.' બંને છેડે થોડી ક્ષણોનો વિરામ આવ્યો અને એ પછી ફરી વાત-ચીતનો દૌર શરૂ થયો હતો. આ થોડીક ક્ષણોમાં અખિલેશને ભૂતકાળની આખીય ઘટના એક ચલચિત્રની જેમ આંખ સામે દેખાઈ ગઈ. અખિલેશે સ્વસ્થ થઈ, વાતનો દોર સંભાળતા કહ્યું, 'હા અંકલ હું અખિલેશ. બોલો હું શું કરી શકું આપને માટે?'

આટલા ચાર વાક્યોની ઔપચારિક વાતો બાદ અખિલેશ માની નહીં શકે એવા શબ્દો તેને સાંભળવા મળ્યા હતા. 'અખિલેશ, બેટા એકવાર તને મળવા આવવું હતું, અગર તું સમય કાઢી શકે તો...' શ્રીધર શાહે બોલતી વખતે 'બેટા' શબ્દ પર જે ભાર આપ્યો એ અખિલેશના ધ્યાનમાં નહીં આવે એમ નહોતું. આ એ જ શ્રીધર શાહ બોલી રહ્યા હતા, જે ભૂતકાળમાં એક યુવાન છોકરીનાં પિતા તરીકે અખિલેશ ન કહેવાના શબ્દો કહી ચૂક્યા હતા. કોઈ અભિમાની માલેતુજારના મોઢે જોવા મળતી તોછડાઈ સાથે ધમકાવી ચૂક્યા હતાં, તે જ માણસ, તે જ માણસ આજે 'બેટા' કહીને વાતની શરૂઆત કરે એ અખિલેશ માટે આશ્ચર્યની વાત હતી.

'અરે અંકલ! તમારે મળવા આવવા માટે ફોન કરવાનો ન હોય, જ્યારે આપ ઠીક સમજો ત્યારે બેઝીઝક આવી શકો છો.' અખિલેશે કહ્યું હતું. 'ઠીક છે, કાલે સવારે ૧૦.૦૦ વાગ્યે અમે તમારા કિલનીક પર આવી જઈશું.' સામે છેડેથી ફોન ભલે મૂકાઈ ગયો હતો પણ શ્રીધર શાહના આ છેલ્લાં વાક્યનો તાળો હજી સુધી અખિલેશ મેળવી નહોતો શક્યો. 'અમે' મતલબ?

શ્રીધર શાહ અર્પિતાની જ વાત કરી રહ્યા હશે ને? ગઈકાલ સાંજ પછીનો આખોય સમય અખિલેશે પોતાના અને અર્પિતાના ભૂતકાળ સાથે વિતાવ્યો અને આજે વર્ષો પછી અર્પિતાને ફરી મળી શકવાની આશાએ તે ખૂબ ખુશ હતો. બાકી, ગીત ગણગણવુ, પર્ફ્યુમનો આમ બેફિકરાઈથી છંટકાવ કરવો આ બધું હવે તેનો સ્વભાવ નહોતો રહ્યો.

સામાન્ય ઘરનો છોકરો અખિલેશ, સસ્તા અને સામાન્ય કપડાં પહેરી રોજ ચાલતો જ કોલેજ જતો અને મોટાભાગે એકલો જ રહેતો, પણ દેખાવે કોઈ ફિલ્મી હીરો જેવો લાગે અને ભણવામાં પણ એટલો જ હોંશિયાર. રિઝલ્ટ સમયે કોલેજના નોટિસ બોર્ડ પર પ્રથમ ક્રમે લગભગ દરેક વખતે અખિલેશનું જ નામ જોવા મળતું. અર્પિતા, શહેરનાં નામદાર ઉદ્યોગપતિશ્રીધર શાહની દિકરી. લાડકોડ અને દોમ દોમ સાહ્યબીમાં ઉછરેલી અત્યંત સુંદર અને નમણી છોકરી. એક જ કોલેજ અને એક જ ક્લાસમાં સાથે ભણતા અખિલેશ અને અર્પિતા નોટ્સની આપ-લે કરતા-કરતા હૈયાની પણ આપ-લે કરી બેઠાં.

નાના શહેરમાં મોટા પ્રખ્યાત માણસની દીકરી હોવાને કારણે તે લોકાના પ્રેમ પ્રકરણની વાતો તેનાં પિતાનાં કાને પહોંચતા વાર નહોતી લાગી અને એ પછી જે બનવાજોગ હતું એ જ બન્યું. અર્પિતાની ગેરહાજરીમાં અખિલેશ સાથે શ્રીધર શાહની મુલાકાત, ધમકીઓથી યુવાનની હિંમતને દબાવી દેવાનો પ્રયત્ન. અને મારવાની, મરાવી નાખવાની ધમકીઓ.

'શું, હેસિયત શું છે તારી, કે મારી દિકરી તરફ જોવાની પણ તેં હિંમત કરી? શું કરે છે તારો બાપ, એક સામાન્ય કલાર્કની નોકરી? તું શું બનવાનો છે એમાં મને રસ નથી. તું શું છે એટલાથી જ તારી ઔકાત નક્કી થઈ શકે છે, જીવન ચાહતો હોય તો અર્પિતાનું આજ પછી નામ પણ નહીં લેતો સમજ્યો?' તોછડાઈ, ઉધ્ધતાઈ અને ઘમંડથી છલકાતાં શ્રીધર શાહના એ શબ્દો આજે પણ અખિલેશને બરાબર યાદ હતાં. પણ ગઈકાલે ફોન પર વાત કરતી વેળાના શ્રીધર શાહમાં આમાંનું કશું જ વર્તાતુ નહોતું, ઉંમરની સાથે જુસ્સો અને ગુસ્સો પણ ઓસરી ગયા હશે? અખિલેશને વિચાર આવી ગયો હતો.

અર્પિતાને પહેલીવાર પ્રપોઝ કરતી વખતે જે ડાર્ક બ્લૂ શેડનો પેન્ટ અને પીંક શર્ટ પહેર્યા હતાં એ જ કલરના શર્ટ અને પેન્ટ આજે ફરી અખિલેશે પહેરવાનું પસંદ કર્યું. દર્દીઓને તપાસવામાં એકવાર પણ ઘડિયાળ તરફ જોવાની દરકાર નહોતો કરતો તે અખિલેશ આજે દર મિનિટે ઘડિયાળ તરફ જોઈ લેતો હતો. પૂરા સોળ વર્ષ પછી આજે એ અર્પિતાને જોવાનો હતો, મળવાનો હતો. જે માણસે વર્ષો પહેલાં ધમકી ભર્યા સ્વરમાં અર્પિતાને મળવાની ના પાડી હતી, તેણે જ જાતે ગઈ કાલે ફોન કરીને આજનો મળવાનો સમય નક્કી કર્યો, એ વિચાર માત્ર ડૉ.અખિલેશને રોમાંચિત કરતો હતો.

ડો.અખિલેશ ત્રિપાઠીને પોતાની ધીકતી પ્રેક્ટિસ અને વ્યસ્તતા વચ્ચે પણ ક્યાંકથી એટલાં સમાચાર મળ્યા હતા કે, અર્પિતા હવે કોઈ મોટા ઉધોગપતિના એકના એક દીકરા પરણી એક દીકરાની મા પણ બની ચૂકી છે. જ્યારે અખિલેશનું મન હજીય અર્પિતા સિવાય કોઈ બીજી છોકરીને જીવનસાથી તરીકે સ્વીકારી શક્યું નહોતું. એક ડૉકટર તરીકે તેણે પોતાની જાતનેએટલી વ્યસ્ત કરી લીધી હતી કે પરણવા અંગેનો વિચાર કરવાનો પણ તેને સમય નહીં મળે.

'અંદર આવી શકું, ડૉક્ટર?' એક આધેડ વયના પુરૂષનો અવાજ સાંભળી અખિલેશે દરવાજા તરફ નજર ઘુમાવી. સામે શ્રીધર શાહ ઊભા હતા, અખિલેશે તેમને આવકાર્યા, તેમની પાછળ પાછળ એક સ્ત્રી પણ પ્રવેશી. અખિલેશને એ ચહેરો ઓળખતા વાર નહીં લાગી, હા એ અર્પિતા જ હતી. અખિલેશે બંનેને સામે પડેલી ખુરશી પર બેસવાનો ઈશારો તો કર્યો પણતેની નજર હજીય અર્પિતાના ચહેરા પર જ મંડાયેલી હતી. આંખોએ આંખોનુ કામ કરી લીધું અને અર્પિતાની ખબર પૂછાઈ ગઈ, પણ સામે અખિલેશને જે કંઈ જોવા મળ્યું એ ખાસ કંઈ ખુશ કરે એવું નહોતું.

ક્યારેક જે છોકરી ચંચળતાની વ્યાખ્યા સમાન હતી, આરીદાર મારકણા રૂપની માલિકણ હતી એ જ અર્પિતાની આંખો હમણાં સાવ નિસ્તેજ, ઊંડી ઉતરી ગયેલી હતી. તેની આજૂ-બાજૂ પડી ગયેલા કાળા ડાઘ કહી આપતા હતા કે બધુ બરાબર નથી. આટલા વર્ષો પછી અખિલેશને જોવા-મળવા છતાં પણ અર્પિતાના ચહેરા પર આનંદ કે ઉન્માદની કોઈ લકીર સુધ્ધાં નહોતી. આંખોમાં ઉત્સાહ નહોતો. થોડાં સમયના મૌન બાદ ઔપચારિક વાતોથી શરૂઆત થઈ. શરૂઆત પણ શ્રીધરભાઈએ જ કરી. 'અખિલેશ, દિકરા ઘણાં લાબાં સમયથી તમને મળવાનું વિચારતા હતાં, પણ મારા પગ અને જીભ બંને ઉપડતા નહોતાં. તમણે કહ્યું. 'કેમ આવવું થયું, કંઈ ખાસ કારણ?' અખિલેશ, અર્પિતાની હાલત જોઈ ખળભળી ગયો હતો પણ તેમ છતાં તેણે સ્વસ્થ દેખાવાનો પ્રયત્ન કરતા પૂછ્યું. 'અર્પિતાના લગ્ન થયે આજે બાર વર્ષ થયા, આઠ મહિના પહેલાં જ ભીમાશંકર ગયેલા ત્યાં ઘાટ ઉપર એક રોડ અકસ્માતમાં... તેના આઠ વર્ષના બાળક્નું મૃત્યુ થઈ ગયું...' દીકરીના નજીકના ભૂતકાળની વાત કરતા શ્રીધરભાઈ રડી પડ્યા, પણ તેમને રડતા જોઈ રહેલી અર્પિતાના ચહેરા પર કોઈ ભાવ નહોતો. તેને માટે જાણે કંઈ જ બન્યું નથી.

'ત્યારથી મારી દિકરી કંઈક અજીબ વર્તન કરે છે, એનું અમગ્ર વિશ્વ જ જાણે બદલાઈ ગયું છે. અખિલેશ, તેના વર્તન અને વાણીમાં વારંવાર ન સમજી શકાય તેવાં ફેરફાર આવ્યાં કરે છે.' શ્રીધર શાહ બોલ્યે જતા હતાં. આઘાત પામવાનો સમય હવે અખિલેશનો હતો! શ્રીધરભાઈ સાથે વાત કરતાં કરતાં પણ તેની નજર તો સતત અર્પિતા ઉપર જ હતી. 'તદ્દન સામાન્ય વાત કરતાં કરતાં પણ અર્પિતા અચાનક કોઈ બીજી દુનિયામાં ચાલી જાય છે, તદ્દન અર્થહીન વાતો યા વર્તન કરવા માંડે છે.

ગેસ પર મૂકેલું પાણી ઉકળીને છલકાવા લાગે તો પણ ગેસની સામે જ ઊભી હોવા છતાં તેને યાદ નથી રહેતું, અરે, બજાર ગઈ હોય તો તેને ઘર ક્યાં છે અને ક્યા રસ્તે જવાનું છે એ પણ યાદ નથી આવતું, મારી સાથે પપ્પા-પપ્પા કરીને વાતો કરતી મારી અર્પિતા, અચાનક મારું નામ પણ ભૂલી જાય છે! ક્યારેક કોઈ પણ વાત ન હોવા છતાં ઉશ્કેરાઈ જઈ ગુસ્સો કરે છે તો ક્યારેક ટી.વી. પર કોઈ સામાન્ય સિરીયલ જોતાં-જોતાં પણ હસ્યા કરે છે, તો વળી કેટલીકવાર અચાનક જો રડી પડે તો કલાકો સુધી રડ્યા જ કરે છે.

અખિલેશની નજર હજીય અર્પિતા તરફ જ મંડાયેલી હતી, પરિસ્થિતિ સમજવા એક ડૉકટર માટે પોતાના પેશન્ટની આટલી જ વિગતો પૂરતી હતી. 'અંકલ, થોડીવાર અર્પિતા સાથેનો સમય માંગુ છું, અગર તમે પરવાનગી આપો તો...' અને શ્રીધરભાઈનાં વળતાં ઉત્તરની રાહ જોયા વગર જ અખિલેશે અર્પિતાને કહ્યું, 'અર્પિતા, મારી સાથે થોડોવાર બહાર ગાર્ડનમાંઆંટો મારવા આવીશ?' કોઈપણ જવાબ આપ્યા વગર અર્પિતા ઊભી થઈ ગઈ અને અખિલેશ સાથે ચાલવા માંડી. એક ડોકટર એનાં પેશન્ટને મળે એ રીતે ડૉ.અખિલેશ ત્રિપાઠીએ એક યુવાન, મુગ્ધ પ્રેમીની આંખો પર ઓબ્ઝર્વેશનના ચશ્‍મા ચઢાવી લીધા. અર્પિતા સાથેની વાત-ચીત, તેનું વર્તન અને એક સાઈકિયાટ્રીસ્ટની નજર આ ત્રણેય જે નિદાન કરી રહ્યા હતા એ ખૂબ ગંભીર બિમારીના નામ તરફ હતું.

'અર્પિતાને સ્કીઝોફ્રેનિયા છે!' બાર બાય બારના મોટા ઓરડામાં મૌન પથરાઈ ગયું. શ્રીધરભાઈને આ વાત પચાવતા ખાસ્સી વાર લાગી. 'હવે? હવે શું કરશું બેટા? મારી દિકરી, કેવી રીતે પાછી...' બસ આથી આગળ એમનાથી બોલાય એમ નહોતું.

'અંકલ, અર્પિતાનો પતિ?' અખિલેશે એક ડૉક્ટર તરીકે પૂછ્યું. 'એણે તો બાળકના મૃત્યુ પછીનાં એક મહિનામાં જ અર્પિતાને છોડી દીધી, ત્યારથી અર્પૂ મારી સાથે જ રહે છે, રહે છે શું બસ, એક જીવ વિહોણું શરીર ફર્યા કરે છે ઘરમાં!' શ્રીધરભાઈના ચહેરા પર એક સાથે નફરત અને લાચારી બંનેના ભાવ ઊભરી આવ્યા. 'કોઈક દીવસની સવાર એવી સરસ આનંદ ઉલ્લાસથી ઊગે અને પછી તરત જ વિલાય જાય. ઉછળકૂદ કરતી મારી દિકરી અચાનક જ શાંત થઈ એક ખૂણામાં બેસી જાય, મારી ઘરડી આંખે આ બધુ હવે નથી જોવાતું મારાથી.' શ્રીધરભાઈ આજીજી કરી રહ્યાં.

'અંકલ અર્પિતાને મારી હોસ્પિટલમાં એડમિટ કરવી પડશે, કેટલા સમય માટે એ તો હમણાં મને પણ ખબર નથી પણ, એક પેશન્ટમાંથી ફરી તેને તમારી અર્પિતા બનાવવાની કોશિશ જરૂર કરીશ.' અખિલેશે શ્રીધરભાઈના ખભે હાથ મૂકતા કહ્યું, અને પછી મનોમન બોલ્યો, 'આપણી અર્પિતાને!'

શ્રીધરભાઈએ ડૉ. અખિલેશ સામે હાથ જોડ્યા અને પાછા જવા માટે ઊભા થયાં, દરવાજા સુધી પહોંચ્યા બાદ તે ફરી અખિલેશ પાસે આવ્યા, 'મને માફ કરી દેજે દિકરા...' આ વાક્યની સાથે જ બંનેની નજર સામે ભૂતકાળ ફરી ડોકીયું કરી ગયો, પણ અખિલેશે એક ઝટકા સાથે એ કાળખંડને પાછો હડસેલી દીધો, અને શ્રીધરભાઈના જોડેલા હાથ પકડી લઈ બોલ્યો, 'શાંત ચિત્તે ઘરે જાવ અંકલ, ભૂતકાળ હું ક્યારનોય ભુલાવી ચુક્યો છું, તમે પણ ભુલી જાવ, આવતી કાલે સવારે આપણે અર્પિતાને દાખલ કરી દઈશું.

***

જૂનાં અધૂરા પ્રેમની યાદો, વર્ષોથી નહીં વહેંચાયેલી લાગણીઓ, વ્હાલ અને ચૌદ વર્ષની સાઈકિયાટ્રીસ્ટ તરીકેની  પ્રેકટિસ. આ તમામને એક સાથે કામે લગાડી, દુનિયાની તમામ સાયકોલોજી ઈન્સ્ટીટ્યુટ્સ સાથે વાતો કરી અખિલેશે અર્પિતાને સાજી કરવાની કોશિશો શરૂ કરી દીધી, મોટા મોટા થોથાં ઉથલાવી નાખ્યા, હોસ્પિટલનાં રૂમથી લઈ બહાર ફેરવવા લઈ જવું, અનેક નવા નવા બિહેવિયરલ એક્સપરિમેન્ટ્સ અને અર્પિતા સાથે જ લંચ અને ડિનર કરતો અખિલેશ, પોતે પણ ખાતો અને અર્પિતાને પણ વ્હાલથી દબાણ કરી કરીને ખવડાવતો. કરી શકે એટલું બધું જ કરી છૂટવાની માનસિકતા સાથે અખિલેશ મંડી પડ્યો. અર્પિતા પણ પોતાના મિત્રનો સાથ પાછો મેળવી કંઈક સ્વસ્થતા અનુભવી રહી હતી, પણ હજીય સ્કીઝોફ્રેનિક અટેક્સ તો ચાલુ જ હતાં, અખિલેશની રાતની ઊંઘ અને આરામનો સમય પણ હવે અર્પિતાના રૂમમાં જ વિતતો હતો. સતત સંગાથને કારણે બંને પ્રેમીઓ ફરી નજીક આવવા માંડ્યા, વાતો કરતાં કરતાં આડત્રીસ વર્ષનો ડૉ. અખિલેશ અને સાડત્રીસની અર્પિતા ક્યારે કોલેજકાળનાં પ્રેમીઓમાં તબદીલ થઈ ગયાં એની પણ ખબર ના રહી, બંનેના શરીરને એક બીજાનાં સ્પર્શનો એહસાસ ફરી રોમાંચિત કરવા માંડ્યો. અર્પિતાની પરિસ્થિતિ પહેલાં કરતાં હવે ઘણી સુધારા પર હતી. દવાઓએ અને અખિલેશના સાથે અસર દેખાડવી શરૂ કરી દીધી હતી.

'હેપ્પી બર્થ ડે ડૉ. અખિલેશ ત્રિપાઠી.' ક્લીનિકમાં પ્રવેશતાંની સાથે જ એક સાથે બધા બોલી પડ્યા અને મોટ્ટું બૂકે લઈને ઊભેલી અર્પિતા, અખિલેશને ભેટી પડી. બધાની હાજરીમાં તે આ રીતે અખિલેશને ભેટી પડી તેથી અખિલેશ થોડો છોભીલો પડી ગયો પણ છતાં તેને ખૂબ ગમ્યું. 'આજે હું હોસ્પિટલમાં નથી જમવાની, તારે મને બહાર લઈ જવી પડશે.'અર્પિતાએ જીદ્દ કરતી હોય તે રીતે કહ્યું. 'ઓ.કે. મારી મા, પણ પહેલાં મને ઓપીડી તો ખતમ કરી લેવા દે, તું છોડીશ તો હું પેશન્ટ્સ પાસે જઈશ ને!' અર્પિતાને હવે જ યાદ આવ્યું કે તેના હાથ હજીય અખિલેશના ગળે વિંટળાયેલા હતા. તે શરમાઈ ગઈ, અખિલેશ સામે તેણે આંખ મિચકારી અને તેના રૂમ તરફ ભાગી ગઈ.

તે દિવસે અખિલેશ લંચ અને ડિનર બંને માટેઅર્પિતાને બહાર લઈ ગયો, મોડી રાત સુધી બંને ફરતા રહ્યા. 'અર્પિતા, એક આંટો આપણી કોલેજ તરફ મારી આવીએ?' અખિલેશે અચાનક જ પૂછ્યું. 'આજે તું જ્યાં લઈ જશે ત્યાં આવવા તૈયાર છું અખિલેશ.' રાત થઈ ચૂકી હતી, બંને એ જેવો કોલેજની લોબીમાં પગ મૂક્યો કે વોચમેન બરાડા પાડતો દોડ્યો, 'કોણ છે, કોણ છે.' બંને એક બીજાનો હાથ પકડી ભાગ્યા અને છેક છેલ્લે આવેલી લાયબ્રેરીના પાછલા ભાગ સુધી આવી ગયા. લાંબા સમય પછી આટલું દોડવાને કારણે અર્પિતાનો શ્વાસચઢી ગયો હતો. અખિલેશ પણ હાંફવા માંડ્યો. બંનેની નજર મળી અને એક સાથે બંને હસી પડ્યા.

'અર્પિ, મારી સાથે લગ્ન કરીશ?' અખિલેશે વર્ષો પછી ફરી એ જ જગ્યાએ એ જ છોકરીને પ્રપોઝ કર્યું. અર્પિતાની શરમાયેલી આંખો મૌનસંમતિમાં ઢળી પડી.

***

'ડૉ. અખિલેશ, તમારો આભાર માનું એટલો ઓછો છે, આ ઋણનો બદલો કદાચ હું ગમે એટલી તગડી ફી ચૂકવીને પણ વાળી શકું એમ નથી.' શ્રીધરભાઈ આજે અર્પિતાને ફરી ઘરે લઈ જવા આવ્યા હતાં. 'અંકલ, સ્કીઝોફ્રેનિયા એક એવો સાઈકોલોજીકલ ડીસિઝ છે જે ક્યારેય સંપૂર્ણ રીતે સારો થઈ શકે તેમ નથી, માટે અર્પિતા એકદમ સાજી થઈ ગઈ છે એમ તો હું નહીં કહી શકું પણ હા એના સ્કીઝોફ્રેનિક એટેક્સ હવે ઘણાં ઓછાં થઈ ગયાં છે, અર્પિતાને દિવસમાં ગમે ત્યારે આવતા એટેક્સ હવે ૧૦-૧૫ દિવસમાં માત્ર બે કે ત્રણ વાર આવે છે. એ પણ ઓછા થઈ શકે, બસ, તમે દવા બંધ નહીં કરતા.' અખિલેશે કહ્યું. 'અને હા, તમારે ડો.અખિલેશ ન કહેવાનું હોય તમે મળવા આવેલા ત્યારે દિકરા કહેલું એ જ મારા માટે ઘણું છે અને સવાલ મારી ફીનો છે તો એ આવતી કાલે સવારે તમારા ઘરે આવીને હું માંગી લઈશ. આશા રાખું કે મારી ફી આપવામાં તમે ના નહિં પાડો. 'દિકરા, આ બાપ તારી ફી માટે ના પાડે એટલો નગુણોય નથી.'

અર્પિતાને આવતીકાલે સવારે એનો હાથ માંગવા આવવાનો વાયદો કરી બંને છૂટા પડ્યાં. રસ્તામાં જ અર્પિતાના મોઢાં પર દેખાતી ખુશીનું કારણ વાંચી લેતા અનુભવી બાપ શ્રીધરભાઈએ તેમની દીકરીને પૂછી લીધુ, 'તો દિકરા, કાલે હા પાડી દઈએ ને અખિલેશને?' અર્પિતા તેના પિતાને વળગી પડી.

અખિલેશના સ્વાગતની તૈયારી માટે એકવીસ વર્ષની મુગ્ધાની માફક દોડતી અર્પિતા, અખિલેશના આવવાની રાહ જોવા માંડી. શ્રીધર શાહના ઘરનો ટેલીફોન રણક્યો, દોડતી આવેલી અર્પિતાએ તુરંત કોલર આઈડી પર દેખાતા નંબર પર એક નજર નાખી અને હાંફતા હાંફતા જ ફોન ઉંચકી, એકીશ્વાસે બોલી ગઈ. 'શું થયું અખિલેશ? કેટલી વાર લગાડે છે, ચલને જલ્દી, હું ક્યારની રાહ જોઉ છું?'

સામા છેડે ક્લીનિકની રિસેપ્શનિસ્ટ મેરી હતી,'મેડમ, અખિલેશસર તમારા ઘરે આવવા માટે તેમની કાર લઈને નીકળ્યા હતાં અને માર્ગ અકસ્માતમાં...'


Rate this content
Log in