વખત તેવાં વાજાં
વખત તેવાં વાજાં
એક હતો પોપટ. પોપટ હતો બેફિકરો. તેને કોઈ જાતની ચિંતા જ નહિ. ખાતો-પીતો ને મજા કરતો. આંબાની ડાળે જાય, ત્યાં બેસે, સારી કેરી જુએ તો થોડી ખાય ને બાકી બગાડી નાખે. એવી રીતે પપૈયાં પણ ખરાબ કરી નાખે. બોરડી પરથી બોર પણ ખંખેરી નાખે. સતત રંજાડ કર્યા કરે.
એક વખત પોપટનું માન વધી જાય એવો સમય આવ્યો. બન્યું એવું કે બધાં પક્ષીઓ મળ્યાં અને નક્કી કર્યું કે આપણાંમાંથી કોઈ એક પક્ષી દેવને પ્રિય પક્ષી બને. ખૂબ ચર્ચાને અંતે પોપટ અને મોર ઉપર પસંદગી ઉતારી. બંનેમાંથી જેને દેવ પસંદ કરે તે દેવનું પ્રિય પક્ષી બને. જેને દેવ પસંદ કરે તેનો માન-મરતબો દેવ જેવો જ જાળવવાનો.
હવે મોર તો પોતાની તૈયારીમાં લાગી ગયો, જ્યારે પોપટ પોતાની મસ્તીમાં ફર્યા કરે. મોર સુંદર નૃત્ય કરતો હોય, ત્યારે પોપટ બોરડીના બોર ખંખેરતો હોય. મોર સુંદર કળા કરતો હોય, ત્યારે પોપટ પપૈયું બગાડતો હોય. મોર મધુર ગહેકતો હોય, ત્યારે પોપટ કેરીઓનો સ્વાદ માણતો હોય. આમ મોર ખંતથી તૈયારી કરતો હોય, ત્યારે પોપટ બેફિકરાઈથી મસ્તી કરતો હોય. પોપટ મનમાં વિચારતો કે, ‘‘મોર ગમે તેટલી મહેનત કરશે તો પણ જીત તો મારી જ થશે. મોર ભલે સુંદર નાચે, ભલે સુંદર કળા કરે, પણ હું મનુષ્યની ભાષા બોલી શકું છું. જે મોર બોલી શકશે નહિ. એટલે મારી જીત પાકી છે.’’
એક નિયત દિવસે દેવની સામે બધાં પક્ષીઓ એકઠાં થયાં. શરૂઆતમાં એક નાચ-ગાનનો કાર્યક્રમ થયો. પછી મોર અને પોપટને પોતાની આવડતો રજૂ કરવાનું કહ્યું. મોર પોતાની આવડતો રજૂ કરી ચૂકયો, એટલે પોપટ બોલ્યો, ‘‘હું મનુષ્યની ભાષા બોલી શકું છું, એ જ મારી મોટી વિશેષતા છે. મારે બીજી વિશેષતાઓ બતાવવાની જરૂર જ નથી !’’ છેવટે દેવે પોતાનો નિર્ણય સંભળાવ્યો, ‘‘મોર મહેનત કરીને જે આવડતું હતું એનાથી વધારે શીખ્યો, જ્યારે પોપટ પોતાની એક વિશેષતા ઉપર આધાર રાખીને મસ્તીમાં ઝૂમ્યો. તેનામાં નવું શીખવાની ધગશ જ નથી. હંમેશાં સમય સાથે રહીને નવું નવું શીખતા રહેવું પડે છે. જેનામાં આવી ધગશ હોય તે જ આગળ વધી શકે. મોર તે રીતે આગળ વધ્યો. તેથી મોરને હું મારું પ્રિય પક્ષી બનાવું છું !’’
દેવનો નિર્ણય સાંભળીને બધાં પક્ષીઓ એક સાથે બોલી ઊઠયાં, ‘‘અહીં તો જે ‘વખત તેવાં વાજાં’ વગાડે એ જ આગળ વધી શકે, ભાઈ !’’
